Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મને છાતીમાં દુખે છે, તું ડૉક્ટરને બોલાવી રાખ

મને છાતીમાં દુખે છે, તું ડૉક્ટરને બોલાવી રાખ

14 July, 2020 07:42 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

મને છાતીમાં દુખે છે, તું ડૉક્ટરને બોલાવી રાખ

સપ્તપદી: વચ્ચે મારી સાળી નિમિષા વખારિયા, હું અને ચંદા. આ તસવીર મારાં લગ્ન સમયની છે

સપ્તપદી: વચ્ચે મારી સાળી નિમિષા વખારિયા, હું અને ચંદા. આ તસવીર મારાં લગ્ન સમયની છે


‘બા રિટાયર થાય છે’એ મારી જિંદગી ઠરીઠામ કરી એવું કહું તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. નાટક ઓપન થયું અને હિટ થયું એટલે મેં પહેલું કામ ઘર લેવાનું કર્યું. લોખંડવાલામાં ફ્લૅટ બુક કરાવ્યા પછી મેં લગ્નની તૈયારી દેખાડી. અમારા નાટકમાં દીકરીનો રોલ કરતી નિમિષા વૈદ્ય, જે હવે નીતિન વખારિયાને પરણીને નિમિષા વખારિયા છે તેણે મને કહ્યું કે મારી એક સિસ્ટર છે તેને તમે જોઈ લો. એકબીજાને પસંદ કરો તો આપણે વાત આગળ વધારીએ. મિત્રો, આમ મેં મારી સામે સૌથી પહેલી જે છોકરી આવી તેની સાથે જ મેં લગ્ન કર્યાં. હું બીજી કોઈ છોકરી જોવા ગયો જ નહીં. ૧૯૯૧ની ૭ ફેબ્રુઆરીએ મેં નિમિષાની બહેન ચંદ્રભાગા સાથે મૅરેજ કર્યા. ચંદ્રભાગાને હું પ્રેમથી ચંદા કહું છું.

૧૯૯૧ની ૨પ ઑક્ટોબરે મારા અને ચંદાના સહજીવનથી એક દીકરો થયો. તેનું નામ રાખ્યું અમાત્ય. અમાત્ય આજે ૨૯ વર્ષનો છે. તેણે અઢળક અવૉર્ડ-વિનિંગ એકાંકી લખ્યાં છે, ફુલ લેન્ગ્થ ફિલ્મો લખી છે. મલ્હાર ઠાકર, માનસી પારેખ-ગોહિલ, સચિન ખેડેકર અને વંદના પાઠક સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘ગોળ કેરી’ રાઇટર તરીકે રિલીઝ થયેલી તેની છેલ્લી ફિલ્મ. આમ અમાત્ય પણ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જ દાખલ થયો. બાપ-દીકરાના સંબંધ કેવા હોવા જોઈએ અને એ સંબંધોનું મૂલ્ય કઈ રીતે જળવાવું જોઈએ એની વાતો ભવિષ્યમાં કરીશું, પણ અત્યારે આપણે વાત કરીએ અમારા નાટક ‘બા રિટાયર થાય છે’ની.



પરિવારની વાત ચાલે છે ત્યારે મારે કહેવું છે કે નાટકના સહકલાકારો પણ એક પરિવાર જેવા જ હોય છે. એકબીજા માટે લાગણીઓ પણ બંધાય અને એકબીજા સાથે નાના-મોટા મતભેદ પણ થાય. અમારા નાટકમાં પદ્‍મારાણી અને અશોક ઠક્કર સિનિયર ઍક્ટર પણ નાટકના બાકીના ૬ કલાકારો હમઉમ્ર એટલે એ બધા વચ્ચે નાનો-મોટો વિખવાદ ચાલ્યા કરે. સામાન્ય સંજોગોમાં તો જો વિખવાદ લાંબો ચાલે કે પછી શમવાનું કે અટકવાનું નામ ન લે તો અમે એકાદ કલાકારને રિપ્લેસ કરીને કામ આગળ વધારીએ, પણ શફી ઈનામદારને નાટક એટલું વહાલું હતું કે નાટક સાથે તેઓ નાનીસરખીય છૂટછાટ લેવા માગતા નહોતા. કલાકારનું રિપ્લેસમેન્ટ થાય અને એની જગ્યાએ બીજો કલાકાર આવે તો તેને નાટકમાં ઍડ્જસ્ટ થતાં થોડી વાર લાગે અને શફીભાઈને એ મંજૂર નહોતું. શફીભાઈનો નિયમ હતો કે નાટકમાં કોઈ પણ પ્રકારનું રિપ્લેસમેન્ટ નહીં થાય. નહીં એટલે નહીં જ. શફીભાઈના આ નિયમ અને કલાકારો વચ્ચે ચાલતા થોડા વિખવાદ અને નાના-નાના ઝઘડાની સીધી અસર પ્રોડક્શન પર પડતી, પણ શફીભાઈની જીદને કારણે હું કશું કરી શકતો નહોતો. આમ અમારા નાટકમાં બે પાવર-પૉઇન્ટ હતા. આ બે પાવર-પૉઇન્ટને કારણે ઘણી વાર હું કઠોર પણ સાચા નિર્ણય લઈ નહોતો શકતો. આને હું પાવરના વિઘટનથી થતો ગેરલાભ ગણું છું. આગળ ઘણાં વર્ષો પછી મેં આ પરિસ્થિતિ બદલી, પણ એની વાત પછી ક્યારેક. અત્યારે હમણાંની વાત. એક કિસ્સો કહું તમને.


એક વાર મારે અને અશોક ઠક્કરને કોઈ બાબતમાં ઝઘડો થઈ ગયો. અશોકભાઈએ નક્કી કરી લીધું કે તેઓ નાટક નહીં કરે. કાલથી હું શોમાં નહીં આવું. તાવમાં આવીને મેં પણ નક્કી કરી લીધું કે આપણે રિપ્લેસમેન્ટ કરી લઈશું. શફીભાઈને રાતે વાતની ખબર પડી. તેમણે મને તો કંઈ કહ્યું નહીં, પણ તેઓ રાતે બે વાગ્યે અશોકભાઈના ઘરે ગયા અને અશોકભાઈ સાથે વાત કરી. તેમને નાટક માટે મનાવી લીધા. બીજા દિવસે સવારે શફીભાઈએ મને કહ્યું કે અશોકભાઈ નાટક નથી છોડતા અને નાટક કન્ટિન્યુ કરશે. એ ઘટના પછી તો મારે અને અશોકભાઈને સરસ દોસ્તી થઈ ગઈ. સમય જતાં મેં અને અશોકભાઈએ પાર્ટનરશિપમાં બે નાટકો પણ કર્યાં પણ અત્યારે આપણી વાત ચાલે છે નાટક ‘બા રિટાયર થાય છે’ની. શફીભાઈને કારણે એ દિવસે નાટકમાં મોટા અને મહત્ત્વના પાત્રનું રિપ્લેસમેન્ટ આવતાં-આવતાં રહી ગયું.

નાટક સાથે જોડાયેલા મોટા ભાગના કલાકારો માટે એ તેમનો જીવ હોય છે. નાટક માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના તેમની હોય છે. ‘બા રિટાયર થાય છે’નો જ એક બીજો કિસ્સો પણ મને યાદ આવે છે. મોટી વહુની ભૂમિકા કરતી શચિ જોષી રાતે શો પતાવીને ઘરે જતી હતી ત્યારે તેની રિક્ષાનો ઍક્સિડન્ટ થયો. તેને માથામાં વાગ્યું. તરત જ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું કે બ્લીડિંગ ચાલુ છે એટલે અત્યારે જ ડ્રેસિંગ કરવું પડશે અને થોડા વાળ કાપવા પડશે. ડૉક્ટરે તો તૈયારી ચાલુ કરી, પણ શચિએ તેમને અટકાવી દીધા. કહ્યું કે મારા નાટકનો શો છે, વાળ નહીં કાપવા દઉં. ડૉક્ટર બિચારા સમજાવે, પણ શચિ માને જ નહીં. તેની એક જ વાત, તમારે જે કરવું હોય એ કરો, હું ઊંહકારો પણ નહીં કરું, પણ વાળ નહીં કપાવું. કહેવાનો ભાવાર્થ એટલો કે ઍક્સિડન્ટ કે માંદગી આવે ત્યારે કલાકારને સૌથી પહેલો વિચાર નાટકનો આવે. શચિનો ઍક્સિડેન્ટ સિરિયસ હતો, તેને સમજાવી-પટાવીને સ્ટીચ લીધા. એ પછીના થોડા શોમાં તેનું રિપ્લેસમેન્ટ કરીને તેની જગ્યાએ અર્ચના મ્હાત્રેને લાવવામાં આવી.


આ નાટકની સૌથી મહત્ત્વની ઘટના કહેવાય એવી ઘટનાની વાત કરીએ, જેને લીધે સંજય ગોરડિયા ફરી વાર ન ઇચ્છતાં એક અભિનેતા તરીકે નાટકમાં પ્રવેશ પામે છે. નાટકમાં શફીભાઈએ મને રોલ આપવાનો કોઈ વિચાર કર્યો નહોતો. કોઈ મોટો રોલ હું નાટકમાં કરી શકું એવો વિચાર પણ મને ક્યારેય આવ્યો નહોતો. અગાઉ કહ્યું એમ, એક સમય પછી હું ઍક્ટિંગ માટે બહુ સિરિયસ નહોતો, છૂટાછવાયા નાના-મોટા રોલ આવે તો હું કરી લેતો, બાકી ઍક્ટિંગને મેં તિલાંજલિ આપી દીધી હતી.

અમારા બહારગામના પાંચ શો બુક થયા હતા. પહેલા બે શો અમદાવાદમાં, પછી આણંદ, નડિયાદ અને વડોદરામાં એકેક શો. પાંચ દિવસમાં પાંચ શો લાઇનસર. પદ્‍માબહેન અને અશોકભાઈની ટિકિટ કન્ફર્મ ન થઈ. વેઇટિંગ બતાવે. હવે નાટકની વાત કહું તમને. નૉર્મલી એવું હોય કે ટિકિટ કર્ન્ફમ હોય એટલે કલાકારો સ્ટેશન પર પોતાની રીતે પહોંચી જાય અને પછી બધા ટ્રેનમાં મળી જાય. પ્રોડક્શન-મૅનેજર સાથે જ ગયો હોય. બધા શો કરી લે અને પછી પાછા આવી જાય, પણ મેં કહ્યું એમ, આ સામાન્ય સંજોગોની વાત છે. પદ્‍માબહેન અને અશોકભાઈની ટિકિટ કન્ફર્મ નહોતી એટલે એ રાતે હું બૉમ્બે સેન્ટ્રલ ગયો. ટીસીને મેં રિક્વેસ્ટ કરી કે પદ્‍મારાણી અને અશોકભાઈને સેકન્ડ એસીમાં ટિકિટ કન્ફર્મ કરાવી આપો. પદ્‍માબહેન ત્યારે ગુજરાતી ફિલ્મનાં સ્ટાર એટલે ફિલ્મોના કારણે ટીસી તેમને ઓળખતો એટલે એ વાત તો તે માની ગયો, પણ ટિકિટ પૉસિબલ નહોતી એટલે તે કાંઈ કરી ન શક્યો.

પછી હું જઈને સ્ટેશન-માસ્તરને મળ્યો. તેમણે કહ્યું કે આજે તો કોઈ કાળે શક્ય નથી, પણ એક રસ્તો છે. કાલે સવારે આઠ વાગ્યે જમ્મુ-તવીમાં તમને ટિકિટ કરી આપું, એ ટ્રેનમાં તમે વડોદરા સુધી જઈને ત્યાંથી ટૅક્સીમાં અમદાવાદ જાઓ. જમ્મુ-તવી બપોરે દોઢ વાગ્યે વડોદરા પહોંચે એટલે અમદાવાદ સમયસર પહોંચી જવાય ખરું. બીજા દિવસે બધા જમ્મુ-તવીમાં ગોઠવાયા. એ જર્નીમાં મારે પણ જોડાવું પડ્યું, કારણ કે પદ્‍માબહેન અને અશોકભાઈને મારે વડોદરાથી અમદાવાદ પ્રાઇવેટ કારમાં લઈ જવાનાં હતાં. બાકી સામાન્ય સંજોગોમાં હું ટૂરમાં જતો નહીં એ મેં તમને અગાઉ કહ્યું છે, પણ ગુજરાતની આ ટૂરમાં હું જોડાયો એની પાછળ કંઈક સંકેત હતો.

બપોરે દોઢ વાગ્યે અમે વડોદરા પહોંચ્યાં, ત્યાંથી ટૅક્સી કરીને સાંજે પાંચ વાગ્યે અમદાવાદ પહોંચ્યાં. હોટેલ પર થોડો આરામ કરીને રાતે જયશંકર સુંદરી ઑડિટોરિયમમાં શો માટે ગયાં. એ વખતે અમારા ઑર્ગેનાઇઝર હતા અમદાવાદના રાજુ ગાંધી. અત્યારે તેમનો દીકરો ચેતન ગાંધી બધું કામ સંભાળે છે. એ વખતે ચેતન નવોનવો અને છોકરડો, પણ તેણે ઘણુંખરું કામ સંભાળી લીધું હતું.

શો શરૂ થઈ ગયો અને નાટકનો ક્લાઇમૅક્સ શરૂ થયો. વિન્ગમાં ઊભો હું ડાયલૉગ સાંભળતો હતો. મારે એક વાત કહેવી છે તમને. ‘બા રિટાયર થાય છે’ નાટક મને ખૂબ ગમતું. એના મોટા ભાગના શો વિન્ગમાં ઊભા રહીને મેં જોયા છે. ડાયલૉગ અને ઍક્ટિંગ પર ઑડિયન્સ કેવો રિસ્પૉન્સ આપે છે એ જોયા કરું.

અચાનક અશોકભાઈ ચાલુ નાટકે બહાર આવ્યા અને મને કહ્યું, ‘સંજય, મને છાતીમાં દુખાવો ઊપડ્યો છે, ઠીક નથી લાગતું. તું ફટાફટ ડૉક્ટરને બોલાવી રાખ.’

મારો તો જીવ અધ્ધર થઈ ગયો. એ પછી મેં શું કર્યું અને અશોકભાઈને કયા કારણે છાતીમાં દુખતું હતું એની વાતો કરીશું આવતા મંગળવારે...

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 07:42 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK