રૅગિંગ કરતા સિનિયર કૉલેજિયનોને લપડાક

Published: 9th August, 2012 04:58 IST

૧૧ જુનિયરોને સતાવવા બદલ બાંદરાની કૉલેજે પાંચ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા : મામલો પોલીસમાં

 

raggingબાંદરાની એલ. એસ. રાહેજા કૉલેજ ઑફ આટ્ર્સના મૅનેજમેન્ટે ૨૬ જુલાઈએ કૉલેજના કૅમ્પસની બહાર ટ્રેનમાં જુનિયરોના ગ્રુપનું રૅગિંગ કરવા બદલ પોતાની કૉલેજમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓને જ્યાં સુધી આ મામલાની પોલીસ-ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પાંચેય વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઇન અપ્લાઇડ આર્ટ્સમાં અભ્યાસ કરે છે.


આ ઘટનાક્રમની વિગતો જોઈએ તો ૨૬ જુલાઈએ પાંચ છોકરીઓ સહિત ૧૧ જુનિયરોના ગ્રુપે બાંદરાથી ચર્ચગેટ જતી સાંજની ૭.૨૨ વાગ્યાની ટ્રેન પકડી હતી. આ સમયે આ પાંચ સિનિયરો પણ તેમના ડબ્બામાં ચડી ગયા હતા અને છોકરીઓ પાસે પૈસાની માગણી કરી હતી. છોકરીઓએ જ્યારે પૈસા આપવાની ના પાડી દીધી ત્યારે તેમણે તેમની સાથે રહેલા છોકરાઓને પરેશાન કરવાની શરૂઆત કરી દીધી. તેમણે બીજા પ્રવાસીઓ સામે છોકરીઓનું અપમાન પણ કર્યું હતું. આ ઘટના બાદ ૨૭ જુલાઈએ આ ૧૧ જુનિયર વિદ્યાર્થીઓએ કૉલેજની ઑથોરિટીને આ વાતની ફરિયાદ કરી હતી અને પછી ફરિયાદ નોંધાવવા માટે બાંદરાની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)નો સંપર્ક કર્યો હતો. ૩૦ જુલાઈએ જીઆરપી અધિકારીએ કૉલેજની ઑથોરિટીને આ ઘટનાની તપાસ કરીને રર્પિોટ જમા કરવાનું જણાવ્યું હતું. જીઆરપીની સૂચના પછી કૉલેજ-ઑથોરિટીએ બધા વિદ્યાર્થીઓને પૂછીને તપાસ કરતાં પાંચ સિનિયરો ગુનેગાર સાબિત થયા હતા એટલે એણે આ મતલબનો રર્પિોટ પોલીસને સોંપી દીધો હતો. આ સિવાય કૉલેજ-ઑથોરિટીએ આ પાંચ વિદ્યાર્થીઓ અજય રાજુ, મિલિંદ કદમ, પ્રમોદ શિંડગે, સંકેત કબ્દુગ્લે તેમ જ સિદ્ધેશ ગોટાડને પોલીસ-કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ આ મામલામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રુદ્રેશ મસરામની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.


લગભગ ત્રણ વર્ષ પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા દેશની તમામ સ્કૂલો અને કૉલેજને સક્યુર્લર મોકલવામાં આવ્યો હતો જેમાં રૅગિંગના દૂષણને બિલકુલ સહન ન કરવાની સૂચના આપવામાં આવી હતી. એ સમયે જ રૅગિંગની ફરિયાદ નોંધાવવાની હેલ્પલાઇન પણ બધી શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવી હતી. આ સંજોગોમાં રાજ્ય દ્વારા પણ રૅગિંગ પર અંકુશ મૂકવા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.


આમ કૉલેજના કૅમ્પસમાં રૅગિંગ અટકાવવા માટે કડક નિયમો બની ગયા છે ત્યારે કૉલેજના કૅમ્પસની બહાર રૅગિંગની ઘટનાઓએ શૈક્ષણિક સંસ્થાઓની ચિંતામાં વધારો કર્યો છે. કૉલેજ-ઑથોરિટી આ મામલે કડક વલણ અપનાવી રહી છે ત્યારે કોઈ પણ ભોગે રૅગિંગ કરવા માગતા વિદ્યાર્થીઓએ આ માટેના બીજા રસ્તાઓ અપનાવી લીધા છે જેને કારણે કૉલેજ-પ્રશાસન મુશ્કેલી અનુભવી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK