સુખ-દુઃખની સાથે સાથે સંયુક્ત પરિવારમાં કામ, જવાબદારી, ટેન્શન વગેરે પણ વહેંચાઈ જાય છે જેને લીધે લૉકડાઉન દરમિયાન આવી ચડેલી મુશ્કેલીઓનો સામનો જૉઇન્ટ ફૅમિલી દૃઢતાથી કરી શકી છે. પ્રાઇવસી અને સ્વતંત્રતા જેવા શબ્દોની આડમાં ન્યુક્લિયર એટલે કે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે, પરંતુ લૉકડાઉન જેવા સંકટના સમયે હવે ઘણાને જૉઇન્ટ ફૅમિલીની કિંમત સમજાઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને લીધે ન્યુક્લિયર ફૅમિલીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોએ છોકરા સાચવવા માટે અત્યારે નોકરીમાં બ્રેક લેવો પડ્યો છે તો કેટલાંક કપલ્સે ઘરનાં કામોને સંભાળવા ઑફિસ ટાઇમને ઍડ્જસ્ટ કરવો પડ્યો છે તો ઘણા કેસમાં કપલ્સ આવી પરિસ્થિતિમાં પિત્તો ગુમાવી દેતાં હોવાના કેસ પણ જોવા મળ્યા છે. તો સામે આવી સમસ્યા જૉઇન્ટ ફૅમિલીમાં ખાસ જોવા મળી રહી નથી. જૉઇન્ટ ફૅમિલી એકબીજાના સહારે આ જ સમસ્યાઓનો દૃઢતાથી સામનો કરી શકવા સક્ષમ રહી છે. કામવાળી બાઈ, રસોઇયા, કૅરટેકર વગરના બની ગયેલા ઘરમાં જ્યારે બધું કામ જાતે કરવાનો વારો આવે, ઘરમાં નાનું બાળક હોય અને એમાં સાથે ઑફિસનું કામ પણ કરવાનું હોય, અચાનક કોઈ ઇમર્જન્સી આવી જાય ત્યારે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય છે. પરંતુ જો જૉઇન્ટ ફૅમિલી હોય તો આ બધી સમસ્યા ઝડપથી ઉકેલાઈ જાય છે. એનાં ઘણાં ઉદાહરણો આપણી સામે જ છે. લૉકડાઉનમાં આવી પડેલી સમસ્યાઓનો સામનો જૉઇન્ટ ફૅમિલી કેવી રીતે કરી રહી છે એ જાણવા માટે અમે કેટલીક ગુજરાતી જૉઇન્ટ ફૅમિલીની સાથે વાત કરી અને એમનો શું જવાબ આવ્યો એ અહીં જાણીએ.
એકબીજાનો માનસિક ટેકો ખૂબ મળે ઃ સુધાબહેન ચોકસી
અંધેરી (વેસ્ટ)માં રહેતી ચોકસી ફૅમિલીને માટે લૉકડાઉન ઘણું સરળ જઈ રહ્યું છે. ચોકસી ફૅમિલીનાં વડીલ સુધાબહેન કહે છે, ‘જૉઇન્ટ ફૅમિલીના લીધે લૉકડાઉનમાં ઘરનાં કામકાજ બાબતે તો ઘણી રાહત થઈ ગઈ છે, પરંતુ એના કરતાં પણ વધારે અમને એકબીજાનો માનસિક ટેકો પણ મળી રહ્યો છે. મારી પોતાની વાત કરું તો હું પોતે ફૅમિલી બિઝનેસમાં સક્રિય છું અને ક્યારેય ઘરે વધુ સમય માટે બેઠી જ નથી. એટલે આટલો લાંબો સમય સુધી ઘરે બેસી રહેવાને લીધે ઘણી વખત હું ડિપ્રેશન જેવી સ્થિતિમાં પણ આવી જતી હતી, પરંતુ ફૅમિલીના સપોર્ટના લીધે હું એમાં વધુ સમય સુધી રહેતી નહોતી. જૉઇન્ટ ફૅમિલીનો બીજો એક ફાયદો ગણાવું તો મારા દીકરાના ફ્રેન્ડની આખી ફૅમિલી કોરોનાની ચપેટમાં આવી ગઈ હતી. આવા સમયે તેમના માટે દોડવા કોઈ હતું નહીં એટલે મારો દીકરો રાત-મધરાતે તેમના માટે દોડ્યો હતો. જૉઇન્ટ ફૅમિલી હતી એટલે મારા દીકરાને પણ ઘરની નિરાંત હતી એટલે તે દોડી શક્યો. આમ જૉઇન્ટ ફૅમિલીના અમને અનેક ફાયદા થયા છે.’
બારેમાસ એકબીજાની પડખે ઊભાં રહી શકાય છેઃ નીતા દેસાઈ
સાંતાક્રુઝમાં લાર્જ જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં નીતા દેસાઈ કહે છે, ‘એક જ બિલ્ડિંગમાં અમારો ઉપર નીચે એમ બે ફ્લૅટ છે જેમાં અમારી ફૅમિલી રહે છે. એક બહેન, બે ભાઈ અને તેમનો પરિવાર મળીને અમે ૧૩ જણ છીએ. આમ તો અમે બારેમાસ એકબીજાની પડખે ઊભાં હોઈએ છીએ, પરંતુ અત્યારે લૉકડાઉનમાં તો અમે જૉઇન્ટ ફૅમિલીને એન્જૉય કરી છે. આટલા બધા લોકોની વચ્ચે ઘરનાં કામ તો એટલી સરસ રીતે વહેંચાઈ ગયાં છે કે ખબર પણ નથી પડતી કે અત્યારે લૉકડાઉન છે. રસોઈમાં પણ અમે શૅરિંગ કરીએ છીએ. નવી વાનગી બધાં સાથે મળીને બનાવીએ છીએ અને સાથે બેસીને ખાઈએ છીએ. અમારા ઘરની એક દીકરી અત્યારે પ્રેગ્નન્ટ છે અને અમારા ઘરમાં એક નાનું બાળક પણ છે ઉપરાંત મોટા ભાગના સભ્યો વર્કિંગ છે, પરંતુ જૉઇન્ટ ફૅમિલી છે એટલે બધું સચવાઈ ગયું છે.’
અણધારી આફતમાં
જૉઇન્ટ ફૅમિલી હોય તો હૂંફ મળે- દાક્ષાયણી મહેતા
જ્યારે ઘરમાં અણધારી ઘટના બને ત્યારે જૉઇન્ટ ફૅમિલીનો સથવારો હોય તો ખરાબ સમયમાંથી જલદી બહાર આવી જવાય છે. આવો જ કોઈ અનુભવ અંધેરી (ઈસ્ટ)માં રહેતાં દાક્ષાયણી મહેતાને થયો છે. કોરોનાનો હાઉ શરૂ થયો ત્યારે જ પતિને ગુમાવનાર દાક્ષાયણી મહેતા કહે છે, ‘તમારી નજીકની કોઈ વ્યક્તિ જ્યારે દુનિયા છોડીને ચાલી જાય ત્યારે જો તમારી પાસે સાંત્વના આપનારું કોઈ ન હોય તો ખરાબ સમયમાંથી બહાર આવવું મુશ્કેલ બને છે. મારા હસબન્ડ પ્રણવ ત્રણ-ચાર મહિના પહેલાં જ એક્સપાયર થઈ ગયા હતા. હું ત્યારે એકદમ ભાંગી પડી હતી અને એવામાં કડક લૉકડાઉન પણ શરૂ થઈ ગયું હતું. આવા વખતે મારી સાથે દીકરો અને વહુ ઊભાં હતાં એટલે મને ઘણી રાહત મળી હતી. તેઓ ઘરેથી કામ કરતાં હતાં એટલે મને વધુ એકલું પણ લાગ્યું નહીં. કામ તો વહેંચાઈ જ ગયાં છે, પરંતુ ફૅમિલીમાં બધાં સાથે હોવાથી દુઃખમાં પણ રાહત મળી છે.’
વર્કિંગ કપલ માટે તો જૉઇન્ટ ફૅમિલીના ફાયદા જ ફાયદા છે- ઝંખના હકાની
મરીન ડ્રાઇવમાં રહેતાં અને વ્યવસાયે સાઇકિયાટ્રિસ્ટ ઝંખના હકાની કહે છે, ‘જૉઇન્ટ ફૅમિલીનો ફાયદો કદાચ વર્કિંગ કપલ કરતાં બીજું કોઈ ગણાવી શકશે નહીં. અત્યારના માહોલમાં ઘણી વખત વિચાર આવે છે કે જો મારે જૉઇન્ટ ફૅમિલી ન હોત તો બધું કેવી રીતે મૅનેજ કરી શકતે? હું વ્યવસાયે સાઇકિયાટ્રિસ્ટ છું અને મારે પેશન્ટની સાથે ઘણી વખત એક-એક કલાક સુધી વિડિયો કૉન્ફરસ કરવી પડતી હોય છે. મારે એક નાની દીકરી છે એટલે આ સમયે મારે તેને લૅપટૉપથી દૂર જ રાખવી પડે છે. મારી સાસુ તેને આ ટાઇમે સાચવી લે છે એટલે મને ઘણી નિરાંત થઈ જાય છે તેમ જ કામ પણ વહેંચાઈ જાય એ અલગ. જેમ કે બહારનાં અમુક કામ મારા સસરા પતાવી દેતા હોય એટલે મારા હસબન્ડ પર પણ ઓછું પ્રેશર આવે છે જૉઇન્ટ ફૅમિલીના લીધે મારી દીકરી પણ ઘરમાં આખો દિવસ કંટાળી જતી નથી. આમ લૉકડાઉનમાં મને તો જૉઇન્ટ ફૅમિલીના ઘણા ફાયદા થયા છે.’
ઘરનાં કામો વહેંચાઈ ગયા છે- વિભૂતિ દેસાઈ
ટીચિંગ પ્રોફેશનની સાથે સંકળાયેલાં અને ખારમાં રહેતાં વિભૂતિબહેન દેસાઈ કહે છે, ‘અમારા ઘરમાં હું, મારા હસબન્ડ તેમ જ મોટો છોકરો અને વહુ અને ગ્રૅન્ડ સન એમ મળીને અમે પાંચ જણ રહીએ છીએ. લૉકડાઉન શરૂ થયું ત્યારથી અમે બધાંએ ઘરનાં કામો વહેંચી લીધાં હતાં. ઘરની સ્ત્રીઓએ રસોઈનો વિભાગ સંભાળી લીધો હતો તો બાકીનાં કામો પુરુષોએ સંભાળી લીધાં હતાં. મારો છોકરો અને વહુ બન્ને વર્કિંગ છે, પરંતુ બધાં સાથે રહીએ છીએ એટલે કોઈ તકલીફ થઈ નહીં. બીજી બાજુ માર્કેટમાંથી શાક લાવવાનું અને બહારનું કામ મારો દીકરો કરે છે તેમ જ અમારાં બૅન્કનાં કામ પણ તે જ પતાવી આવે છે એટલે મારે અને મારા હસબન્ડે બહાર જવાનું થતું નથી. જો અમે એકલાં રહેતાં હોત તો આવી પરિસ્થિતિમાં અમારે જ બહાર જવાનું થયું હોત. થૅન્ક્સ ટુ જૉઇન્ટ ફૅમિલી.’
વાહ, ક્યા યુનિક ફૂડ કૉમ્બિનેશન હૈ
22nd January, 2021 18:02 ISTયંગ બાય હાર્ટ તે આનું નામ
13th January, 2021 11:41 ISTપાછલી વયે શરીરને મેઇન્ટેન રાખવા આ સિનિયર સિટિઝન જિમમાં જોડાયા
5th November, 2020 15:47 ISTલૉકડાઉનમાં તમે કેટલા નસીબદાર રહ્યા છો કૂપન્સ, ઑફર્સ અને વાઉચર્સને લઈને?
19th October, 2020 22:47 IST