Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામલીલા મેદાન પર બાબાનો સ્ટાર પાવર

રામલીલા મેદાન પર બાબાનો સ્ટાર પાવર

10 August, 2012 06:30 AM IST |

રામલીલા મેદાન પર બાબાનો સ્ટાર પાવર

રામલીલા મેદાન પર બાબાનો સ્ટાર પાવર


 



 


 

યોગગુરુ બાબા રામદેવે ગઈ કાલે દિલ્હીના રામલીલા મેદાન પર ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરી દીધા છે. વિદેશમાંથી બ્લૅક મની પાછું લાવવા તથા મજબૂત લોકપાલ માટેના બાબાના ઉપવાસના પહેલા જ દિવસે ૨૦,૦૦૦થી વધુ લોકો ઊમટ્યા હતા. દૂર-દૂરથી લોકો બસમાં સફર કરીને હાથમાં તિરંગો લઈ રામલીલા મેદાન પર પહોંચ્યા હતા. બાબા પોતે તો ઉપવાસ કરી રહ્યા છે, પણ ટેકેદારો માટે ભોજનની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. આવનારા લોકોને વિનામૂલ્ય આલુ-પૂરી પીરસવામાં આવ્યાં હતાં. રામલીલા મેદાન પર ઠેર-ઠેર બાબાનાં મસમોટાં પોસ્ટરો જોવા મળ્યાં હતાં.


 

શું ઇચ્છે છે બાબા રામદેવ?

 

ગયા વર્ષે પણ રામદેવે આ જ મેદાન પર ઉપવાસ શરૂ કરીને બ્લૅક મની પાછું લાવવા માટેનું આંદોલન શરૂ કર્યું હતું. બાબાનો હેતુ બ્લૅક મની પાછું લાવવા માટે સરકાર પર દબાણ લાવવાનો છે. આ સાથે તેઓ મજબૂત લોકપાલ બિલની પણ માગણી કરી રહ્યા છે. ગઈ કાલે ૨૦ ફૂટ ઊંચા મંચ પરથી લોકોને સંબોધતાં બાબાએ કહ્યું હતું કે સરકારી લોકપાલ બિલ સરકારી સીબીઆઇ જેવું જ હશે. અણ્ણા હઝારેની ટીમની જેમ સીધો વ્યક્તિગત આક્ષેપ કરવાને બદલે રામદેવે કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું.  

 

બાબાને બીજેપીનું પીઠબળ

 

બાબા રામદેવ પોતે કોઈ પણ રાજકીય એજન્ડા હોવાનો ઇનકાર કરે છે, પણ તેમને બીજેપીનું મજબૂત પીઠબળ છે. થોડા સમય પહેલાં જ બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ જાહેરમાં બાબાનાં ચરણસ્પર્શ કર્યા હતાં. બીજેપીના સંસદસભ્ય શાહનવાઝ હુસેને કહ્યું હતું કે રામદેવ દેશના હિતમાં ધરણાં કરી રહ્યા છે એટલે સમગ્ર દેશે તેમને ટેકો આપવો જોઈએ. ગઈ કાલે બાબાએ કહ્યું હતું કે ત્રણ દિવસના ઉપવાસ બાદ હું ભાવિ વ્યૂહરચના જાહેર કરીશ.

 

પોસ્ટરે સરજ્યો વિવાદ

 

યોગગુરુના ઉપવાસના સ્થળે દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં મહાત્મા ગાંધી તથા અન્ય સ્વાતંhયસેનાનીઓની સાથે રામદેવના ખાસ સાથીદાર બાલક્રિષ્નની તસવીર પણ મૂકવામાં આવી હતી. આ પોસ્ટરને કારણે વિવાદ સર્જાયો હતો. બાદમાં રામદેવે આ પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરી તેને દૂર કરવા કહ્યું હતું એટલું જ નહીં, તેમણે કાર્યકરોને આ પ્રકારનાં પોસ્ટરો નહીં લગાવવાની અપીલ કરી હતી. બાલક્રિષ્ન અત્યારે નકલી દસ્તાવેજોના કેસમાં સીબીઆઇની કસ્ટડીમાં છે.

 

સરકારને બાબાની લાસ્ટ વૉર્નિંગ

 

બાબા રામદેવે ગઈ કાલે સાંજે મજબૂત લોકપાલ બિલ તથા વિદેશી બૅન્કોમાં જમા બ્લૅક મની પરત લાવવા માટે સરકારને છેલ્લી ચેતવણી આપી હતી. તેમણે ત્રણ દિવસમાં આ વિશે નક્કર નર્ણિય લેવા સરકારને કહ્યું હતું. રામદેવે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી સરકારે કહેવું પડશે કે તે શું પગલાં ભરશે, એ પછી લડતની આગામી વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

 

પહેલા જ દિવસે ૫૦થી વધારે મોબાઇલ ચોરાયા

 

બાબા રામદેવના ઉપવાસના સ્થળે ઉઠાવગીરોને જલસા પડી ગયા હતા. ગઈ કાલે ઉપવાસના પહેલા જ દિવસે ૫૦થી વધારે મોબાઇલ ફોન ચોરાઈ ગયા હતા. સ્વયંસેવકોએ ગઈ કાલે ત્રણથી ચાર ચોરને ઝડપી પણ પાડ્યા હતા. જોકે બાબા રામદેવના કહેવાથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. યોગગુરુએ આ ચોરોને છોડી મૂકવાનું જણાવતાં કાર્યકરોને મોટા ચોર પકડવા જણાવ્યું હતું.

 

રામલીલા તો થતી રહે છે : કૉન્ગ્રેસનો બાબા પર કટાક્ષ

 

બાબા રામદેવે ગઈ કાલથી શરૂ કરેલા ઉપવાસ બાબતે પ્રતિક્રિયા આપતાં કૉન્ગ્રેસના નેતા અને કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે ‘દેશમાં દર વરસે રામલીલા થતી રહે છે. લોકશાહીમાં દરેક લોકો ભિન્ન મત ધરાવે છે, જે તેઓ અવારનવાર રજૂ કરતા રહે છે. બ્લૅક મની પરત લાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. બ્લૅક મની ક્યાંથી પેદા થાય છે અને કેવી રીતે એના પર નિયંત્રણ મૂકી શકાય એ બન્ને પાસાંઓ પર સરકાર કામ કરી રહી છે.’  

 

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2012 06:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK