આસારામ બાપુએ અંતે તપાસ પંચ સમક્ષ હાજર થવું જ પડ્યું

Published: 2nd December, 2012 05:13 IST

તેમના આશ્રમમાં ભણતા દીપેશ અને અભિષેક નામનાં બે બાળકોનાં ભેદી મોતની ઘટનામાં તપાસ પંચે ગઈ કાલે કલાકો સુધી તેમની પૂછપરછ કરીઅમદાવાદમાં આવેલા આસારામ બાપુના આશ્રમ પાસે દીપેશ-અભિષેક નામના બે કિશોરોના રહસ્યમય મૃત્યુના કેસની તપાસ કરી રહેલા જસ્ટિસ ડી. કે. ત્રિવેદી સમક્ષ આસારામ બાપુ હાજર થયા હતા. પંચ સમક્ષ હાજર થવું ન પડે એ માટે તેમણે લાંબી કાનૂની લડાઈ લડી હતી, પણ કોર્ટે તેમનું એક પણ બહાનું માન્ય રાખ્યું ન હતું. ગઈ કાલે તેમણે પંચ સમક્ષ હાજર થઈને જુબાની આપી હતી.

અમદાવાદમાં સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે હજ્જારો અનુયાયીઓની હાજરીમાં  આસારામ બાપુ પંચની ઑફિસ ખાતે આવી પહોંચ્યા હતા. લંબાણપૂર્વક ચાલેલી તપાસ-જુબાનીમાં પંચ સમક્ષ બાપુએ અપમૃત્યુ કેસના સંદર્ભમાં સ્પષ્ટતા કરી હતી. બાદમાં તેમણે કહ્યું હતું કે ‘આ કેસમાં હું જેટલુ જાણું છું એટલું કહ્યું હતું.’

આસારામ બાપુ પંચની ઑફિસમાં આવી પહોંચ્યા ત્યારે ઉપસ્થિત તેમના સેંકડો અનુયાયીઓએ જોરશોરથી રામધૂન શરૂ કરી હતી. કેટલીક મહિલા સાધકોએ તેમની આરતી પણ ઉતારી હતી.

અમદાવાદમાં આવેલા આસારામ બાપુના આશ્રમ પાસે ૨૦૦૮માં સાબરમતી નદીના પટમાંથી ૧૦ વર્ષના દીપેશ વાઘેલા અને ૧૧ વર્ષના અભિષેક વાઘેલા નામના બે કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. તેઓ આશ્રમમાં ભણી રહ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આશ્રમમાં ચાલતી તંત્ર સાધના માટે આ બન્ને કિશોરોનો બલિ તરીકે ભોગ લેવામાં આવ્યો હતો. આ મુદ્દે ભારે હોબાળો મચતાં સરકારે સીઆઇડીને તપાસ સોંપી હતી. સીઆઇડીએ તેના અહેવાલમાં બાળકોનાં મૃત્યુનું સંભવિત કારણ ડૂબી જવાથી દર્શાવ્યું હતું. જોકે અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લાઇ ડિક્ટેશન ટેસ્ટ દરમ્યાન આરોપીઓ આશ્રમમાં ચાલતી તંત્ર સાધના વિશે ખોટું બોલ્યા હોવાનું પકડાયું હતું. સીઆઇડીના રિપોર્ટ બાદ આશ્રમના સાત સાધકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સીઆઇડી = ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK