
શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર બાદ સાઉથ મુંબઈના ચીરાબજારના શિવસેનાના મધ્યવર્તી કાર્યાલયમાં મંગળવારે સાંજે ૫ વાગ્યે તેમનાં અસ્થિ સાઉથ મુંબઈના લોકોનાં દર્શન માટે લાવવામાં આવ્યાં હતાં. આ અસ્થિ ગઈ કાલે અને આજે એમ બે દિવસ માટે સવારે ૧૦થી સાંજના ૧૦ વાગ્યે સુધી દર્શન માટે ખુલ્લા કળશમાં રાખવામાં આવ્યાં છે. શિવસેનાનાં મહિલા વિભાગ-પ્રમુખ જયશ્રી બલ્લીકર અને વિભાગ-પ્રમુખ પાંડુરંગ સકપાળ દ્વારા આ અસ્થિ લાવવામાં આવ્યાં હતાં. શુક્રવારે બાળ ઠાકરેનાં આ અસ્થિનું ભારતની વિવિધ નદીઓમાં વિસર્જન કરવામાં આવશે.
આ પહેલાં ગયા શનિવારે બપોરે ૩.૩૩ વાગ્યે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના અવસાન થયાની જાણ થતાંની સાથે જ સમગ્ર વિસ્તાર તેમ જ બધી દુકાનો બંધ થઈ ગઈ હતી. આ દુકાનો રવિવારે સ્વયંભૂ બંધ રહી હતી.
તસવીર : સત્યજિત દેસાઈ