માથાભારે બાબા રામપાલની આખરે ધરપકડ

Published: Nov 20, 2014, 03:28 IST

કન્ટ્રોવર્શિયલ ગૉડમૅન રામપાલની ધરપકડને પગલે હિંસાની આશંકા: પૅરામિલિટરી ફોર્સ આશ્રમમાં પહોંચી, સતલોક આશ્રમની કિલ્લેબંધી ધ્વસ્ત : ૪૨૫ ચેલકાઓની ધરપકડ, છ લાશ મળી : રામપાલ સામે દેશદ્રોહ સહિતના અનેક ગંભીર ગુનાઓ, આશ્રમમાંથી પોલીસે ભોંયરાં શોધી કાઢ્યાં
બરવાલાના સતલોક આશ્રમમાંથી કન્ટ્રોવર્શિયલ ગૉડમૅન રામપાલની પોલીસે બુધવારે રાતે ધરપકડ કરી હતી. આજે સવારે રામપાલને હિસારની અદાલતમાં રજૂ કરવામાં આવશે અને આવતી કાલે પંજાબ અને હરિયાણા હાઈ ર્કોટમાં તેમને રજૂ કરવામાં આવશે.

રામપાલની ધરપકડ કરતા પહેલાં પોલીસે આશ્રમના દરવાજા પરથી મીડિયાના પ્રતિનિધિઓને દૂર હટાવ્યા હતા. એ પછી ત્રણ ઍમ્બ્યુલન્સ લાવવામાં આવી હતી. એમાંથી એક ઍમ્બ્યુલન્સમાં રામપાલને બેસાડીને પોલીસ લઈ ગઈ હતી. પોલીસે કહ્યું હતું કે રામપાલે આત્મસમર્પણ કર્યું નથી. અમે તેમની ધરપકડ કરી છે.

હિંસાની શક્યતા

રામપાલની ધરપકડ કરવાથી કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે એવું જણાવીને ઇન્ટેલિજન્સ બ્યુરોએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે હિંસા પણ ભડકી શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અર્ધલશ્કરી દળોના ૫૦૦ જવાનોને બરવાલા મોકલવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે સાંજે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સાથે વાત કરી હતી. હરિયાણા સરકારના આગ્રહને પગલે અર્ધ લશ્કરી દળના ૫૦૦ જવાનોને મોકલવામાં આવ્યા છે. આ જવાનો સ્થાનિક પોલીસને મદદ કરશે. બરવાળા આશ્રમની નજીકના વિસ્તારોમાં સલામતી જવાનોને એકઠા કરવામાં આવી રહ્યા છે.

ગુપ્તચર અહેવાલ

ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું કે રામપાલના આશ્રમમાં પરિસ્થિતિ હજી પણ નાજુક છે. આ સંજોગોમાં આશ્રમ ખાલી કરાવવામાં આવશે તો હિંસા ભડકી શકે છે. એટલે પોલીસે બહુ જ સાવચેતી સાથે કામ લેવું પડશે. આશ્રમમાં હજી પણ ૧૨,૦૦૦ લોકો હોવાનું ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું.

૧૫,૦૦૦થી વધુની મુક્તિ

પોલીસે સતલોક આશ્રમના પ્રવક્તા રાજ કપૂર અને રામપાલના ભાઈ પુરુષોત્તમ દાસ સહિત કુલ ૪૨૫ લોકોની ધરપકડ કરી હતી. ૧૫,૦૦૦થી વધુ લોકોને ગઈ કાલે આશ્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આશ્રમમાંથી બહાર કાઢવામાં આવેલા લોકો પૈકીના મોટા ભાગના પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના હતા. તે બધાને તેમના ગામ મોકલી આપવામાં આવ્યા હતા.

છ ડેડ-બૉડી મળી

આશ્રમમાંથી ચાર મહિલાઓ સહિત કુલ છ ડેડ-બૉડી મળી આવી હતી. હરિયાણાના પોલીસ ચીફ એન. એન. વશિષ્ઠે જણાવ્યું હતું કે ચાર મૃત મહિલાઓમાં દિલ્હીની સવિતા, રોહતકની સંતોષ, પંજાબના સંગરુરની મલકીત કૌર અને બિજનૌરની રાજબાલાનો સમાવેશ છે. મંગળવારની પોલીસ-કાર્યવાહીમાં ઘવાયેલી એક મહિલા અને તેના પાંચ વર્ષના બાળકનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

મૃત્યુ પામેલી મહિલાઓ પૈકીની એકેયના શરીર પર ઘાનાં નિશાન ન હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું, પણ સબલોક આશ્રમે દાવો કર્યો હતો કે પોલીસ-કાર્યવાહીને કારણે જ ચારેય મહિલાઓનું મોત થયું હતું.

રામપાલ સામે ગંભીર ગુના

સત્તાવાળાઓએ રામપાલ પર રાજદ્રોહ અને બીજા ગંભીર આરોપસર ગુના નોંધ્યા હતા. પોલીસે બાબા રામપાલ સામે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો, યુદ્ધ માટે લોકોને ઉશ્કેરવાનો, યુદ્ધ છેડવાના હેતુસર શસ્ત્રો એકઠાં કરવાનો, હત્યાના પ્રયાસ, મારામારી અને શસ્ત્ર અધિનિયમ ધારાની વિવિધ કલમો અનુસારના અનેક કેસ નોંધ્યા છે.

ચારે તરફ તબાહી

મંગળવારે પોલીસે હાથ ધરેલી કાર્યવાહી પછી ગઈ કાલે સવારે સતલોક આશ્રમનો નજારો વાવોઝોડું પસાર થઈ ગયા પછીના વિનાશના નજારા જેવો હતો. પોલીસ આશ્રમની દીવાલ તોડીને અંદર ઘૂસી હતી અને તમામ કામચલાઉ બાંધકામ તોડી પાડ્યું હતું. આશ્રમમાં બાન પકડવામાં આવેલા બાબાના એક પછી એક ચેલકાઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

આશ્રમમાં અનેક ભોંયરાં

સતલોક આશ્રમમાં અનેક ભોંયરાં બનાવવામાં આવ્યાં હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું હતું. એ પૈકીનાં કેટલાંક ભોંયરાંમાં તો પોલીસ-કર્મચારીઓ આંટો પણ મારી આવ્યા હતા. આશ્રમમાં રામપાલ જે પાંચ માળના મકાનમાં રહે છે એમાંથી મહિલાઓ અને બાળકોની ચીસો સાંભળવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK