ધારો કે એક સાંજ આપણે મળ્યા

Published: 27th October, 2012 06:57 IST

માણસની અડધી જિંદગી ધારણા પર જ વીતતી હોય છે. માણસ નદીઓને નાથી શક્યો છે, નસીબને નહીં. ભલભલી તોતિંગ સમસ્યાઓ ઉકેલતો મહાકાય કંપનીનો પાવરફુલ સીઈઓ કેટલીક વાર નાનકડી પરિસ્થિતિમાં એવો સપડાઈ જાય જેની ધારણા તેણે કરી જ ન હોય. અણધાર્યો આઘાત પણ મનસ્વી હોય છે. ધારણાનું વિશ્વ અનોખું છે. એમાં ગંભીર છૂટછાટો ઉપલબ્ધ છે. પણ હરદ્વાર ગોસ્વામી કહે છે એ વાત મદ્દેનજર રાખવી જરૂરી છે.
(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)


એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ

સૌપ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો

આપણે છીએ એ જણાવવા માટે પુરવાર થવું પડે. પુરવાર થવા માટે પુરુષાર્થ કરવો પડે. આયોજન વગરનો પુરુષાર્થ વૈતરું બની જતાં વાર નથી લાગતી. આયોજન કરીએ તો પણ બધું સમુંસૂતરું પાર પડે એ જરૂરી નથી. છતાં નકશો સ્પષ્ટ હોય તો પ્રવાસ સરળ બને. પ્રતિમા પંડ્યા એક એવી ધારણા તરફ લઈ જાય છે જેનો અંજામ નક્કી કરનાર કોઈ બીજું છે.

ધારણા એવી હતી કેડી નવી કંડારશું

હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર

અનુભવ વીતેલા સમયનો હોય. ધારણા આવનારા સમયની હોય. કશુંક મનગમતું થવાની ધારણા એ સુખનું ઍડવાન્સ સ્વરૂપ છે. પ્રેમીજનો માટે ધારણા પ્રતીક્ષાનું રૂપ લેવા તત્પર હોય છે. રશીદ મીર સ્વાગતોત્સુક પંક્તિઓ આપે છે.

પ્રતીક્ષારત ઉઘાડાં બારણાં છે

કોઈના આગમનની ધારણા છે

ધારણા સુધી પહોંચવા માટે પાત્ર હોવું જોઈએ. એને કલ્પો અને પછી એની ફરતે ઘટનાઓ વિચારો. ઘટના નિરાકાર ન હોય. પ્રસંગમાં પાત્ર જોઈએ. અર્થઘટન મનોવ્યાપારનું રૂપ છે. જ્યાં આશાસ્પદ આગમનની જગ્યાએ શંકાસ્પદ આગમનની ધારણા હોય ત્યાં દિના શાહની જેમ આવા સાર ઉપર આવવું પડે.

ક્યાં લગી કો ધારણા સુધી જવું

લઈ પ્રતીક્ષા બારણા સુધી જવું

કોઈની રાહ જોઈને બેસી રહેતું બારણું પણ રાતે તો બંધ થવાનું જ છે. દૂર-દૂર સુધી ફરી વળતી ધારણાને જો અપેક્ષિત ક્ષણો ન દેખાય તો એ નિરાશામાં પલટાઈ જાય છે. ધારણાને લાંબો સમય સમય ટકાવી રાખવામાં વિશ્વાસ જરૂરી છે. બધાને આ ગુણ નથી મળતો. મળવા ને મેળવવાની આશામાં આપણામાંથી પણ કશુંક ચોરાતું જાય છે અને એની ખબર નથી પડતી. દરેક ચીજની એક કિંમત હોય છે. કૅશ અથવા કાઇન્ડમાં ખર્ચાતી લાગણીનો હિસાબકિતાબ ભલે ન રાખીએ, પણ એની સમજ હોવી જોઈએ. ત્યારે તો ખરી જ જ્યારે ધારણાઓ એકપક્ષી હોય. નીતિન વડગામા નૈરાશ્યની ક્ષણો સુધી પહોંચતાં પહેલાં એક અવલોકન કરી લે છે.

સ્હેજ પણ એનાં સગડ ક્યાં સાંપડે છે?

શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં

શ્વાસ ખર્ચાવા માટે જરૂર જન્મ્યા છે, ઉડાડવા માટે નહીં. ધારણાના પાયા હવામાં ન બંધાય. બેઝ વગરની ધારણા કલ્પના બની જાય. પૂર્વઅનુભવ ધારણાને ઘડે છે. કેટલાકમાં અણસાર આવી જાય કે ધારણા હકીકત બનશે કે નહીં. કેટલાકમાં એ અડધીપડધી જ ફળીભૂત થાય છે. ગૌરાંગ ઠાકર આવો અનુભવ આપણી સાથે શૅર કરે છે.

સપના સુધી તો આવશો એ ધારણા હતી

પણ આપ તો ખરાં છો કે પાંપણમાં રહી ગયાં

પાંપણમાં અટકેલી વાત નજરની નદીમાં વહેતી થવી જોઈએ. વહેતાં-વહેતાં એ એવા મુકામે પહોંચવી જોઈએ જ્યાંથી એ સ્પર્શનું રૂપ ધારણ કરે. સ્પર્શમાં શબ્દો કરતાં પણ વધારે તાકાત હોય છે. જરૂરત છે એમાં સંવેદન હોવાની. હક વગરના સંવેદનનું મૂલ્ય ઝાઝું નથી હોતું. સુનીલ શાહ કહે છે એમ ધારણાએ ઘણી વાર અવગણનાની આદત પાડવી પડે છે.

ધારણાઓ સ્પર્શની ક્યાં હર વખત સાચી પડી?

આ હથેળી કાલ માફક, આજ પણ પાછી પડી

ધારવું સહજ છે, પણ સહેલું નથી. ભલભલા અનુભવીઓ થાપ ખાઈ જાય. ખલીલ ધનતેજવી એક રેતાળ અનુભવને આકારે છે.

ઝાંઝવાં ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા

રણ વિશેની ધારણા હંમેશ ક્યાં સાચી પડી?

ક્યા બાત હૈ!

લાગણીના બળ વિશેની ધારણા ખોટી પડી

આપણા અંજળ વિશેની ધારણા ખોટી પડી

એક-બે ઇચ્છા હતી ને અનગિનત પીડા હતી

સાવ મનનાં તળ વિશેની ધારણા ખોટી પડી

નીકળ્યા પરબીડિયામાંથી નિસાસા સામટા

કોઈના કાગળ વિશેની ધારણા ખોટી પડી

એક ગમતા મિત્રને વરસો પછી મળવા ગયો

મખમલી એ પળ વિશેની ધારણા ખોટી પડી

હર તરફ ઘૂમી ફરીથી ઘર તરફ ચરણો વળ્યાં

હર પરિચિત સ્થળ વિશેની ધારણા ખોટી પડી

- કિરીટ ગોસ્વામી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK