આજે બૉલબેરિંગ અસોસિએશનના પ્રમુખપદના ઇલેક્શન માટે રસાકસી

Published: 8th December, 2011 08:03 IST

દેશભરના બૉલબેરિંગના વેપારીઓના સંગઠન ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનની મોહમ્મદ અલી રોડ પર આવેલી અસોસિએશનની ઑફિસમાં આજે પ્રેસિડન્ટપદ માટે ચૂંટણી થવાની છે. છેલ્લી ઘણી ટર્મથી આ ચૂંટણીમાં પ્રમુખ બિનવિરોધ ચૂંટાઈ આવતા હતા, પણ આ વર્ષે‍ બે હરીફો વચ્ચે આ માટે સ્પર્ધા જોવા મળશે અને ડેમોક્રેટિક પ્રોસેસ દ્વારા પ્રમુખ ચૂંટવામાં આવશે.દેશભરમાં ચાર ઝોનમાં વહેંચાયલા ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના કુલ ૧૭૦૦ સભ્યોમાંથી ૯૬૦ સભ્યો વેસ્ટ ઝોનના છે, જેમાં ૭૦૦ સભ્યો માત્ર મુંબઈ અને ઉપનગરોના છે. દર બે વર્ષે‍ યોજાતી પ્રમુખની ચૂંટણીમાં ઉપરાઉપરી બે ટર્મ વેસ્ટ ઝોનના પ્રમુખ ચૂંટાયા છે, પછી એક ટર્મ માટે બાકીના ત્રણમાંથી એક ઝોનનો નંબર લાગે છે અને ત્યાર બાદ ફરી બે ટર્મ વેસ્ટ ઝોન માટે હોય છે. અત્યારે કલકત્તાના ઇકબાલ પટેલ પ્રમુખ છે, જે ઈસ્ટ ઝોનના છે; જ્યારે આજે વેસ્ટ ઝોનમાંથી પ્રમુખ ચૂંટવાના છે. એમાં બહુ લાંબા સમય બાદ સ્પર્ધા થવાની છે. સ્પર્ધા આ વ્યવસાયના જૂના જોગીઓ તુષાર શાહ અને પ્રવીણ વોરા વચ્ચે થઈ રહી છે. જોકે બન્ને સ્પર્ધકોનું કહેવું છે કે અમે પર્સનલી એકબીજાના વિરોધી નથી અને અત્યારે પણ સાથે મળીને કામ કરીએ છીએ.

રિઝલ્ટ આજે જ રાત્રે

આજે બપોરે ૧૨.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી ચાલનારી આ ચૂંટણીમાં દેશભરના સભ્યો પ્રમુખ ચૂંટવાના હોવાથી બહારગામથી પણ સભ્યો તેમના મત મોકલી રહ્યા છે, જે અસોસિએશનની ઑફિસમાં રાખેલા બૅલટ-બૉક્સમાં નાખવામાં આવી રહ્યા છે અને સાંજે ૫.૩૦ વાગ્યા સુધી નખાતા રહેશે. ત્યાર બાદ એનું કાઉન્ટિંગ કરવામાં આવશે અને રાત્રે ૧૧ વાગ્યા સુધીમાં એનું રિઝલ્ટ આવી જવાની શક્યતા છે.

કમિટી-મેમ્બર્સ બિનહરીફ

પ્રમુખ ચૂંટાયા બાદ ૭ મેમ્બરોની કમિટીની રચના કરવામાં આવશે. જોકે આ સાત કમિટી-મેમ્બરોની પણ ચૂંટણી થવાની હતી. પહેલાં એ માટે ૧૧ ઉમેદવારોએ નામ નોંધાવ્યાં હતાં, પણ એમાંથી ચાર જણ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવતાં સાત જણ બિનહરીફ ચૂંટાયા છે.

ગ્રુપીઝમથી પ્રગતિ અટકે છે : તુષાર શાહ

કચ્છ ગુર્જર જૈન જ્ઞાતિના અને બૉલબેરિંગના ટ્રેડિંગમાં ૩૧ વર્ષથી રિલાયન્સ ટ્રેડ સેન્ટરના નામે બિઝનેસ કરતા ૫૩ વર્ષના તુષાર શાહ અત્યારે અસોસસિએશનના ટ્રેઝરર છે. પ્રમુખની ચૂંટણીમાં ઝુકાવવા બાબતે તેમણે કહ્યું હતું કે ‘૧૯૯૮થી હું અસોસિએશનની કમિટી સાથે સંકળાયેલો છું અને કાર્યરત છું. ૨૦૦૨માં હુ રીજનલ સેક્રેટરી બન્યો હતો અને ત્યાર બાદ ૨૦૦૪થી અત્યાર સુધી હું ઑલ ઇન્ડિયા લેવલ પર ટ્રેઝરરની જવાબદારી સંભાળી રહ્યો છું. મેં ગ્રાસરૂટ લેવલે કામ કરેલું છે. અમારું અસોસિએશન દેશભરને રિપ્રેઝન્ટ કરતું હોવાથી

અલગ-અલગ રાજ્યોની અલગ-અલગ સમસ્યાઓ હોય છે. મહારાષ્ટ્રના બૉલબેરિંગના વેપારીઓને સૌથી મોટી સમસ્યા ઑક્ટ્રૉયની છે. મુંબઈમાં ઑક્ટ્રૉય ૫.૨૫ ટકા છે; જ્યારે ગુજરાતમાં ઑક્ટ્રોય નથી પણ લેવી છે જે ૧.૨૫ ટકો છે. આમ દરેક વિસ્તારની સમ્ાસ્યાઓ અલગ-અલગ હોય છે. મારે બધાને સાથે લઈને કામ કરવું છે. ગ્રુપીઝમમાં હું માનતો નથી. જો ગ્રુપીઝમ રાખીએ તો પ્રગતિ ન થઈ શકે. ઇન્ટરનેટના યુગમાં વલ્ર્ડ બહુ નાનું થઈ ગયું છે ત્યારે હવે અમારે અસોસસિએશનની વેબાસાઇટ બનાવડાવવી છે અને SMS દ્વારા પણ અમારા દેશભરના બૉલબેરિંગના વેપારીઓ સંપર્કમાં રહી શકે એવી વ્યવસ્થા કરવી છે. યુથ ફોરમ બનાવવાનો પણ પ્લાન છે. વેપારીઓએ મારું કામ જોયું છે એટલે મેં પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવ્યું છે.’

ઇલેક્શન દ્વારા સિલેક્શન : પ્રવીણ વોરા

પ્રમુખની ચૂંટણીના બીજા પ્રતિસ્પર્ધી ૬૮ વર્ષના પ્રવીણ વોરા ઘોઘારી જૈન છે અને ૪૦ વર્ષથી વોરા એન્જિનિયરિંગ કૉર્પોરેશનના નામ હેઠળ બૉલબેરિંગનો વ્યવસાય કરે છે. તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં ૨૫ વર્ષથી હું અસોસિએશન માટે કામ કરી રહ્યો છું. બે વાર રીજનલ સેક્રેટરી, બે વાર ટ્રેઝરર અને એક વાર જનરલ સેક્રેટરી રહી ચૂક્યો છું. પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવવાનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે ટ્રેડ માટે વધુ સારી સુિવધાઓ ઊભી થઈ શકે અને વેપારીઓની સમસ્યાઓનો નિકાલ લાવી શકીએ. એમઆરપી (મૅક્સિમમ રીટેલ પ્રાઇસ)ના મુદ્દે અમારે સરકાર સાથે લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. સરકાર કહે છે કે એમઆરપી પ્રોડક્ટ પર હોવી જરૂરી છે, જ્યારે મોટા ભાગે વેપારીઓ બૉલબેરિંગ ઇમ્પોર્ટ કરતા હોય છે અને એની કિંમત ઇમ્પોર્ટ-કૉસ્ટના આધારે નક્કી થતી હોય છે જે દર વખતે અલગ-અલગ હોઈ શકે. આથી દર વખતે ડૉકમાં જઈને દરેક પૅકેટ પર એમઆરપીનું લેબલ લગાવવું અમારા માટે શક્ય નથી હોતું એટલે અમે એ માટે એક્ઝમ્પ્શન માગ્યું છે. બીજું, અમારી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ છે એટલે એના પર એમઆરપીનું લેબલ ન લગાવવા અમે સરકારને કહ્યું છે. આ ઑન-ગોઇંગ પ્રોસેસ છે અને અમે એ મુદ્દે લડી પણ રહ્યા છીએ. આ અને આવી વેપારીઓની અન્ય સમસ્યાઓનો નિકાલ લાવવાનો હું પ્રયત્ન કરીશ. વેસ્ટ ઝોનમાં ઘણી વાર પ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, પણ હવે મને લાગે છે કે આ પોસ્ટ પર ઇલેક્શન દ્વારા સિલેક્શનથી જો કોઈ ચૂંટાઈ આવે તો એ વધુ યોગ્ય લેખાશે એટલે મેં ચૂંટણીમાં ઝુકાવ્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK