Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવે ટ્રેક પર સૂતેલા 17 પ્રવાસી શ્રમિકોને માલગાડીએ કચડી નાખ્યાં

રેલવે ટ્રેક પર સૂતેલા 17 પ્રવાસી શ્રમિકોને માલગાડીએ કચડી નાખ્યાં

09 May, 2020 05:47 PM IST | Aurangabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રેલવે ટ્રેક પર સૂતેલા 17 પ્રવાસી શ્રમિકોને માલગાડીએ કચડી નાખ્યાં

તસવીર સૌજન્ય: એએનઆઈ

તસવીર સૌજન્ય: એએનઆઈ


મહારાષ્ટ્રના ઔરાંગબાદમાં રેલવે ટ્રેક પર સુતેલા પ્રવાસી શ્રમિકોને માલગાડીએ કચડી લેતા 17 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે અને બે લોકો ગંભીર રીતે જખમી થયા છે. આ બધા મજુરો મધ્યપ્રદેશ જઈ રહ્યાં હતા. મજૂરો જ્યારે ટ્રેક પર સૂતા હતા ત્યારે વહેલી પરોઢે સવારે 6.30 વગ્યાની આસપાસ આ દુર્ઘટના ઔરંગાબાદ પાસે આવેલા કરમાડ સ્ટેશન નજીક ઘટી હતી.

રેલવેએ આપેલી માહિતિ મુજબ, આ દુર્ઘટના બદનાપુર અને કરનાડ સ્ટેશણ વચ્ચે બની છે. આ વિસ્તાર રેલવેના પરમણી- મનમાડ સેક્શનમાં આવે છે. શુક્રવાર સવારે ઘણા મજૂરો રેલવે ટ્રેક પર સૂતા હતા. માલગાડીના ડ્રાઈવરે તેમને જોયા અને બચાવવાન પ્રયાસ પણ કર્યા પરંતુ દુર્ઘટના થતા રોકી ન શક્યો. આ બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.




મળતી માહિતી પ્રમાણે, બધા જ મજૂરો મધ્ય પ્રદેશના હતા અને તેઓ જાલનાથી ભુસાવળ જઈ રહ્યાં હતા. આ બધા જ જલગાંવમાં લોખંડ ફોટ્રીમાં કામ કરતા હતા. મજૂરો ટ્રેક પાસે જ ચાલી રહ્યાં હતા અને ચાલીને પોતાના ઘરે પાછા જઇ રહ્યા હતા. 35-36 કિમી ચાલ્યા બાદ થાકી ગયા હોવાથી ટ્રેક પાસે જ ઊંધી ગયા હતા. આ કચડાયેલા મૃતદેહો પાસે રોટલીઓ પણ વિખરાયેલી પડી હતી.


આ દુર્ઘટના બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરિને કહ્યું હતું કે, શ્રમિકોના મૃત્યુના સમાચારથી સ્તબ્ધ થઈ ગયો છું.

મળતી માહિતિ પ્રમાણે મૃતક શ્રમિકોમાં મહિલા કે બાળકોનો સમાવેશ નથી. તેમજ જખમી થયેલા લોકોને ઔરંગાબદની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ઔરંગાબાદમાં માલગાડી નીચે ૧૬ મજૂર કચડાયા

લૉકડાઉનની કરુણ અને માનવીય સંવેદનાના તારને હચમચાવનારી કમકમાટીભરી ઘટના : લૉકડાઉનથી ત્રાસીને ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં જ કાળ ભરખી ગયો, રેલવે-ટ્રૅક પર શ્રમિકોની વેરવિખેર રોટલીઓ મળી આવતાં કરુણાસભર દૃશ્યો સર્જાયાં : રેલવેએ આપ્યા તપાસના આદેશ : મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ સરકારે મૃતકોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

માઇગ્રન્ટ્સ ઘરે સલામત પહોંચે એ ખુદ સરકાર નિશ્ચિત કરે : શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારે શુક્રવારે ઔરંગાબાદના ટ્રેન-અકસ્માતમાં ૧૬ સ્થળાંતરિત મજૂરોનાં મોતની ઘટનાને હૃદયદ્રાવક ગણાવતાં કહ્યું કે મજૂરો સલામત રીતે તેમના ઘરે પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રએ રાજ્ય સરકારો સાથે સુમેળપૂર્વક કાર્ય કરવું જોઈએ.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે માઇક્રો બ્લૉગિંગ સાઇટ પર જણાવ્યું હતું કે જો અસંગઠિત ક્ષેત્રના કામદારો નોકરી ગુમાવવાના ભયથી નગર છોડીને જઈ રહ્યા હોય તો કૉન્ટ્રૅક્ટરો અથવા તો નોકરીદાતાઓએ તેમની સંભાળ લેવી જોઈએ. રાજ્ય સરકારોએ પણ કામદારોની જરૂરિયાતોની કાળજી રાખવા માટે ફ્લાઇંગ સ્ક્વૉડની રચના કરવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આણવો જોઈએ. જળ સંસાધન પ્રધાન પાટીલે જણાવ્યું હતું કે આ ટ્રૅજેડીથી મને આઘાત લાગ્યો છે. કામદારબંધુઓ, સરકાર તમને તમારા ગામ સુધી પહોંચાડવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે. મહેરબાની કરીને તમારા જીવ જોખમમાં મૂકીને પ્રવાસ ન ખેડશો.

ટ્રેનનો અવાજ સાંભળીને મજૂરોને જગાડવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો
મજૂરો ચાલીને એટલા બધા થાકી ગયા હતા કે તેમને જાગી રહેલા સાથીઓનો તથા ટ્રેનનો અવાજ નહોતો સંભળાયો

કોરોના વાઇરસના રોગચાળાને કારણે જાલના જિલ્લાના સ્ટીલના કારખાનામાં કામ કરતા કેટલાક મજૂરો મધ્ય પ્રદેશના વતન સુધીના પગપાળા પ્રવાસે નીકળ્યા હતા, એમાંથી ૧૬ મજૂરો ઔરંગાબાદમાં ગુડ્સ ટ્રેન નીચે કપાઈને મૃત્યુ પામ્યા હતા. ગુરુવારની મધરાત પછી બનેલી ઘટનામાં કેટલાક મજૂરો ટ્રેનોના પાટા પર ઘસઘસાટ ઊંઘતા હતા અને કેટલાક મજૂરો જાગતા હતા. ગુડ્સ ટ્રેનને આવતી જોઈને જાગતા મજૂરોએ બૂમો પાડીને ઊંઘતા મજૂરોને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ૧૬ મજૂરો ટ્રેન નીચે કચડાઈને ચીરનિદ્રામાં પોઢી ગયા હતા. એ અકસ્માતમાં એક મજૂર ઘાયલ થયો હતો અને ત્રણ મજૂરો બચી ગયા હતા.
પોલીસે જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશના માંડલા, ઉમરિયા, શાહડોલ અને ખજેરી જિલ્લાઓના વતની વીસ જણ ચાલીસેક કિલોમીટર દૂર ભૂસાવળ સુધી પહોંચવા માટે નીકળ્યા હતા.
એ બધા રાતે ઔરંગાબાદના કરમદ પાસે પહોંચ્યા ત્યારે થાકી ગયા હતા. એમાંથી ત્રણ જણ ખુલ્લી જગ્યામાં અને ૧૭ જણ રેલવેના પાટા પર સૂતા હતા. ગુડ્સ ટ્રેન આવતી હતી ત્યારે પાટા પર સૂતેલા આ ૧૭ જણને જગાડવા માટે ખુલ્લી જગ્યામાં સૂતેલા ત્રણ જણે ઘણી બૂમો પાડી હતી, પરંતુ ઘસઘસાટ ઊંઘતા સાથીઓને બૂમો ન સંભળાતાં અકસ્માતનો ભોગ બન્યા હતા.
મધરાતની આ ઘટનાના સમાચાર તથા અકસ્માતના વિડિયો વાઇરલ થતાં દેશભરમાં કમકમાટી મચી ગઈ હતી. કોરોનાનો માર સહન કરી રહેલા મજૂરોનાં આવી રીતે મૃત્યુ થવાથી તેમણે આરામ કરવા માટે રેલવેના પાટાને બદલે આસપાસની જગ્યામાં સૂવું જોઈતું હતું એવી ચર્ચા લોકો કરી રહ્યા છે.

મૃત્યુ પામેલા પરપ્રાંતીય કામદારો માલિક કે વહીવટી તંત્રને જણાવ્યા વિના જ નીકળેલા

ઔરંગાબાદ જિલ્લામાં ગુડ્ઝ ટ્રેનની નીચે કચડાઈને મૃત્યુ પામેલા પરપ્રાંતીય કામદારો તેમના માલિકો કે રાજ્યોના વહીવટી તંત્રને જાણ કર્યા વિના જ તેમના વતન મધ્ય પ્રદેશ જવા નીકળી પડ્યા હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
મૃત્યુ પામેલા ૨૦થી ૩૫ વર્ષની વયજૂથના ૧૬ કામદારો મધ્ય પ્રદેશના ઉમરિયા અને શાહડોલ વિસ્તારના રહેવાસી હતાં અને જાલનામાં એસઆરજી સ્ટીલ કંપનીમાં કામ કરતા હોવાનું તથા એ ફૅક્ટરીના માલિકને કે જિલ્લાધિકારીને જાણ કર્યા વિના જ નીકળી પડ્યા હોવાનું જાલનાના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ એસ. ચૈતન્યએ જણાવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રએ પરપ્રાંતીય કામદારો માટે રાહત-છાવણી શરૂ કરી હતી એવા સમયે આ કામદારો તેઓ જ્યાં કામ કરતા હતાં એ ફૅક્ટરી-પરિસરમાં જ રહેતા હતા. આ કામદારોએ તેમને ઔરંગાબાદથી ટ્રેન મળશે એમ માનીને ચાલતા જ ઔરંગાબાદ પહોંચવાનો નિર્ણય કર્યો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યા મુજબ થાકી જવાને કારણે તેઓ કરનાડ નજીક રેલવે-સ્ટેશન પર જ સૂઈ ગયા હોવાથી ગુડ્ઝ ટ્રેનની નીચે કચડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાંથી બચી ગયેલા લોકોએ જણાવ્યા મુજબ જાલનાથી બધા કામદારો ગુરુવારે સાંજે ૭ વાગ્યે નીકળ્યા હતા અને લગભગ ૩૬ કિલોમીટર ચાલ્યા બાદ થાકીને રેલવે-ટ્રૅક પર જ સૂઈ ગયા હતા.
જે ગુડ્ઝ ટ્રેનની નીચે તેઓ કચડાઈ ગયા એ પેટ્રોલિયમનાં ખાલી કન્ટેનર સાથે મનમાડ તાલુકામાં પાનેવાડી તરફ જઈ રહી હતી. દુર્ઘટના બાદ ગુડ્ઝ ટ્રેન આગળના સ્ટેશન પર ઊભી રહી હોવાનું સાઉથ સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

પરપ્રાંતીયોને વતનમાં જવાનું ટ્રેનભાડું ચૂકવવાની શક્યતા તપાસવા રાજ્ય સરકારને વડી અદાલતનો અનુરોધ

કોરોના વાઇરસના રોગચાળાને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉન દરમ્યાન મહારાષ્ટ્રમાં કામ કરતા પરપ્રાંતીય કામગારોને તેમના વતનમાં પાછા જવાનું ટ્રેનભાડું ચૂકવવાની શક્યતા તપાસવા મુંબઈ વડી અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પરપ્રાંતીય હિજરતી કામગારોને યોગ્ય જાણકારી મળે એ માટે જે નિર્ણય લેવાય એ પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત કરવાનો આદેશ પણ વડી અદાલતે આપ્યો હતો.
રાજ્ય સરકારને સ્થળાંતરિત મજૂરોની તબીબી તપાસ અને તેમનો વતનમાં પાછા જવાના ટિકિટભાડાનો ખર્ચ ભોગવવાનો અનુરોધ કરતી ત્રણ સામાજિક સંસ્થાઓની અરજીઓની સુનાવણીમાં ન્યાયમૂર્તિ એસ. સી. ગુપ્તેએ ઉપરોક્ત આદેશ આપ્યો હતો. વકીલો ગાયત્રી સિંહ, ક્રાન્તિ એલ.સી. અને રોનિટા બેક્ટર દ્વારા કરવામાં આવેલી અરજીઓમાં લૉકડાઉન દરમ્યાન ઝૂંપડાવાસીઓ, બેઘર લોકો અને પરપ્રાંતીય હિજરતી મજૂરોને રાજ્ય સરકાર તરફથી સહાય અને રાહતની માગણી કરવામાં આવી હતી. વતનમાં પાછા જવા ઇચ્છતા પરપ્રાંતીય શ્રમિકોની તબીબી તપાસનો ખર્ચ ભોગવવાની રાજ્ય સરકારની તૈયારી હોવાનું અદાલતને જણાવાયા પછી જસ્ટ‌િસ ગુપ્તેએ ઉપરોક્ત સૂચન કર્યું હતું. અગાઉ પાંચમી મેએ જસ્ટ‌િસ એસ. સી. ગુપ્તેએ રાજ્ય સરકારને પરપ્રાંતીય શ્રમિકોની તબીબી તપાસ તથા પ્રવાસખર્ચ ભોગવવાની તૈયારી વિશે વલણ સ્પષ્ટ કરવાની સૂચના આપી હતી. ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારના વકીલ બી. પી. સામંતે 2005ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટ હેઠળના અગાઉના આદેશમાં પરપ્રાંતીય હિજરતી મજૂરોને વતન મોકલવા વિશેની જોગવાઈમાં સુધારો કરીને તેમને તબીબી તપાસની સહાય કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. બી. પી. સામંતે જણાવ્યું હતું કે વતન જવાનો પ્રવાસ કરનારા પરપ્રાંતીયોએ દરેકે વ્યક્તિગત રીતે મેડિકલ સર્ટિફિકેટ આપવાની જરૂર નહીં પડે, પરંતુ એ લોકો રેલવેનો પ્રવાસ શરૂ કરે એ પહેલાં મેડિકલ સ્ક્રીનિંગમાં સફળ વ્યક્તિઓનાં નામોની સર્વસામાન્ય યાદી બહાર પડાશે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 05:47 PM IST | Aurangabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK