અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરષોત્તમ શ્રીરામના નામ પર હશે

Published: Sep 09, 2020, 14:13 IST | Gujarati Mid-day Online Correspondent | Ayodhya

યોગી સરકારે એરપોર્ટ માટે ડિસેમ્બર 2021ની ડેડલાઈન નક્કી કરી છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અયોધ્યા એરપોર્ટનું નામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ પરથી કરવામાં આવશે. આ સાથે જ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ધોરણનું બનાવવામાં આવશે. યોગી સરકારે નામ બદલવા અને એરપોર્ટના વિસ્તારને વધારવાની કરવાની કવાયત શરૂ કરી છે. એરપોર્ટનું નિર્માણ ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવાની યોજના બનાવી છે.

રામ મંદિરના નિર્માણ પછી અયોધ્યામાં  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓની અને પર્યટકોની સંખ્યામાં મોટો વધારો થશે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એરપોર્ટને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. યોગી સરકારે એરપોર્ટ નિર્માણ માટે 525 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે અને 300 કરોડની રકમ અગાઉ ખર્ચ થઈ ચૂકી છે. પ્રોજેક્ટ માટે વધુ જમીન સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમ સુત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, એપ્રિલ 2017 સુધીમાં અયોધ્યા એરપોર્ટને બે તબક્કામાં વિકસિત કરવાની યોજના હતી. આ માટેના ટેક્નો-આર્થિક સર્વેમાં પ્રથમ તબક્કો એટીઆર-72 વિમાન માટે વિકસિત થવાનો હતો. રનવેની લંબાઈ 1680 મીટર રાખવાની હતી. બીજો તબક્કો એ -321, 200 સીટર વિમાન ચલાવવા માટે એરપોર્ટનો વિકાસ કરવાનો હતો. રનવેની લંબાઈ 2300 મીટર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. બાદમાં સીએમ યોગી આદિત્યનાથે આ એરપોર્ટને બોઇંગ-777 વિમાન માટે યોગ્ય બનાવવાની અને તેનું નામ બદલવાની જાહેરાત કરી. આ પછી, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ગયા વર્ષે 5 મેના રોજ સર્વેક્ષણ કર્યા પછી સુધારેલો અહેવાલ રજૂ કર્યો હતો.

સુધારેલા અહેવાલ મુજબ, પ્રથમ તબક્કામાં એ -321 વિમાનના સંચાલન માટે 463.10 એકરની જરૂર પડશે. રનવેની લંબાઈ 3,125 મીટર અને પહોળાઈ 45 મીટર હશે. બીજા તબક્કામાં બોઇંગ-777 જેવા મોટા વિમાનના સંચાલન માટે વધારાના 122.87 એકરની જરૂર પડશે. રનવેની લંબાઈ 3,750 મીટર અને પહોળાઈ 45 મીટર હશે. એરપોર્ટના સંચાલન અને સુરક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓના રહેણાંક વિસ્તાર માટે આશરે 15 એકર જમીન જરૂરી હતી. આ રીતે, એરપોર્ટને કુલ 600 એકરની જરૂર પડશે.

અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા અયોધ્યા એરપોર્ટને હાલ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળ્યો નથી. પણ રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે તૈયારી કરાવી રહી છે. જેના કારણે, કુશીનગર એરપોર્ટની જેમ એરપોર્ટ શરૂ થાય તે પહેલાં જ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળી શકે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK