સેહત સુધારવા અડદ ખાતા હો તો દાળ બનાવો, વડાં કે પાક નહીં

Published: 9th December, 2012 09:02 IST

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શરીરને બળ આપતી પૌષ્ટિક ચીજો ખાવાનો સમય આવી ગયો છે. જે ચીજો સામાન્ય રીતે અન્ય સીઝનમાં વજ્ર્ય ગણાય છે એ જ ચીજો ઠંડી ઋતુમાં પ્રબળ પાચકાગ્નિ હોવાથી ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક બને છે.(આયુર્વેદનું A to Z - ડૉ. રવિ કોઠારી)

અડદ આમાંની એક ચીજ છે. લસણથી વઘારેલી અડદની દાળ અને બાજરીનો રોટલો શિયાળાનું સૌથી પૌષ્ટિક ખાણું છે. અલબત્ત, આવું મજેદાર લંચ પચાવી શકવા માટે દિવસભર થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી હોવી જરૂરી છે. કંઈ નહીં તો અડધો-પોણો કલાકનું વૉક તો ખરું જ.

અડદ પચવામાં ભારે છે, પણ જો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તો પચ્યા પછી એ બળવર્ધક છે. શિયાળામાં તબિયત બનાવવાનો ટાર્ગેટ રાખનારાઓ જો સમજી-વિચારીને અડદનું સેવન કરે તો મજાની તંદુરસ્તી મેળવી શકાય. જોકે સમજી-વિચારીને ઉપયોગ કરવાનું ખૂબ જ અગત્યનું છે.

સૌથી પહેલાં તો આપણે છડેલી અડદની જે દાળ વાપરીએ છીએ એને બદલે કાળાં છોડાંવાળી અડદની દાળ વાપરવાનું શરૂ કરવું. અડદની છોડાં વિનાની સફેદ દાળ વાયુ કરે છે અને પેટમાં આફરો થઈ શકે છે, પણ કાળાં છોડાંવાળી અડદની દાળથી ઓછો વાયુ થાય છે. જોકે એ કફવર્ધક, બળવર્ધક અને રુચિકર હોય છે. પાચનશક્તિ પ્રબળ હોય એવા લોકો છોડાંવાળી દાળ ખાઈને શરીરમાં લોહી અને માંસ વધારે છે. કાળી અડદ દાળ હૃદય માટે ગુણકારી અને પુરુષાતન વધારનારી એટલે કે ર્વીયવર્ધક છે.

હવે આવે છે અડદની દાળ ખાવાની રીત. આપણે ત્યાં અડદની દાળનાં વડાં એટલે કે મેંદુવડાં, દાળ, અને અડદિયા પાક એ ત્રણ મુખ્ય વાનગીઓ છે. જો પાચનશક્તિ અત્યંત સતેજ ન હોય તો વડાં કે પાક ખાવા કરતાં દાળ ખાવી બહેતર રહેશે. વડાં તળેલાં હોવાથી પચવામાં ઑર ભારે પડે છે અને કૅલરીવાઇઝ પણ ધ્યાન રાખવું પડે. અડદિયા પાકમાં સાકર હોવાથી એ કફવર્ધક હોય છે, જ્યારે દાળમાં જરૂરી તેજાનાઓ નાખીને એને સુપાચ્ય બનાવી શકાય છે.

પૌષ્ટિક રીતે અડદની દાળ બનાવવા માટે દાળને એમ જ ચડવા મૂકી દેવા કરતાં પહેલાં બેથી ચાર કલાક પલાળી રાખવી. પલાળેલું પાણી કાઢીને બીજું પાણી ઉમેરીને બાફવા મૂકવી. બરાબર બફાઈને ચડી જાય એ પછી એનો વઘાર સૌથી મહત્વની ક્રિયા છે. ગાયના ઘીમાં આગળ પડતી હિંગ અને ભરપૂર લસણ સાંતળીને દાળનો વઘાર કરવો. હિંગ અને લસણ વિનાની દાળ પચાવવામાં ભારે પડે છે અને વાયુકર બને છે. ઠંડીની સીઝનમાં અઠવાડિયામાં એક વાર આવી દાળ ખાઈ શકાય. 

આયુર્વેદમાં અડદની પૌષ્ટિક ખીર વિશે પણ વિશેષ જણાવવામાં આવ્યું છે. જે લોકો શરીરે કૃશ હોય પણ શિયાળામાં પૈસાના અભાવે સૂકો મેવો, ચોખ્ખું ઘી કે વિવિધ પાકો ન ખાઈ શકતા હોય તેમના માટે આ અદ્ભુત આૈષધ છે. વીસથી પચીસ ગ્રામ છાલવાળી અડદની દાળ સાંજે પાણીમાં પલાળી દેવી. બીજા દિવસે સવારે છાલ કાઢીને દાળને લસોટી લેવી. લસોટીને બરાબર પેસ્ટ જેવું બની જાય એટલે એને એકાદ ચમચી ઘી ઉમેરીને શેકવી. બરાબર લાલાશ પડતી ઝાંય આવે એટલે એમાં ૨૦૦ ગ્રામ દૂધ અને સ્વાદ મુજબ ખડી સાકર ઉમેરીને ખીર જેવું બનાવવું. અઠવાડિયામાં એકથી બે વાર આ પ્રકારે ખીર ખાવાથી સેહત સુધરી જશે અને બળ અને ર્વીય બન્નેમાં વધારો જોવા મળશે.

યુવતીઓ આ ખીરનું સેવન કરે તો એ વર્ણ સુધારે છે એટલે કે રૂપ નિખારે છે. બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી સ્ત્રીઓ આ ખીર નિયમિત લે તો ધાવણમાં વૃદ્ધિ થાય છે.

અન્ય પ્રયોગો


૫૦ ગ્રામ છાલવાળી અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે છાલ કાઢીને સ્વચ્છ પાણી વડે ધોઈ નાખો. એમાં સમાન માત્રામાં શુદ્ધ ઘી મેળવીને હળવા તાપે લાલ થાય ત્યાં સુધી સાંતળો. એમાં એટલી જ સાકર મેળવીને એક અઠવાડિયા સુધી સેવન કરવાથી જૂનામાં જૂનો મૂત્રરોગ સારો થઈ જાય છે.

નિતંબથી છેક પગની પાની સુધી જતી સાયેટિકા વાતનાડીનો દુખાવો રહેતો હોય ત્યારે અડદની વિવિધ વાનગીઓ બનાવીને અઠવાડિયામાં બે વાર ખાવાથી ફાયદો થાય છે.

અડદ, હળદર અને શણનો ધુમાડો પીવાથી અવિરત ચાલતી હેડકી અટકે છે.

કોણે ન ખાવી?


આંખના રોગો, પાચનને લગતા રોગો અને લોહીનો વિકાર ધરાવતા લોકોએ અડદની દાળ ન ખાવી જોઈએ. દમ, હૃદયરોગ, કબજિયાત અને ઉધરસની તકલીફ હોય તો પણ અડદની દાળનું સેવન ઓછું કરવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK