પરદા હૈ પરદા

Published: 15th September, 2012 10:28 IST

‘રૂખ સે જરા નકાબ ઉઠા દો મેરે હુઝુર’, ‘પરદે મેં રહેને દો પરદા ના ઉઠાઓ’, ‘યે જો ચિલમન હૈ દુશ્મન હૈ હમારી’, ‘પરદા હૈ પરદા...’ વગેરે હિન્દી ગીતો આંખો સામે તરવરવા લાગે, જ્યારે વાત પડદાની નીકળે.(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)પડદો ઉપયોગિતા પ્રમાણે રૂપ ધારણ કરે છે. બારીએ શોભતો પડદો એકાંતને ઇજ્જત બક્ષે. રંગભૂમિ પર પડદો ઊઘડતાં જ એક નવું વિશ્વ સર્જાય. સિનેમાનો પડદો સ્થિર રહીને દેશ-વિદેશની સફર કરી શકે. સિનેમાનો પડદો ગીતાના શ્લોકનું પાલન કરે છે. એના પર આગ લાગે તો બળતો નથી ને વરસાદ પડે તો ભીંજાતો નથી. સ્થિતપ્રજ્ઞ.

પ્રિયતમાના ચહેરાને ઢાંકતો પડદો આછો અને પારદર્શક હોય ત્યારે અડધી હકીકત અને અડધું અનુમાન એક જ ખરલમાં સાથે ઘોળાય. નાઝિર દેખૈયાનો શેર છે.

ભલા પડદા મહીં દર્શન મળ્યેથી શું વળે નાઝિર?

તૃષા છીપી નથી શકતી કદીયે ઝીણી ઝરમરથી


પડદો ઢાંકવા માટે હોય. ચોર-પોલીસ રમતી વખતે પડદા પાછળ છુપાતું શૈશવ કેટલું વહાલું લાગે છે. હિરોઇનના ઘરે ગયેલો હીરો પડદા પાછળ છુપાઈ જાય છતાં તેના બૂટ દૃષ્ટિગોચર થાય એ દૃશ્ય અનેક ફિલ્મોએ ખપમાં લીધું છે. જ્યારે પડદાનું પોત પાતળું હોય ત્યારે કેતન કારિયા કહે છે એવી શક્યતા સર્જાય

તમે છૂપવાના પ્રયત્નો કરો છો

જો પડદા જ આછા મળે તો કરો શું?


કંઈક ઢંકાયેલું હોય એનું વિસ્મય આપણને રોમાંચિત કરી મૂકે. અંદર શું હશે એની કલ્પના અનેક દૃશ્યો તરફ દોરી જાય. છતાં જે જોવાનું છે એ ચુકાઈ ન જાય એની તકેદારી રાખવાની શીખ બેફામસાહેબ આપે છે.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં

હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી


બારીએ લટકતા પડદાનો ચહેરો આપણી તરફ હોય અને પીઠ બહારની તરફ. પડદો ખસેડતાં કંઈક દેખાવું જોઈએ. શ્યામ સાધુના એક શેરમાં હતા ન હતાની સ્થિતિ સર્જાઈ છે.

બારીના પડદાનો મહિમા ક્યાં રહ્યો

દૃશ્યની આખી નદી સુકાઈ ગઈ


રાતના વધારે ખપમાં આવતો પડદો દિવસે સાઇડમાં ધકેલાઈને આંખોને તક આપે છે વિસ્તરવાની. વરસાદમાં પડદો પલળે નહીં એની કાળજી લેતાં આપણે એક અજાણી વાછટથી ભીંજાઈ જઈએ છીએ અને ખબર જ નથી પડતી. લલિત ત્રિવેદી એ ક્ષણનો મહિમા કરે છે

પલળી ગયો આ માવઠામાં કાચ બારીનો

તારા સ્મરણનો આંખને પડદો મળી ગયો

પડદા પાછળનું આકાશ બેડરૂમમાં આકારાતા સ્નેહ અથવા ઝીંકાતા અબોલાને જોઈ નથી શકતું. એ સારું જ છે. ડોકિયાં કરવાની સામેની બારીઓની આદતને કાબૂમાં રાખી પડદો એક પ્રાઇવસી રચી આપે છે. પછી આપણે શોધવાનું હોય છે આપણા અસ્તિત્વને. એના જવાબમાં શું જડે છે એનો અનુભવ આદિલ મન્સૂરીના એકરારમાં છે.

મેં તારી શોધમાં સૌ પડદા ઊંચકી જોયા

દરેક પડદાની પાછળથી નીકળ્યો છું હું


જગતને સમજવા પહેલાં જાતને સમજવી પડે. આ બહુ અઘરું કામ છે, કારણ કે આપણી ગણતરીઓમાં સ્વાર્થ હોય છે. હરિંદ્ર જોશી એટલે જ સ્વયંને ટપારતો શેર આપે છે

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ

રાખ્યા છે કિન્તુ કેટલા પડદા? ગણી બતાવ


પ્રેક્ષકો સાથે વાત કરવાનું એક માધ્યમ રંગભૂમિ છે. થિયેટરનો પડદો બે વિશ્વ વચ્ચેનો અંતરાય નથી, પણ બે વિશ્વ વચ્ચેનું કુતૂહલ છે. કેટલાંક પાત્રો સદેહે ન દેખાય છતાં, તેમની પાત્રતા જાણે પડદા સાથે વણાઈ ગઈ હોય છે. સતીશ નકાબ એવી જ એક પરિસ્થિતિ પરથી અટકળનો નકાબ હટાવે છે.

હું સ્ટેજ પર નથી છતાં નક્કી છે મારો રોલ

પડદો પડે છે ત્યારે હું ઊંચકાઈ જાઉં છું


રંગમંચની ભીતરી પ્રવૃત્તિઓને ઢાંકતો અને પ્રેક્ષકોની વૃત્તિઓને નીરખતો પડદો અભિપ્રાય ભલે ન આપે, પણ અનુમાન ચોક્કસ કરતો હશે. એ ઊંચકાય એ પહેલાંનું એક અવલોકન સુધીર પટેલ પાસેથી મળે છે

બધાને લ્યો ખબર થૈ ગૈ છે મારા અંત બાબત

અહીં પડદો ઊઠે પહેલાં જ ભજવાઈ ગયો છું!


પહેલા શોનો રોમાંચ ઝીલતો પડદો છેલ્લા શોની રિક્તતા અનુભવતો હશે? પહેલો શો જન્મ પણ હોઈ શકે અને છેલ્લો શો મૃત્યુ પણ. અંતિમને સમદૃષ્ટિથી સ્વીકારવાની શીખ ભગવતીકુમાર શર્મા આપે છે

છે તમારી જ હયાતીનું એ બીજું પાસું

મોત આવ્યું તો ભલે, એનોય પરદો ન કરો!


ક્યા બાત હૈ!

પ્રભુજીને પડદામાં રાખ મા

પૂજારી, તારા-

આતમને ઓઝલમાં નાખ મા

વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એની

ભીતિ વંટોળિયાની ભાખ મા

આડે ઊભો તારો દેહ અડીખમ

બાપુ, ભળી જાશે ખાખમાં

પૂજારી, તારા-

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી

થાક ભરેલો એની પાંખમાં

સાત સમુંદરને પાર કર્યા એનું

નથી રે ગુમાન એની આંખમાં

પૂજારી, તારા-

આંખનાં રતન તારાં છો ને હોલાય

છો ને હીરા લૂંટાય તારા લાખના

હૈયાનો હીરો તારો નહીં રે લૂંટાય કોથી

ખોટા હીરાને ખેંચી રાખ મા

પૂજારી, તારા-

આતમને ઓઝલમાં નાખ મા.


- ઇન્દુલાલ ગાંધી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK