Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સરદારે અંતિમ સમયે પ્રધાનોને નેહરુની પડખે રહેવા વીનવ્યા હતા

સરદારે અંતિમ સમયે પ્રધાનોને નેહરુની પડખે રહેવા વીનવ્યા હતા

31 October, 2020 07:03 PM IST | Mumbai
Geeta Manek

સરદારે અંતિમ સમયે પ્રધાનોને નેહરુની પડખે રહેવા વીનવ્યા હતા

સરદારે અંતિમ સમયે પ્રધાનોને નેહરુની પડખે રહેવા વીનવ્યા હતા


‘જવાહરલાલ જોડે ગમે તેટલા મતભેદ થાય તો પણ તેમને એકલા છોડીને જશો નહીં.’ મરણપથારીએ પડેલા સરદાર પટેલે નાના ભાઈની જવાબદારી સોંપતા હોય એમ સ્વતંત્રતા સંગ્રામમાં અને સૌથી પહેલાં પ્રધાનમંડળમાં ઊર્જાપ્રધાન નરહર વિષ્ણુ ગાડગિલને વિનંતી કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ વચ્ચેના સંબંધોને છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવી રીતે ચગાવવામાં આવ્યા છે કે જાણે તે બન્ને એકબીજાના કટ્ટર દુશ્મન હોય. અત્યારના રાજકારણમાં નેતાઓ એકબીજા પર જે પ્રકારના ગંદા આક્ષેપ કરે છે કે એકબીજાની ટાંટિયાખેંચ કરે છે એની સાક્ષી રહેલી આજની પેઢીને કલ્પના પણ ન આવે એ રીતનો સંસ્કારી અને સાલસ વ્યવહાર સરદાર પટેલ અને નેહરુએ કર્યો હતો. 

સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુની તાસીરમાં મૂળભૂત તફાવત હતો. સરદાર પીઢ મુત્સદી અને વ્યવહારુ હતા તો નેહરુ આદર્શવાદી તેમ જ ભાવાવેશમાં તણાઈ જનારા હતા, સરદાર મિતભાષી અને સ્પષ્ટવક્તા હતા તો નેહરુ ઘણી વાર લાગણીના ઊભરામાં વગર વિચાર્યે બોલી પડતા હતા. નેહરુના વ્યક્તિત્વના આ પાસાથી સરદાર સારી પેઠે વાકેફ હતા. તેમણે સ્વાતંત્ર્ય પૂર્વે એક વાર કહ્યું પણ હતું કે જવાહર કોઈ-કોઈ વાર ભોળપણથી વર્તે છે છતાં તેમને આઝાદી માટે જ્વલંત પ્યાર છે અને પારાવાર ઉત્સાહ છે.



એ બાબત તો સર્વવિદિત છે કે વડા પ્રધાનપદ માટે સરદારની પસંદગી થઈ ચૂકી હોવા છતાં સરદાર પટેલે ગાંધીજીના એક ઇશારે એ પદ જવાહરલાલ નેહરુને તાસક પર ધરી દીધું હતું. આટલું મોટું બલિદાન કર્યા બાદ પણ સરદારે જાહેરમાં કે ખાનગીમાં પણ આ વિશે કોઈ પણ બળાપો કાઢ્યો હોય એવું એક પણ દૃષ્ટાંત શોધ્યું જડતું નથી. ઊલટું તેઓ દરેક વખતે તેમની પડખે ઊભા રહ્યા. એ જુદી વાત છે કે આઝાદી પૂર્વે પૉલિટિકલ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતા અને વચગાળાની સરકાર આવ્યા બાદ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પરિવર્તિત થયેલા વિભાગના વડા સરદાર પટેલ હોવા છતાં તેમની કામગીરીમાં નેહરુએ અનેક વાર માત્ર દખલગીરી જ નહોતી કરી પણ એમાં રોડાં નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ડિપાર્ટમેન્ટ હિન્દુસ્તાનના સાડાપાંચસોથી પણ વધુ રજવાડાંઓ પર નિયંત્રણ ધરાવતો હતો. 


બ્રિટિશરો જતા-જતા આ દેશને અનેક ટુકડાઓમાં વહેંચીને જવા માગે છે એ બાબત સરદાર પટેલ બહુ જલદીથી કળી ગયા હતા. ટુકડાઓમાં વહેંચાયેલા દેશ પર કોઈ પણ વિદેશી સત્તા ફરી રાજ જમાવી શકશે એ દીવા જેવી સ્પષ્ટ વાત હતી. આ બધાં રજવાડાંઓને દેશમાં સામેલ કરવાની ક્ષમતા સરદાર પટેલમાં જ છે એ ગાંધીજી પણ જાણતા હતા અને તેમણે સરદારને એક પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે – આ સમસ્યાનો ઉકેલ તમે જ સફળતાથી લાવી શકશો.

સરદાર આ કાર્ય સામ, દામ, દંડ, ભેદ અને કૂટનીતિના ઉપયોગથી પાર પાડી રહ્યા હતા પણ અનેક વાર તેમની કામગીરીમાં નેહરુ દખલઅંદાજી કરતા હતા. વિલિનીકરણની પ્રક્રિયાની શરૂઆતમાં જ્યારે એ વખતના ગવર્નર જનરલ માઉન્ટબેટને એવી જાહેરાત કરી હતી કે જે રજવાડાંઓ હિન્દુસ્તાનમાં કે પાકિસ્તાનમાં જોડાવા માગતા હોય તેઓ એમાં જોડાઈ શકે છે અથવા તો જો તેઓ ઇચ્છે તો સ્વતંત્ર પણ રહી શકે છે. આ અરસામાં રજવાડાંઓ સાથે આકરો કે ઉગ્ર અભિગમ રાખવાને બદલે સરદાર તેમની સાથે સમજાવટથી કામ લઈ રહ્યા હતા. સરદાર દેશના રાજાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે હિન્દુસ્તાનમાં જોડાઈ જવામાં જ તેમનો લાભ છે ત્યારે જવાહરલાલ નેહરુએ ૧૯ એપ્રિલ, ૧૯૪૭ના દિવસે ગ્વાલિયરમાં જાહેરસભામાં એવું કહી દીધું હતું કે જે રજવાડાંઓ હિન્દુસ્તાનમાં નહીં જોડાય તેમને ભારત સરકાર પોતાના શત્રુ ગણશે. નેહરુના આવા બેફામ નિવેદનથી કેટલાક રાજાઓ ગિન્નાયા હતા, કારણ કે તેમને લાગતું હતું કે ભારત સરકાર તેમના પર બળજબરી કરી રહી છે. આ બાબતે એટલી મોટી સમસ્યા સર્જી હતી કે પછીથી ખુદ જવાહરલાલ નેહરુએ એવું સ્પષ્ટીકરણ આપવું પડ્યું હતું કે આ વિધાન તેમણે કૉન્ગ્રેસ પ્રમુખ તરીકે નહોતું કર્યું પણ આ તેમનો અંગત મત હતો. 


સામાન્યપણે જે પ્રધાન અમુક ખાતું સંભળતા હોય તો એ ખાતા વિશેના નિર્ણયો તેમને વિશ્વાસમાં લીધા લેવામાં આવતા નથી. પરંતુ જૂનાગઢના મામલામાં જવાહરલાલ નેહરુએ સ્ટેટ ડિપાર્ટમેન્ટના વડા સરદાર પટેલને પૂછ્યાગાછ્યા વિના અધીરાઈથી એવું પગલું લઈ લીધું હતું જે દેશ માટે બહુ જ નુકસાનકારક પુરવાર થઈ શક્યું હોત. જૂનાગઢના નવાબ મહાબતખાન રસૂલખાને ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી નાખી, પરંતુ પાકિસ્તાને કંઈ પ્રતિભાવ આપ્યો નહોતો. પાકિસ્તાન શું કરવા માગે છે એ વિશે ભારત સરકાર દ્વારા વારંવાર પત્ર લખાયા હતા પણ એનો કંઈ જવાબ ન આવ્યો તો નેહરુએ અધીરા થઈને વિલિનીકરણનું કાર્ય સંભાળતા સરદાર પટેલ સાથે મસલત કર્યા વિના કે તેમને જાણ સુધ્ધાં કર્યા વિના પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલીને એક ટેલિગ્રામ ઘસડી કાઢ્યો હતો કે ભારત સરકાર જૂનાગઢની પ્રજાના નિર્ણય અને ચુકાદાને સ્વીકારને અમલમાં મૂકશે અને પ્રજા જેની સાથે જોડાવા માગતી હશે એને મંજૂર રાખશે.

સરદારને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે આવું લખીને મોકલતાં પહેલાં જવાહરે મને પૂછવું તો જોઈતું હતું. આવું કહેવા પાછળ તેમનો અહંકાર નહોતો પણ તેઓ એ જોઈ શકતા હતા કે આવો ટેલિગ્રામ લખીને આપણે જિન્નાની જાળમાં ફસાઈ રહ્યા છીએ, કારણ કે જૂનાગઢમાં શાસક મુસ્લિમ અને બહુમતી પ્રજા હિન્દુ હતી. બરાબર એવી જ સ્થિતિ હૈદરાબાદમાં હતી. ઉપરાંત આ જ વાત કાશ્મીરમાં આવીને ઊભી રહે અને ત્યાં બહુમતી પ્રજા મુસ્લિમ અને શાસક હિન્દુ હતો. દેશનાં સદ્ભાગ્ય હતાં કે એ વખતે નેહરુએ પાકિસ્તાનના વડા પ્રધાનને લખેલા તાર જે તેમણે એક અધિકારી હસ્તક હાથોહાથ મોકલ્યો હતો એમાં વડા પ્રધાનના હસ્તાક્ષર ન હોવાને કારણે એ સ્વીકારવામાં આવ્યો નહીં અને એ રદબાતલ ગણાયો હતો.

જૂનાગઢમાં નવાબ બળતું ઘર તેમના દીવાન શાહનવાઝ ભુટ્ટોને ભરોસે મૂકીને પાકિસ્તાન ચાલ્યા ગયા અને દીવાન પણ એને સંભાળી ન શક્યા ત્યારે દીવાને જૂનાગઢ ભારત સરકારને સોંપી દીધું. આ પરિસ્થિતિમાં જૂનાગઢનો કબજો લઈ લેવો જોઈએ એવું તો એક ટેણિયું પણ સમજી શકે. જૂનાગઢનો કબજો લેવાને બદલે નેહરુએ તેમના ખાસ દોસ્ત માઉન્ટબેટનના કહેવાથી પાકિસ્તાનને એક તાર લખ્યો કે જૂનાગઢે ભારતમાં જોડાવું જોઈએ કે નહીં એ વિશે અમે પ્રજામત લઈશું અને આ જોડાણ વિશે પાકિસ્તાનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીશું.

આવો તાર લખતાં પહેલાં ન તો નેહરુએ સરદાર સાથે ચર્ચાવિચારણા કરી હતી કે ન તો તેમને જાણકારી સુધ્ધાં આપી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી અને વિલિનીકરણમાં સરદારના જમણા હાથ સમા વી. પી. મેનને આ તાર વિશે સરદારને અડધી રાતે જઈને જાણકારી આપી હતી. આ તબક્કે સરદારે ધાર્યું હોત તો નેહરુ સાથે ઉગ્રતાથી વર્તી શક્યા હોત કે પોતાના ડિપાર્ટમેન્ટમાં હસ્તક્ષેપ કરતા નેહરુ સાથે વાદવિવાદ કરી શક્યા હોત, પરંતુ એને બદલે જૂનાગઢમાં સૈન્ય દાખલ કરી એનો કબજો લઈ લીધો એટલું જ નહીં, વડા પ્રધાનની ગરિમા સચવાય એ માટે તેમણે જૂનાગઢમાં પ્રજામત પણ લઈ લીધો હતો.

હૈદરાબાદના મામલામાં તો નેહરુએ એક તબક્કે એનો અખત્યાર સરદારના હાથમાંથી લઈને માઉન્ટબેટનને સોંપી દીધો હતો. સરદાર પટેલ જાણતા હતા કે નિઝામ જેવી વ્યક્તિ સાથે પનારો પાડવો અને હૈદરાબાદનું હિન્દુસ્તાનમાં વિલિનીકરણ કરવું એ માઉન્ટબેટનના વશની વાત નથી. તેમ છતાં તેમણે આને પણ વિખવાદનો મુદ્દો બનવા દેવાને બદલે ધીરજપૂર્વક કામ લીધું હતું. તેમણે નિઝામ અને માઉન્ટબેટન વચ્ચે લાંબો સમય સુધી ચાલેલી વાટાઘાટો પર નજર રાખી હતી અને જ્યારે માઉન્ટબેટન હૈદરાબાદના મામલે નિષ્ફળ ગયા તેમ જ હિન્દુસ્તાનમાંથી વિદાય થયા ત્યાર બાદ આખો મામલો પોતાના હસ્તક લઈને એનો સફળતાપૂર્વક ઉકેલ આણ્યો હતો.

વિલિનીકરણ સિવાય અન્ય અનેક મુદ્દા પર એ વખતના આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસંખ્ય મતભેદ થયા હતા. ગાંધીજીની હત્યા પૂર્વે એક તબક્કે તો સરદારે રાજીનામું આપીને જાહેરજીવનમાંથી નિવૃત્ત થઈ જવાનો નિર્ણય લઈ લીધો હતો. પરંતુ ગાંધીજીની હત્યા બાદ જ્યારે માઉન્ટબેટને કહ્યું હતું કે ગાંધીજીની આખરી ઇચ્છા હતી કે તમે બન્ને સાથે મળીને રહો ત્યારે સરદારે બધા જ વિખવાદ ભૂલીને નેહરુની પડખે રહેવાનું પસંદ કર્યું હતું. 

છેવટના દિવસોમાં સરદારને બહુ બધાં અપમાન સહન કરવા પડ્યાં હતાં પણ ફક્ત ગાંધીજીની ઇચ્છાને માન આપીને તેમ જ દેશના હિતમાં તેઓ આ બધાં અપમાન ગળી ગયા હતા એટલું જ નહીં, પણ જ્યારે સરદારને પોતાનો અંત નજીક દેખાવા લાગ્યો ત્યારે નરહર ગાડગિલ જેવાઓને ભલામણ કરી હતી કે જવાહરલાલ નેહરુના પડખે જ રહે.

આ બન્ને નેતાઓ વચ્ચે અનેક મતભેદ હોવા છતાં તેમણે જાહેરમાં ન તો ક્યારેય એકબીજા પર કાદવ ઉછાળ્યો હતો કે ન તો એલફેલ નિવેદનો કર્યાં હતાં.

જોકે પિલગ્રિમેજ ટુ ફ્રીડમ નામના પુસ્તકમાં નોંધ્યું છે કે સરદારના મૃત્યુ બાદ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એવો ફતવો બહાર પાડ્યો હતો કે કોઈ પણ પ્રધાન કે સચિવે સરદારની અંતિમયાત્રામાં સામેલ થવા મુંબઈ જવું નહીં એટલું જ નહીં, પણ એ વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પણ તેમણે કહ્યું હતું કે તેમણે સરદારની અંતિમયાત્રામાં ભાગ લેવા જવું નહીં. પરંતુ રાજેન્દ્ર પ્રસાદે તેમની આ વાતને કાને ધરી નહોતી અને સરદારને અંતિમ વિદાય આપવા આવી પહોંચ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2020 07:03 PM IST | Mumbai | Geeta Manek

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK