બે વર્ષની ઉંમરે ત્યજી દેનારી માતા અને સાવકા પિતા પાસે ૪૦ વર્ષના પુત્રે માગ્યું દોઢ કરોડનું વળતર

Published: Jan 13, 2020, 07:54 IST | Mumbai Desk

બે વર્ષની ઉંમરે ત્યજી દેનારી માતા અને સાવકા પિતા પાસે ૪૦ વર્ષના પુત્રે માગ્યું દોઢ કરોડનું વળતર

પોતાને બે વર્ષની ઉંમરે ત્યજી દેવા બદલ સગી માતા આરતી અને સાવકા પિતા ઉદય મ્હસકર પાસે દોઢ કરોડ રૂપિયાના વળતરની માગણી સાથે ચાલીસ વર્ષના મેક અપ આર્ટિસ્ટ શ્રીકાંત સબનીસે મુંબઈ વડી અદાલતમાં કેસ ફાઇલ કર્યો છે. માતા આરતીએ બીજા લગ્ન કર્યા બાદ શ્રીકાંતને પુત્ર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આરતી અગાઉ દીપક સબનીસ જોડે લગ્ન કરીને પુણેમાં રહેતી હતી. ૧૯૭૯ના ફેબ્રુઆરી મહિનામાં એ દંપતીના સંતાન શ્રીકાંતનો જન્મ થયો હતો. મહત્વાકાંક્ષી આરતીને મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ખૂબ ઇચ્છા હતી. આરતી ૧૯૮૧ના સપ્ટેમ્બર મહિનામાં મુંબઈ ગઈ ત્યારે શ્રીકાંતને સાથે લઈ ગઈ અને એ બે વર્ષના બાળકને ટ્રેનમાં મૂકીને નીકળી ગઈ હતી. રેલવેના એક અધિકારીએ શ્રીકાંતને ચિલ્ડ્રન્સ હોમમાં પહોંચાડ્યો હતો. ૧૯૮૬માં આરતીની માતાએ શ્રીકાંતનો કબજો મેળવ્યો હતો. થોડા વખત માટે દાદી પાસે રહ્યા બાદ શ્રીકાંતને એની માસીએ ઉછેર્યો હતો.’
અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ૨૦૧૭માં શ્રીકાંતને એની સગી મા વિશે જાણકારી મળી હતી. ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં શ્રીકાંતે મા આરતી સાથે વાત કરી ત્યારે માએ શ્રીકાંતને દીકરા તરીકે સ્વીકાર્યો હતો. આરતીએ શ્રીકાંતને અનિવાર્ય સંજોગોને કારણે ત્યજી દેવાની ફરજ પડી હોવાનું કહ્યું હતું.
અરજીમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ફોન પર વાતચીત બાદ શ્રીકાંત મળવા માટે ગયો ત્યારે આરતી અને ઉદય મ્હસકરે એમના સંતાનો સમક્ષ ખરી ઓળખ છૂપાવવાની વિનવણી કરી હતી. અરજદારને સગાંના ઘરો અને ઓબ્ઝર્વેશન હોમમાં આશરો લઈને દયાજનક સ્થિતિમાં જીવન પસાર કરવાની ફરજ પડી હતી. ઇરાદાપૂર્વક અજાણ્યા શહેરમાં છોડી દીધા પછી સહન કરવી પડેલી યાતના અને માનસિક તાણ અસહ્ય હતી.
શ્રીકાંતે મુંબઈ વડી અદાલતમાં કરેલી અરજીમાં પોતાને પુત્ર તરીકે સ્વીકારવા અને બે વર્ષની ઉંમરે ત્યજી દીધો હોવાનું માન્ય કરવાનો આદેશ માતા આરતીને આપવાની માગણી કરી છે. આરતી અને ઉદય મ્હસકરે શ્રીકાંતની માનસિક શાંતિ હણી લીધી હોવાથી એમને દોઢ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવાની માગણી અરજદારે વડી અદાલત સમક્ષ કરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK