Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાસુ ચૅટરજીનો બાલ્કની ક્લાસ:થોડા હૈ, થોડે કી ઝ‍‍રૂરત હૈ

બાસુ ચૅટરજીનો બાલ્કની ક્લાસ:થોડા હૈ, થોડે કી ઝ‍‍રૂરત હૈ

13 June, 2020 09:54 PM IST | Mumbai Desk
Raj Goswami

બાસુ ચૅટરજીનો બાલ્કની ક્લાસ:થોડા હૈ, થોડે કી ઝ‍‍રૂરત હૈ

બાસુ ચેટરજી

બાસુ ચેટરજી


બાસુ ચૅટરજી આમઆદમી હતા, રીલ લાઇફમાં અને રિયલ લાઇફમાં. થોડાં વર્ષ પહેલાં એક પત્રકારે ફિલ્મનિર્માતા બાસુ ચૅટરજીને ઇન્ટરવ્યુ માટે ફોન કર્યો ત્યારે બાસુ ચૅટરજીને એ ફોનથી આશ્ચર્ય થયું હતું. તેમને મીડિયાના કે ફિલ્મી હસ્તીઓના ફોન આવતા બંધ થઈ ગયા હતા. તેઓ સાંતાક્રુઝમાં એક સાદા અપાર્ટમેન્ટની ગુમનામીમાં રહેતા હતા. તેમણે ઇન્ટરવ્યુ માટે હા પાડી તો પેલા પત્રકારે ઍડ્રેસ પૂછ્યું. બાસુદાએ કડકાઈથી કહ્યું, ‘શોધી લેજો.’ બાસુદા એવા નિવૃત થઈ ગયા હતા કે કોઈ તેમનો ઇન્ટરવ્યુ લેવા આવે એમાંય રસ નહોતો. તેમણે એ ઇન્ટરવ્યુમાં કહ્યું પણ હતું કે ‘હું મારી દીકરી રૂપાલીની સિરિયલ ‘ઉતરન’ પણ ભાગ્યે જ જોઉં છું. જરૂરિયાતો ઘટે એમ ચીજોમાંથી રસ ઘટે. હું વાંચતો પણ નથી. એક જમાનો હતો કે હું ખૂબ વાંચતો હતો. મેં ઇંગ્લિશ અને બંગાળી સાહિત્ય ખૂબ વાંચ્યું છે, પણ હા, મને ફિલ્મ બનાવવાની હજીય ઇચ્છા છે. મારી પાસે સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. કૉમેડી છે, પણ...’ (તેઓ બોલતાં-બોલતાં અટકી ગયા.)

૪૦ વર્ષ પહેલાં ૧૯૭૯માં અમિતાભ
બચ્ચન-મૌસમી ચૅટરજીની ‘મંઝિલ’ ફિલ્મમાં બાસુ ચૅટરજીએ ત્યારના મુંબઈનું શ્રેષ્ઠ વર્ષાગીત આપ્યું હતું, ‘રિમઝિમ ગીરે સાવન, સુલગ સુલગ જાએ મન, ભીગે આજ ઇસ મૌસમ મેં લાગી કૈસી યે અગન. ૪ જૂને મુંબઈ ‘નિસર્ગ’ વાવાઝોડાના વરસાદમાં નહાઈ રહ્યું હતું ત્યારે ૯૩ વર્ષના ‘આમ આદમી’ બાસુ ચૅટરજીનો અવાજ કાયમ માટે અટકી ગયો.
હિન્દી સિનેમામાં જ્યારે રાજેશ ખન્નાનો પરચમ લહેરાતો હતો અને તેની લાર્જર ધેન લાઇફ ફિલ્મોની પાછળ લાખો દર્શકો પાગલ હતા ત્યારે સિનેમામાં સમાંતર ફિલ્મોનો ઝંડો રોપવામાં આવી રહ્યો હતો. એક તરફ રાજેશ ખન્નાની સ્વપ્નિલ રોમૅન્સની દુનિયા હતી, તો બીજી તરફ મધ્યમવર્ગીય લોકોના રોજિંદા સંઘર્ષ વચ્ચે પ્રેમના અહેસાસની ફિલ્મો હતી. બાસુ ચૅટરજી તેમની પહેલી જ ફિલ્મ ‘સારા આકાશ’ (૧૯૬૯)માં જીવવાની જદ્દોજહદમાં કર્કશ થઈ ગયેલા પ્રેમને લઈને આવ્યા હતા.
બાસુદા આપણા ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા પરથી બનેલી ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮)માં ગોવિંદ સરૈયાના સહાયકના રૂપમાં કામ કરતા હતા ત્યારે ખ્વાજા અહેમદ અબ્બાસે સ્થાપેલી ફિલ્મ ફોરમ સોસાયટીના સભ્ય હતા, જેમાં યુરોપિયન ફિલ્મો જોવાનો શિરસ્તો હતો. એમાં બાસુદાને ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી અને તેમણે રાજેન્દ્ર યાદવની હિન્દી નવલકથા પરથી ‘સારા આકાશ’ બનાવી હતી. એમાં કૉલેજનો એક વિદ્યાર્થી (રાકેશ પાંડે) માતા-પિતાના દબાણમાં આવીને સગીર યુવતી (મધુ ચક્રવર્તી) સાથે લગ્ન કરી લે છે અને પછી કેવી રીતે પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા થાય છે એની વાર્તા હતી. આ બન્ને કલાકાર આમ આદમી હતા અને ક્યારેય સ્ટાર ન બન્યા.
આ વાત અત્યારે અસાધારણ લાગે, પરંતુ એ સમયે છોકરા-છોકરી એકમેકને જાણ્યા-જોયા વગર લગ્ન કરી લેતાં હતાં, એટલું જ નહીં, પ્રેમ પણ પરિવાર લગ્ન કરાવે તેની સાથે જ કરતાં હતાં. એ બરાબર નથી એવો પહેલો સૂર આ ફિલ્મથી ઊઠ્યો હતો. રાજેન્દ્ર યાદવની પણ આ પહેલી જ નવલકથા જે ‘પ્રેત બોલતે હૈં’ નામથી પ્રગટ થઈ હતી. એનું શૂટિંગ પણ આગરામાં યાદવના જૂના ઘરમાં જ કરવામાં આવ્યું હતું. જેમ બાસુદા સમાંતર ફિલ્મોના સેનાપતિ ગણાય છે એમ રાજેન્દ્ર યાદવ હિન્દી સાહિત્યમાં ‘નયી કહાની’માં પ્રણેતા છે. ‘સારા આકાશ’ શીર્ષક રામધારી દિનકરની કવિતા પરથી લેવામાં આવેલું, જે જયપ્રકાશ નારાયણને અંજલિ આપવા માટે લખવામાં આવી હતીઃ
‘સેનાની, કરો પ્રયાસ અભય
ભાવિ ઇતિહાસ તુમ્હારા હૈ
યહ નખત અમ્મા કે બુઝતે હૈં
સારા આકાશ તુમ્હારા હૈ...’
પિયા કા ઘર, રજનીગંધા, છોટી સી બાત, ચિત્તચોર, સ્વામી, બાતોં બાતોં મેં, ખટ્ટા-મીઠા અને શૌકીન જેવી તમામ ફિલ્મોમાં બાસુ ચૅટરજી રોજની ચિંતાઓ લઈને આવેલા. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘હું મધ્યમવર્ગીય પરિવારનો માણસ છું. મને એ જીવનની જ ખબર છે. એટલા માટે મારી ફિલ્મોમાં તડક-ભડક નથી. શિક્ષિત વર્ગ અથવા ‘બાલ્કની ક્લાસ’ મારાં પારિવારિક મનોરંજન જોવા આવતો હતો. એમાં કોઈ અસભ્યતા નહોતી. રાજકુમાર હીરાણીએ એક વાર મને કહ્યું હતું કે ‘સર, તમારી ફિલ્મો આંખો ઉઘાડનારી છે.’
બાસુ ચૅટરજી અજમેરમાં જન્મ્યા હતા, જ્યાં તેમના પિતા રેલવેમાં કામ કરતા હતા. પિતાની નોકરીના ભાગરૂપે તેઓ મથુરા અને આગરામાં ભણ્યા અને ત્યાંથી ફિલ્મોનો ચસકો લાગ્યો. ગ્રૅજ્યુએટ થયા પછી તેએ ૧૯૪૮માં મુંબઈ આવ્યા અને મિલિટરી સ્કૂલમાં લાઇબ્રેરિયનની નોકરી મળી. એમાંથી તેમને ‘બ્લિટ્ઝ’ નામના અઠવાડિક ટેબ્લૉઇડ સમાચારપત્રમાં કાર્ટૂન દોરવાનું કામ મળ્યું. ‘બ્લિટ્ઝ’ રુસ્તમજી ખુરશેદજી કરંજિયા નામના પારસી એડિટરનું દેશનું પહેલું ખોજી પેપર હતું. બાસુદાએ અહીં ૧૮ વર્ષ સુધી નોકરી કરી અને પછી ફિલ્મો તરફ વળ્યા.
એ દિવસોને યાદ કરીને તેમણે કહ્યું હતું કે ‘૧૯૬૬માં મને ‘તિસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક તરીકે કામ કરવાની તક મળી હતી. બીજી એક ફિલ્મમાં સહાયક તરીકે કામ કર્યા પછી ફિલ્મ ફાઇનૅન્સ કૉર્પોરેશને મને ૨.૨૫ લાખ રૂપિયાની લોન આપી હતી, જેમાંથી મેં મારી પહેલી ફિલ્મ ‘સારા આકાશ’ બનાવી. રાજશ્રી પ્રોડક્શને આ ફિલ્મનું વિતરણ કર્યું હતું. એ પછી તેમણે મને ‘પિયા કા ઘર’નું નિર્દેશન કરવાનું કહ્યું અને પછી તો પાછું વળીને ન જોયું.’
‘પિયા કા ઘર’ રાજા ઠાકુરની મરાઠી ફિલ્મ ‘મુંબઈચા જાવઈ’ પરથી બનાવવામાં આવી હતી. એમાં નાકકડા ગામડાની માલતી (જયા ભાદુરી) મુંબઈ જેવા મહાનગરમાં રામ (અનિલ ધવન)ને પરણીને નાનકડા અપાર્ટમેન્ટમાં રહેવા આવે છે. મુંબઈમાં બૉક્સ જેવા ફ્લૅટમાં જીવન કેવું હોય છે એ ‘પિયા કા ઘર’માં ખૂબસૂરત રીતે બતાવવામાં આવ્યું છે. તમને કિશોરકુમારનું બેહદ શાનદાર ગીત ‘યે જીવન હૈ, ઇસ જીવન કા, યહી હૈ, યહી હૈ રંગ રૂપ’ યાદ છે? ‘પિયા કા ઘર’ને આજે પણ એ ગીત માટે યાદ કરાય છે. સંગીતકાર લક્ષ્મીકાંત કાયમ તબલાં બજાવતા હતા, પણ એક ફિલ્મમાં તેમણે ગિટાર વગાડી હતી.
બાસુ ચૅટરજીને સંગીતની જબરદસ્ત સમજ હતી. તેમની તમામ ફિલ્મોએ સદાબહાર ગીતો આપ્યાં છે. ચિત્તચોર (૧૯૭૬)નાં ચારેય ગીત હિટ હતાં ઃ ‘આજ સે પહેલે આજ સે જ્યાદા’, ‘જબ દીપ જલે આના’, ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા’ અને ‘તુ જો મેરે સુર મેં સુર મિલાયે.’ છોટી સી બાત (૧૯૭૬)ઃ ‘જાનેમન જાનેમન તેરે દો નયન અને ‘ના જાને ક્યોં હોતા હૈ જિંદગી કે સાથ.’ રજનીગંધા: ઃ ‘કંઈ બાર યુહી દેખા હૈ અને ‘રજનીગંધા પ્યાર તુમ્હારા.’ ખટ્ટા-મીઠા ઃ ‘થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ’ અને ‘યે જીના હૈ અંગૂર કા દાના.’
‘મંઝિલ’ના એ લોકપ્રિય વર્ષાગીત ‘રિમઝિમ ગીરે સાવન...’ વિશે મૌસમી ચૅટરજી કહે છે, ‘એનું શૂટિંગ ઘણું અઘરું હતું. અમે બે દિવસ સુધી મુંબઈના અસલી વરસાદમાં શૂટિંગ કર્યું હતું. બાસુદાને નકલી વરસાદમાં શૂટ કરવું નહોતું. અમિત (અમિતાભ બચ્ચન) તેમના ભાઈ અભિજિતની નાનકડી કારમાં આવતો. અમે ધોધમાર વરસાદમાં શૂટિંગ કરતાં અને દોડીને કારમાં બેસી જતાં. મને યાદ છે કે મારી સાડીનો લીલો રંગ વરસાદમાં ઊતરવા લાગ્યો હતો અને આઇલાઇનર મારા ગાલ પર ફેલાઈ ગયું હતું. એમાં હું નાની અને અમિત ઊંચો હતો અને બાસુદાના કૅમરામૅનને અમને બન્નેને એક ફ્રેમમાં રાખવાં અઘરાં પડતાં હતા.’ આ ગીત ૨૯ મેએ અવસાન પામેલા ગીતકાર યોગેશનાં શાનદાર ગીતો પૈકીનું એક છે.
તેમની ફિલ્મોની બીજી ખાસિયત તેમની હિરોઇનો હતી. ‘રજનીગંધા’ની દીપા (વિદ્યા સિંહા)નો તેના પ્રેમી અને ભાવિ પતિ વચ્ચેનો સંઘર્ષ હોય, ‘છોટી સી બાત’ની પ્રભા (વિદ્યા સિંહા)નો એકપક્ષી પ્રેમ હોય, ‘ચિત્તચોર’ની ગીતા (ઝરીના વહાબ)ની બાળક જેવી અબુધતા હોય, ‘બાતોં બાતોં મેં’ની નાન્સી (ટીના મુનિમ)ના નિષ્ફળ પ્રેમની હતાશા હોય કે ‘સ્વામી’ની મિની (શબાના આઝમી)ની મરજી વિરુદ્ધ લગ્નમાં ફિટ થવાની માથાકૂટ હોય એ બધાં જ પાત્રો આમ સાધારણ હતાં, પરંતુ વિચારોથી મજબૂત હતાં. બાસુદા સ્ત્રીઓની સંવેદનાના અચ્છા જાણકાર હતા અને તેમની ફિલ્મોમાં સ્ત્રીપાત્રોનાં પ્રેમ, ઇચ્છા, આક્રોશ અને દુઃખ અત્યંત નાજુકાઈથી પેશ થયાં હતાં. એ જ એક કારણ હતું કે કોઈ પણ સ્ત્રીદર્શક એ પાત્ર સાથે અને તેના અનુભવ સાથે ખુદને જોડી શકતી હતી.
ભારતમાં સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને ટીવી-સિરિયલ બનતી પણ નહોતી ત્યારે બાસુદાની ‘રજની’ (૧૯૮૫) દૂરદર્શનના માધ્યમથી ઘર-ઘરની હિરોઇન બની ગઈ હતી. તેની હિરોઇન પ્રિયા તેન્ડુલકર ખુદ એક લડાયક સ્ત્રી હતી અને તેણે ‘રજની’માં ૮૦ના દાયકાના કામચોર સરકારી કર્મચારીઓ સામે શિંગડાં ભરાવતી મધ્યમવર્ગીય સ્ત્રીની ભૂમિકા કરી હતી. ભારતના મધ્યમવર્ગમાં તેનું પાત્ર એટલું લોકપ્રિય થયું હતું કે શિવસેના સહિત અનેક રાજકીય પક્ષોએ પ્રિયાને પાર્ટી-પૉલિટિક્સમાં જોડાવાની ઑફર કરી હતી.
અમોલ પાલેકરને સ્ટાર બનાવનાર બાસુ ચૅટરજી. તેમની આઠ ફિલ્મોમાં પાલેકરે કામ કર્યું હતું. બાસુદાની મધ્યમવર્ગીય માનસિકતામાં અમોલ પાલેકર એકદમ ફિટ થતો હતો. સાધારણ પેન્ટ-શર્ટમાં સિટી બસમાં ફરતા બાસુના હીરોને કોઈ યાદ કરે તો અમોલ પાલેકર જ યાદ આવે. અમોલ કહે છે, ‘એક વ્યક્તિ તરીકે પણ બાસુદા તેમની ફિલ્મો અને પટકથાઓ જેવા જ હતા - એકદમ સાદા, શરમાળ અને અગાસીએ ચડીને બૂમો ના પાડે તેવા. મને યાદ પણ નથી કે તેઓ કોઈના પર ગુસ્સે થયા હોય કે જોરથી બોલ્યા હોય અને છતાં કલાકારો પાસેથી ધાર્યું કામ કઢાવતા હતા. વ્યાવસાયિક બાંધછોડ કર્યા વગર તેમણે સુંદર ફિલ્મો બનાવી હતી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને મીડિયાએ આ બાબતની નોંધ નથી લીધી એ દુખદ છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2020 09:54 PM IST | Mumbai Desk | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK