ઑડિયન્સે વધાવી લીધેલું ચક્રવર્તી બૉક્સ-ઑફિસ પર ચાલ્યું નહીં

Published: 6th October, 2020 17:53 IST | Sanjay Goradia | Mumbai

જે જીવ્યું એ લખ્યું - ગુજરાતી નાટકોમાં ટાઇટલ બહુ મહત્ત્વનું કામ કરે છે. સારા ટાઇટલે નાટક બચાવ્યાના દાખલા છે, તો નબળા ટાઇટલે સારામાં સારા નાટકનું ધબાય નમઃ કરી નાખ્યું હોય એવા પણ અઢળક દાખલા છે

ચક્રવર્તી મજીઠિયા : નાટક ‘ચક્રવર્તી’ના એક દૃશ્યમાં જેડી. ‘ચક્રવર્તી’ નાટક જેણે જોયું છે એ આજે પણ જેડીના અભિનયની તારીફ કરતાં થાકતા નથી. જેડીએ હવે મોટા ભાગનું ધ્યાન પ્રોડક્શન પર ડાઇવર્ટ કરી નાખ્યું છે. બાકી આજે ઍક્ટર જેડી નામનો ચલણી સિક્કો રંગભૂમિ, થિયેટર અને ફિલ્મોમાં ધૂમ મચાવતો હોત.
ચક્રવર્તી મજીઠિયા : નાટક ‘ચક્રવર્તી’ના એક દૃશ્યમાં જેડી. ‘ચક્રવર્તી’ નાટક જેણે જોયું છે એ આજે પણ જેડીના અભિનયની તારીફ કરતાં થાકતા નથી. જેડીએ હવે મોટા ભાગનું ધ્યાન પ્રોડક્શન પર ડાઇવર્ટ કરી નાખ્યું છે. બાકી આજે ઍક્ટર જેડી નામનો ચલણી સિક્કો રંગભૂમિ, થિયેટર અને ફિલ્મોમાં ધૂમ મચાવતો હોત.

‘ચક્રવર્તી’નાં અમારાં ગ્રૅન્ડ રિહર્સલ્સ શરૂ થયાં. ઍક્ચ્યુઅલ સેટ લાગ્યો ત્યારે પૂલ-ટેબલથી આખું સ્ટેજ ભરાઈ ગયું. સેટ-ડિઝાઇનર છેલભાઈએ તો પહેલેથી કહ્યું જ હતું કે પૂલ-ટેબલને કારણે સ્ટેજ પર જગ્યા નહીં રહે. હવે રાજુને પણ લાગ્યું કે આનાથી હાલવા-ચાલવાની મૂવમેન્ટમાં લિમિટેશન આવી જશે. પૂલ-ટેબલ કૅન્સલ. અમુક કારણસર રાજુએ હોડકું પણ કૅન્સલ કરાવ્યું. શનિવારે રાતે બિરલા ક્રીડા કેન્દ્રમાં નાટક ઓપન કરવાનું હતું અને શનિવાર બપોર સુધી ક્લાઇમૅક્સ લખવાનું કામ ચાલુ હતું. સાંજે ચાર-પાંચ વાગ્યે રાજુના હાથમાં છેલ્લો સીન આવ્યો અને તેણે ક્લાઇમૅક્સનો સીન સેટ કરવાનું શરૂ કર્યું અને છીપલાંની ચાદર મગાવી. સીન એવો હતો કે જ્યારે કપિલા ગુજરી જાય છે ત્યારે મુંજાલે જે આખી જિંદગી રોજનું એક છીપલું કપિલા માટે ભેગું કર્યું હતું એ છીપલાંની ચાદર ઓઢાડે.
રાજુએ ચાદર માટે રાડ પાડી. ચાદર આવે નહીં.
‘ચાદર આપો...’
રાજુએ ફરીથી રાડ પાડી, પણ કોઈ પ્રત્યાઘાત નહીં. ચાદર આવી નહીં. રાજુએ મારી સામે જોયું. હું પણ મૂંઝાણો. રાજુના કહેવા મુજબ અમે ચાદર તૈયાર કરવાનો ઑર્ડર આપી દીધો હતો તો પછી ચાદર કેમ નથી આવતી?
મેં પણ રાડ પાડી.
‘એ ચાદર... જલદી...’
પણ ના, ચાદર આવે જ નહીં, આવે જ નહીં. મેં દોડીને બૅક-સ્ટેજમાં જોયું તો બે જણ છીપલાંની ચાદર ઘસડીને લઈ આવતા હતા. ચાદર એટલી વજનદાર થઈ ગઈ હતી કે એ બે જણથી પણ ઊપડતી નહોતી. ચાદર આવી તો ગઈ સ્ટેજ પર, પણ હવે?
હવે જો ચાદર કપિલાને ઓઢાડે તો કપિલા આખી એમાં દટાઈ જાય અને એના શરીર પરથી ચાદર હટાવવા બે જણને બોલાવવા પડે. ચાદર કૅન્સલ. આમ બિલિયર્ડ-ટેબલ, હોડકું, છીપલાંની ચાદર નાટકમાંથી કૅન્સલ થયાં, પણ મિત્રો, નાટક લોકોને ખૂબ ગમ્યું. જેડીનો અદ્ભુત અને બેમિસાલ કહેવાય એવો અભિનય, મનીષા કનોજિયાનો સંયમિત પણ ધારદાર અભિનય, મોતીશેઠ બનેલા અમિતભાઈની ઠસ્સાદાર અદાકારી અને નીતિન ત્રિવેદી, વૈશાલી ઠક્કરની પાત્રોચિત ઍક્ટિંગ. બધાએ પેટ ભરીને વખાણ કર્યાં. આગળ વધતાં પહેલાં હું વૈશાલીની સફર વિશે તમને વાત કહી દઉં. વૈશાલીએ પૉપ્યુલર થયેલી અને કલર્સ ચૅનલને એસ્ટૅબ્લિશ કરવાનું કામ કરી ગયેલી ‘ઉતરન’ સિરિયલમાં ઍક્ટિંગ કરી હતી તો જેડીના જ હોમ-પ્રોડકશનમાં બનેલી અને સુપરહિટ થયેલી ‘બા, બહૂ ઔર બેબી’માં પણ તેણે ત્રણ પૈકીની એક વહુનો રોલ કર્યો હતો. વૈશાલીનાં આ બન્ને કૅરૅક્ટર ખૂબ પૉપ્યુલર થયાં હતાં અને સિરિયલની ઓળખણ બની ગયાં હતાં. વૈશાલીએ નાટકમાં પણ એવું જ કામ કર્યું હતું તો રાજેશ મહેતાએ પણ કૉમેડી કૅરૅક્ટરમાં લોકોને હસાવી-હસાવીને લોટપોટ કરી નાખ્યા હતા. નાટક સુપરહિટ થયું, પણ સાચું કહું મિત્રો, અમારા નસીબ આગળનું પાંદડું થોડું હલ્યું, પણ પૂરેપૂરું દૂર નહોતું થયું. નાટક ટિકિટબારીએ સરિયામ નિષ્ફ્ળ નીવડ્યું.
‘ચક્રવર્તી’ના ટાઇટલ પરથી લોકોને એવું લાગ્યું કે આ ઐતિહાસિક નાટક હશે અને બૉક્સ-ઑફિસથી લોકો દૂર રહ્યા. ટાઇટલની બાબતમાં હંમેશાં આવું જ થતું હોય છે. અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે અમારી પાસે નાટકની વાર્તાઓ પુષ્કળ હોય છે, પણ સારા ટાઇટલનો દુકાળ હોય છે. ઘણી વાર નાટકનું ટાઇટલ રાખવામાં કાચું કપાઈ જાય અને કાં તો ઘણી વાર ટાઇટલ સક્સેસફુલ થઈ જાય, પણ એનો બધો આધાર ઑડિયન્સ પર હોય છે, તમે કશું એમાં કરી શકતા નથી. ઍનીવે, આપણે ‘ચક્રવર્તી’ની વાત પર પાછા આવીએ.
‘ચક્રવર્તી’ ટિકિટબારી પર ફ્લૉપ ગયું પણ સોલ્ડઆઉટ શો ખૂબ મળ્યા. જેનો સૌથી મોટો ફાયદો એ થયો કે કૌસ્તુભ ત્રિવેદીને એસ્ટૅબ્લિશ થવામાં સરળતા થઈ ગઈ. મેં તમને કહ્યું હતું એમ, કૌસ્તુભ એ સમયે પ્રેઝન્ટર તરીકે લાઇનમાં નવોનવો અને પગ જમાવતો હતો. મારી અને કૌસ્તુભ વચ્ચે એક વણલખ્યો નિયમ કે, કૌસ્તુભ માર્કેટિંગ અને થિયેટરની ડેટ્સ જુએ અને નાટકના પ્રોડક્શન પર મારે ધ્યાન આપવાનું. વાર્તા પસંદ કરવાથી માંડીને કલાકારો સાથે વાત કરવી, તેમની શરતો, તેમને બુક કરવા એ બધું કામ મારું. હું નવો એટલે મને નાટકના કલાકારો મળવામાં તકલીફ પડતી, તો કૌસ્તુભ નવો એટલે તેની પાસે સોલ્ડઆઉટ શોના બહુ કૉન્ટૅક્ટ નહીં. નવા હોઈએ એટલે વિશ્વાસ પણ ખાસ કોઈ કરે નહીં. સોલ્ડઆઉટમાં એ સમયે જે. અબ્બાસનો સિક્કો ચાલતો હતો. સોલ્ડઆઉટની પાર્ટી રાજી થઈને તેમના જ શો લે, પણ ‘ચક્રવર્તી’ એટલું સારું બન્યું હતું કે બધી સોલ્ડઆઉટ પાર્ટીઓએ અમારા શો લીધા, જેને લીધે તોતિંગ પ્રોડક્શન હોવા છતાં અને બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ થવા છતાં નાટકના પૈસા અમે રિકવર કરી લીધા.

JD
‘ચક્રવર્તી’નો એક બીજો કિસ્સો મને ખાસ કહેવો છે, જે મને આજે પણ યાદ છે અને હમણાં-હમણાં એક ઘટના પણ એવી બની જેને લીધે એ વાત મારી યાદગીરીની સપાટી પર આવી ગઈ. નાટકના રોજ શો થતા. નાટકમાં જેડીએ બે ખુરસીઓ લઈને સ્ટીમરની સીડી પરથી નીચે ઊતરવાનું હોય એવો એક સીન હતો. નીચે આવીને તે મોતીશેઠ સાથે ડાયલૉગબાજી કરે છે. એક શોમાં જેડી જ્યારે સ્ટીમરની સીડી પરથી નીચે ઊતરતો હતો ત્યારે સીડીમાં તેનો પગ ફસાઈ જતાં તે ચાલુ નાટકે નીચે પડ્યો. જેડીની બહાદુરી કહો તો બહાદુરી અને ખેલદિલી કહો તો ખેલદિલી, પણ તેણે દેખાવા દીધું નહીં અને પીડા વચ્ચે પણ શો પૂરો કર્યો. મિત્રો, નાટકના કલાકારોને રંગદેવતાનું આ એક વરદાન હોય છે. ગમે એવું અઘટિત બને, કોઈના મોતના સમાચાર આવ્યા હોય, બીમારી હોય કે પછી કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય, સ્ટેજ પર અમને એ પજવતા નથી. આ રંગદેવતાના અમારા પર આશીર્વાદ છે.
જેડીએ એ શો પૂરો કર્યો ત્યાં સુધીમાં તેનો પગ સૂજીને થાંભલો થઈ ગયો હતો. મને પાક્કું યાદ છે કે બપોરે ત્રણ વાગ્યાના મહિલા મંડળના શોમાં આ બન્યું હતું. શો પૂરો થયો કે તરત જ અમે જેડીને લઈને ડૉક્ટર પાસે ગયા. એક્સ-રે જોઈને ડૉક્ટરે કહ્યું કે પગમાં હેરલાઇન ક્રૅક છે, પ્લાસ્ટર આવશે અને પ્લાસ્ટર રહેશે ત્યાં સુધી જેડીથી શો નહીં થાય. વાત બે અઠવાડિયાંની હતી, પણ અમારે એ જ રાતે ભાઈદાસમાં બીજો શો હતો.હવે, હવે, કરવું શું?
છેલ્લી ઘડીએ તો શો કૅન્સલ પણ થાય નહીં. અમે ઍક્ટર દીપક દવેને ફોન કર્યો. પ્રસિદ્ધ લેખક-કવિ હરીન્દ્ર દવેના દીકરા દીપક દવેને, જેનું લૉકડાઉન દરમ્યાન અમેરિકામાં મેસિવ હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું. દીપક અમેરિકાના ભારતીય વિદ્યા ભવનમાં ક્રીએટિવ ડિરેક્ટર હતો. દીપકે ત્યાં ઘણી સારી સાંસ્કૃતિક પ્રવૃત્તિ કામગીરી કરી ભારતીય કલાને જીવતી રાખવાનું કામ કર્યું હતું. આપણા નાટકના કલાકારો અમેરિકા જાય એટલે મોટા ભાગે દીપકને મળે જ મળે. દીપકના અવાજમાં ગજબનાક પ્રભાવ હતો. કલાકાર પણ એટલો જ ઉમદા અને તેની મેમરી પણ એટલી જ અદ્ભુત. એક વાર જુએ એટલે એ તેના મનમાં સ્ટોર થઈ જ જાય. દીપકે ઘણાં રિપ્લેસમેન્ટ સંભાળ્યાં હતાં. એક સમયે તો આખી ઇન્ડસ્ટ્રીમાં દીપકની ઇમેજ ‘રિપ્લેસમેન્ટ-કિંગ’ તરીકેની પડી ગઈ હતી, જેનું કારણ હતું તેની ફોટોજેનિક મેમરી. જેડીના પગનો પ્રશ્ન ઊભો થયો એટલે અમે તાત્કાલિક દીપકને બોલાવીને બધી વાત કરી અને કહ્યું કે આજનો શો તારે ગમે એમ કરીને સાચવવાનો છે.
‘આજે રાતે?!’
દીપકની આંખો સહેજ મોટી થઈ અને તેણે મને કહ્યું,
‘એક કલાક પછી?’
મેં માથું હલાવીને હા પાડી અને કહ્યું કે આજનો શો સાચવી લે, પછી અમે જેડીની જગ્યાએ બીજા કોઈ કલાકાર શોધી લઈશું. મિત્રો, દીપક જેનું નામ, જરા પણ ગભરાયા વિના કે પછી બીજા કોઈ જાતના લાડ કર્યા વિના તે તરત જ કામે લાગી ગયો. ડિરેક્ટર રાજુ જોષીનો અસિસ્ટન્ટ સ્ક્રિપ્ટ બોલતો જાય અને દીપક એ આખેઆખાં પાનાં મગજમાં સ્ટોર કરતો જાય. એ પછી શું થયું અને અમે જેડીની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં કોને શોધી લાવ્યા એની વાતો કરીશું આવતા મંગળવારે.

જોકસમ્રાટ
પતિઃ એ સાંભળે છે, ક્યાં છો?
પત્નીઃ તમારા દિલમાં...
પતિઃ કેટલી વાર કીધું, હજી કોરોના
ગયો નથી, ગિરદીવાળી જગ્યાએ
જા નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK