શંકાનો શકુનિ

Published: 24th November, 2012 07:43 IST

માણસના સ્વભાવની અમુક મૂળભૂત સમસ્યાઓ છે. એમાં શંકા અગ્રસર છે. સામેવાળો સાચી વાત કહે તો પણ એ માની લેવામાં ક્યારેક અનુભવ આડો આવતો હોય છે તો ક્યારેક શંકા.
(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

ઑડિટર ચોપડા જુએ ત્યારે તેની આંખે શંકાનાં ચશ્માં ચડાવ્યાં હોય. ઇલેક્ટ્રૉનિક વેઇંગ મશીન આવી ગયા છતાં વજનનાં કાટલાંનો ઉપયોગ પસ્તીવાળા, શાકભાજીવાળા વગેરેને ત્યાં ચાલુ છે. બે કિલો કહીને પોણાબે કિલો વજન જોખી આપતાં કાટલાંઓ ગ્રાહકની શંકાને ઘોળીને પી ગયાં હોય છે. ઠોઠ વિદ્યાર્થીને સારા માર્ક આવે એટલે મા-બાપને શંકા પડે કે કંઈ સારું બફાઈ ગયું છે. મરીઝ શંકાનાં ગુણગાન ગાય છે.

કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને

શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં


જાતને છેતરામણીમાંથી બચાવવા માટે શંકા કામની છે, પણ જિંદગીને જાણવામાં આડે આવતી શંકા શકુનિ જેવી લાગે છે. વિશ્વાસ બેસે નહીં ને વાત વધે નહીં. સાચો તર્ક નિષ્કર્ષ તરફ દોરી જાય છે અને ખોટી શંકા અનિશ્ચિતતા તરફ. દૂધમાંથી પોરા કાઢવાનો મબલક સમય જે ભાગ્યશાળીઓને મળી રહે છે તેમને મંથન કરતાં કૂથલીમાં વધારે રસ હોય છે. તર્કના તરાપાને સતત વહેતો રાખીને શું સાંપડે છે એનો નર્દિેશ રતિલાલ અનિલ કરે છે.

શ્રદ્ધા ને સાધનાથી જીવન સાર પામશે

શંકા જ ફક્ત પામશે તર્કો કરી કરી


શંકા અનુભવની ઉપલબ્ધિ છે કે સ્વભાવની નીપજ? માણસની સ્વભાવગત લાક્ષણિકતાઓ અવતારોમાં પણ જોવા મળે છે. શંકાનો દાખલો દેવાનો આવે એટલે તરત ભગવાન રામ આડે હાથે આવી જાય. પંથી પાલનપુરી આ તક જવા નથી દેતા.

ભૂલ વારંવાર નરબંકા ન કર!

તું અયોધ્યામાં ફરી લંકા ન કર!

આગ સોંસરવી સીતા નીકળી જશે

રામ જેવો રામ થઈ શંકા ન કર!


રામની શંકાએ અનેક સવાલો સજ્ર્યા. જગત સમક્ષ પવિત્રતાનું ઉદાહરણ મૂકવા પોતાની પત્ન્ાી પર શંકા કરવી કેટલી વાજબી છે? સ્વજનોના પ્રેમને જ્યારે શંકાની નજરે જોવામાં આવે ત્યારે સંબંધ તરડાય છે ને સંસાર ઉઝરડાય છે.

જેને આપણા માનીએ છીએ તે ખરેખર આપણા છે કે નહીં એ શંકા કળિયુગની વિટંબણા છે. મરીઝનો આ શાંત પણ સોંસરવો શેર આવી પ્રતીતિ કરાવે છે.

સ્નેહીજનોના પ્રેમમાં શંકા નથી મગર

લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહીં


પોતીકા પરાયા થાય એની વેદના વજનદાર હોય તો પારકું કોઈ પણ પોતીકું બની જાય એમાં આનંદ સાથે આર્ય પણ હોય. દુનિયા જે નજરે જોતી હોય એના કરતાં આપણી નજર જુદી પણ પડી શકે. કોઈને નકામી લાગતી વસ્તુ અન્ય માટે કામની પુરવાર થઈ શકે. રીસાઇક્લિંગનો આખો વ્યવસાય આના પર ચાલે છે. સેકન્ડહૅન્ડ કાર અનેક મધ્યમવર્ગીઓનાં સપનાં પૂરાં કરવામાં નિમિત્ત બને છે. લોકોના અભિપ્રાયને આધારે ઘડેલું આપણું તારણ અનુભવે ખોટું પણ સાબિત થઈ શકે. ગણપત પટેલ ‘સૌમ્ય’ આવો અનુભવ આપણી સાથે વહેંચે છે.

લોકમાં જેના વિશે શંકા હતી

સૌમ્ય માણસ નીકળ્યો એ કામનો


શંકા જેટલી માણસજાત પર થાય છે એટલો જ ભોગ ઈશ્વરનો પણ લેવાય છે. નિરાકાર ઈશ્વરને આપણી આંખો અનુભવી શકે એટલે કેટલાંયે રૂપ આપણે એને ધયાર઼્. બ્રહ્માંડમાં વ્યાપ્ત્ા શૂન્ય જ બધાનું મૂળભૂત સર્જક છે એવું વિદ્વાનો કહે છે. માણસની અંદર ભગવાન હોય છે, પણ તે ઓળખાતો નથી. શૂન્ય પાલનપુરી આ માન્યતાને પડકાર ફેંકે છે.

હો શંકા તો લાવો છબી ને મિલાવો

સ્વયં શૂન્ય રૂપે ખુદા રૂ-બ-રૂ છે

ભીતર રહેલો ભગવાન શંકાના આવરણ તળે ઢંકાઈ ગયો છે. એટલી હદે કે આપણે તેના અસ્તિત્વ વિશે સવાલો પૂછવા પડે. સાબિતીઓ માગવી પડે. ખુલાસાઓ શોધવા પડે. ગૌરાંગ ઠાકર પણ આવી માગણી કરે છે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર

તારા વિશે તું વાત વિગતવાર કરી દે


ક્યા બાત હૈ!સૂર્યના ઢળવા વિશે શંકા ન કર

દીપ ઝળહળવા વિશે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી

આપણા મળવા વિશે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી

નીર ખળભળવા વિશે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ

હિમ ઓગળવા વિશે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર

નાદ સાંભળવા વિશે શંકા ન કર

- ઉર્વીશ વસાવડા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK