Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઝાંઝવાની છલના

04 August, 2012 09:21 AM IST |

ઝાંઝવાની છલના

ઝાંઝવાની છલના


 

 



mrugjal



(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)


 

ખબર છે કે આ માત્ર આભાસ છે છતાં એની પાછળ દોટ મૂકવા તરસ મજબૂર કરે છે. શાયર રશીદ મીર બીજું એક કારણ પણ ધરે છે.

 

જાણ હોવા છતાં દોડ્યો છું ઝાંઝવા પાછળ

મારે જોવું હતું શું હોય છે છલના જેવું

 

ફિલોસૉફી જિંદગીને પણ ઝાંઝવાની જેમ જુએ છે. તરસનો ઉપાય પાણી છે, પણ તરસનું ધોરણ પણ જોવું જોઈએ. શૂન્ય પાલનપુરીનો આ શેર ખુમારી સાથે બાથ ભીડવાનું શીખવાડે છે.

 

સૌ મૃગજળોની આશા પર પાણી ફરી જશે

આવો હરણની સાચી તૃષાને જગાડીએ

 

સાચી તરસ જગાડવા પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ રણમાં પણ નંદનવન બનાવી શકે. શૂન્યના શેરના અનુસંધાનમાં સૈફ પાલનપુરીનો આ શેર જોવા જેવો છે.

 

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે

હોય જો પીનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે

 

તરસ અને ઝાંઝવા વચ્ચે એક વિચિત્ર સંબંધ છે. તરસ તૃપ્તિની આશાએ ઝાંઝવા તરફ ભાગે છે, પણ ઝાંઝવા સ્વભાવગત અભાવમાંથી જન્મે છે. એની પાસે કોઈ ઉકેલ પણ નથી ને ઉપાય પણ નથી. છે તો માત્ર આભાસ. છળનું આખું સામ્રાજ્ય છવાયેલું હોય ત્યાં આગોતરું આયોજન કામ આવે અથવા શ્રદ્ધા કસોટીની એરણે મુકાય. જગદીશ ધનેશ્વર ભટ્ટનો શેર છળનું ઝળહળ નિહાળે છે.

 

ઝાંઝવા તો ઝળહળીને કેટલાં છળ નોતરે

તોય હરણું હાંફતું ધસતું રહે, વિશ્વાસથી

 

હરણ તરસને ધારણ કરી દોડતું રહે છે. એની પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, પણ મૃગજળ શું કામ જન્મતું હોય છે એની વૈજ્ઞાનિક સમજૂતી બાજુએ મૂકી, જિંદગીને દૃષ્ટિએ જોઈએ તો ઘણાં નવાં અર્થઘટનો મળે. સુરેન ઠાકર ‘મેહુલ’ એક સરસ અર્થ તારવે છે.

 

મૃગજળ સમાન કેમ હું રણમાં ફર્યા કરું

કોઈ આંધળી તપાસ હશે મારી ઝંખના

 

મુસાફર પાણીની આશા લઈ આગળ વધતો હોય અને આભાસ દૂર-દૂર સરકતો જાય. આ પરિસ્થિતિને જલન માતરી આ રીતે જુએ છે.

 

ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવા

જાણે કે એને પકડીને હું પી જનાર છું

 

મૃગજળનો આભાસ માત્ર રણમાં જ થાય એવું નથી. સડક પર પણ એને જોઈ શકાય છે. પળવાર દેખાતું અને ઝડપથી ઓજલ થઈ જતું મૃગજળ જલદીથી હાથમાં આવતું નથી. કોઈ ફોટોગ્રાફર માટે આ અઘરો સબ્જેક્ટ છે. દિનેશ કાનાણીનો શેર છે.

 

કામ સોંપ્યું છે ખરા દિલથી તમે :

ઝાંઝવાનો એક ફોટો પાડવો!

 

વિવિધ દૃશ્યને કૅમેરામાં કેદ કરતા અલગારી ફોટોગ્રાફર્સને રખડવાની આદત હોય છે. ખભે થેલો નાખીને નીકળી પડે. સારા દૃશ્ય માટે વાતાવરણ સાથે અનુસંધાન કેળવવું પડે. તેમની એક પોતીકી દુનિયા હોય છે. અદમ ટંકારવી આવા અલગારીઓને નિરૂપે છે.

 

રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઈ લ્યો

આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં

 

ઝાંઝવાના પ્રેમમાં પડેલી વ્યક્તિની તૃષા તરત છિપાતી નથી. તેની નજર તો ક્યાંક દૂર-દૂર સુધી વિચરતી હોય છે. એટલે જ જવાહર બક્ષી આર્ય વ્યક્ત કરે છે.

 

શું બળ ઘટ્યું બસ આટલામાં મારી પ્યાસનું!

મૃગજળ પિવાયું છે હજી તો આસપાસનું

 

ઝાંઝવાના પ્રેમમાં પડવું એ ખાવાના ખેલ નથી. ઘણાં વિપરીત પરિણામો માટે તૈયાર રહેવું પડે. માનસિક સ્થિતિ પણ બદલાઈ શકે. એટલી હદે કે સાચું હોય એ ખોટું લાગે ને ખોટું હોય એ સાચું લાગવા માંડે. નાઝિર દેખૈયા આવી જ એક વિચિત્ર સ્થિતિની વાત કરે છે.

 

ઝાંઝવા પાછળ ભટકનારાની શી હાલત થઈ?

બે કદમ પાણી હતું, તરસ્યાથી દોડાયું નહીં

 

ક્યા બાત હૈ

 

મારી તરસને જોઈને તેં જ્યાં ઝાંઝવું મૂક્યું

બોલી ઊઠ્યા રણવાસીઓ : તેં ઝૂરવું મૂક્યું

- એસ. એસ. રાહી

જળને માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે

મૃગજળને પૂછ, કેમ હું તરસ્યો થઈ ગયો

- જવાહર બક્ષી


જોઈને સૌંદર્ય મારી પ્યાસનું

ઝાંઝવાં પણ પાણી પાણી થઈ ગયાં

- રાજ લખતરવી

નહીં દેખાય એવાં ઝાંઝવાં છે આંખની અંદર

તને એ આપવા તૈયાર છું, ખોબો ભરી તો જો!

- લક્ષ્મી ડોબરિયા

 

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2012 09:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK