આસામમાં 644 ઉગ્રવાદીઓનું સામૂહિક આત્મસમર્પણ

Published: Jan 24, 2020, 12:00 IST | Guwahati

ચૂંટણી પહેલાં આસામ સરકારને મળી મોટી સફળતા, આત્મસમર્પણ કરેલા ઉગ્રવાદીઓને પોલીસમાં સ્થાન અપાશે, નવજીવન શરૂ કરશે

ગુવાહાટીમાં આત્મસમર્પણ કરતા ૬૪૪ જેટલા ઉગ્રવાદીઓ તેમ જ એમણે જમા કરાવેલાં ઘાતક શસ્ત્રો. તસવીર : પી.ટી.આઇ
ગુવાહાટીમાં આત્મસમર્પણ કરતા ૬૪૪ જેટલા ઉગ્રવાદીઓ તેમ જ એમણે જમા કરાવેલાં ઘાતક શસ્ત્રો. તસવીર : પી.ટી.આઇ

છેલ્લા ઘણા સમયથી અશાંતગ્રસ્ત આસામ રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને રાજ્ય ઘણા લાંબા સમયથી ઉલ્ફા સહિતના અન્ય ઉગ્રવાદી સંગઠનોના ઉગ્રવાદીઓની હિંસાત્મક પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યું છે ત્યારે આસામ સરકારે એક મોટી સફળતામાં ઉલ્ફા સહિતના ૮ ઉગ્રવાદી સંગઠનોના એકસાથે ૬૪૪ જેટલા ઉગ્રવાદીઓને શરણાગતિ માટે તૈયાર કરીને તેમની શરણાગતિ સ્વીકારીને તેમણે આચરેલી હિંસાત્મક પ્રવૃત્તિઓ માફ કરીને તેમને માનભેર જીવવા આસામ પોલીસમાં સ્થાન આપવાના નિર્ણયથી ઘણાને આ તબક્કે બૉલીવુડના ધી ગ્રેટ શો મેન રાજ કપૂરની ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’નાં એ દૃશ્યો પણ યાદ આવ્યાં જેમાં સંખ્યાબંધ ખૂનખાર ડાકુઓને ફિલ્મનો હીરો આત્મસમર્પણ માટે પોલીસ પાસે લઈ આવે છે.

નોંધનીય બાબત એ પણ છે કે મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન અર્જુનસિંહે પણ ચંબલના ખૂનખાર ડાકુઓનું આત્મસમર્પણ કરાવ્યું હતું અને આજે આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે પણ આસામની શાંતિ માટે એકસાથે ૬૦૦ કરતાં વધુ આતંકવાદીઓને શરણે લાવવાનું કામ કર્યું છે. કદાચ ભારતના ઇતિહાસમાં આ એક મોટી ઘટના હશે જેમાં એકસાથે ૬૦૦ કરતાં વધુ આતંકીઓ હથિયારો સાથે શરણે આવીને નવી જિંદગી શરૂ કરવા માગતા હોય.

ડિસેમ્બર, ૨૦૧૯માં કેન્દ્ર સરકારે નાગરિક્તા કાયદામાં સુધારો કર્યો ત્યારે તેનો સૌપ્રથમ હિંસક વિરોધ પૂર્વોત્તરના રાજ્ય આસામમાં થયો હતો. જોકે બીજાં રાજ્યોમાં વિરોધ વંટોળ ફેલાતા આસામમાં શાંતિ જોવા મળી હતી. તે દરમ્યાન સરકારે વિવિધ ઉગ્રવાદી સંગઠનોના ઉગ્રવાદીઓ શરણાગતિ કરવા માગે છે એવી આઇબીની માહિતી બાદ પોલીસને તે બાબત ચકાસવા જણાવ્યું હતું. જેમાં સફળતા મળી છે અને કોઈ રાજ્યમાં એકસાથે ૬૦૦ કરતાં વધુ ઉગ્રવાદીઓ સરકારની શરણે આવ્યા હોય તેને એક મોટી સફળતા જ માનવામાં આવી રહ્યું છે.

અહેવાલ અનુસાર આસામના ૮ પ્રતિબંધિત સંગઠનોના ૬૪૪ ઉગ્રવાદીઓએ મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલની હાજરીમાં આજે ગુરુવારે આત્મસમર્પણ કર્યું છે. ઉગ્રવાદીઓએ ૧૭૭ હથિયાર પોલીસમાં જમા કરાવ્યા છે. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે આ વાતનો ખુલાસો કર્યો છે. મહંતે કહ્યું છે કે આજનો દિવસ આસામ સરકાર અને પોલીસ માટે ખાસ છે.

આ પણ વાંચો : નિર્ભયા ગૅન્ગરેપ કેસ : 1 ફેબ્રુઆરીએ ચાર નરાધમોને ફાંસી આપવામાં આવશે

સરન્ડર કરનાર સભ્યો યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા), નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ ઈન્ડિયા, આરએનએલએફ, કેએલઓ, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માઓવાદી), નૅશનલ સંથાલ લિબરેશન આર્મી, આદિવાસી ડ્રેગન ફાઈટર અને નૅશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ બંગાળીના સભ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK