મેરે સવાલોં કા જવાબ દો

Published: 8th December, 2012 09:13 IST

જિંદગી એક પ્રશ્નોપનિષદ છે, જેના ઉત્તર મેળવવા માટે માણસ ફાંફાં મારતો હોય છે. સરળ લાગતા સવાલોના ઉત્તર ક્યારેક હંફાવી દે છે અને અઘરા સવાલો તો નમાવવા તૈયાર જ હોય છે.

(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

કન્યા રાશિ પરથી બાબા કે બેબીનું નામ પાડવાનું આવે એટલે દિવસો સુધી મથવું પડે. સ્કૂલમાં ભણી ગયા હોઈએ અને ૮૦ ટકા મેળવ્યા પણ હોય છતાં ચાલીસમે વરસે ગણિતના એકાદ-બે કૂટપ્રશ્ન આવે તો ઉત્તર આપતાં પહેલાં પત્ની પાસે ચા મુકાવવી પડે. સુધીર પટેલ આપણને પરીક્ષાની બેન્ચ પર બેસાડી દે છે.

બહુ અઘરું છે એની આ પરીક્ષા પાસ કરવાનું
અહીં આડો કે અવળો કોઈ પણ ઉત્તર નહીં ચાલે


પરીક્ષા રૂપ બદલીને પ્રગટ થતી હોય છે. અભ્યાસક્રમની બહારનો કોઈ સવાલ આવે ત્યારે વિદ્યાર્થી મૂંઝાઈ જાય એમ આપણે ન કલ્પેલી સ્થિતિ આવતાં મૂંઝાઈ જઈએ છીએ. આસપાસના લોકોની મદદથી પણ એનો ઉત્તર મેળવવો અશક્ય બને એટલે આપણે જઈએ ઈશ્વરને શરણે. ઈશ્વર કંઈ આપણને ગમતા જવાબ આપવા બંધાયેલો નથી. કર્મનાં બંધનો સૌને લાગુ પડે છે. કદાચ એટલે જ શયદાસાહેબે આ શેર લખ્યો હશે:

દયા મેં દેવની માગી, તો ઉત્તર એ મળ્યો ત્યાંથી
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે


શિખરે પહોંચવું એ આપણું ધ્યેય હોય છે, પણ ત્યાં પહોંચ્યા પછી શું કરવું એ પ્રશ્ન હોય છે. પરમ તત્વને અલગ-અલગ સ્વરૂપે પામવાની મંછા રાખતા માણસ અને પૈસાને પરમેશ્વર માનતા માણસ વચ્ચે ફેર હોય છે. નામ, પ્રતિષ્ઠા, સિદ્ધિ માટેની દોડધામ ચાલ્યા કરે છે. બહારનો મેકઅપ કરવામાં ભીતર ઢંકાઈ જાય છે. અમુક શાશ્વત સવાલો તો યુગોથી હિમાલયની જેમ અડીખમ ઊભા છે. સુરતના શાયર પ્રમોદ અહિરે મૂળભૂત પ્રશ્ન છેડે છે.

સિદ્ધિ તને મળી ગઈ ઈશ્વર મળ્યો કે નહીં?
તું કોણ છે આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહીં?


પ્રશ્ન સનાતન છે, ઉત્તર જુદા-જુદા છે. શુક્રાચાર્યે યયાતિને શાપ આપ્યો કે તું જરાગ્રસ્ત થા. યયાતિએ અથાગ વિનવણીઓ કરી ત્યારે શુક્રાચાર્યે કૂણા પડી તેને કહ્યું કે જો તારી વૃદ્ધાવસ્થા તારા પુત્રને આપીશ તો જ તું તરુણ થઈ શકીશ. યયાતિના સૌથી નાના પુત્ર પુરુ સિવાય કોઈએ વૃદ્વાવસ્થા લેવાની ના પાડી. આમ પુરુના તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે વિષયસુખ ભોગવ્યું. યયાતિના અભિગમને મુકુલ ચોકસી શેરમાં લાવી એને વિસ્તાર આપે છે

પૂછ્યું મેં કોણ છે? ઉત્તર મળ્યો યયાતિ છે
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે


યયાતિ જેવી અભીપ્સાઓ સાથે જિંદગી જિવાઈ રહી છે. રસની લ્હાયમાં સરસ ચૂકી જવાય છે. પ્રશ્નોમાંથી પસાર થવાની મથામણ કરી ઉત્તર સુધી યાત્રા કરવાનો સમય માનવીઓ પાસે રહ્યો નથી. ઇન્સ્ટન્ટ કૉફીની જેમ ઇન્સ્ટન્ટ ઉત્તરો મળી રહે એવું બનતું નથી. એક જ સવાલના લાખ ઉત્તરો હોય ત્યારે પસંદગીમાં અટવાઈ જવાય છે. ગૂગલ સર્ચ કરો અને અઢળક ઑપ્શન સ્ક્રીન પર ઊભરાતા રહે. વધારે પડતા પ્રશ્નોની જેમ વધારે પડતા પર્યાયો પણ મૂંઝવણનું કારણ બની શકે. પ્રવીણ શાહ આવી જ એક મૂંઝવણ પ્રગટ કરે છે

ક્યાં છે અલ્લાહ, ક્યાં છે ઈશ્વર ઉત્તર કોને સમજાયા છે?


ઈશ્વરની ઓળખ મેળવવાનો ઉપક્રમ જન્મોજન્મથી ચાલતો આવે છે. દરેક ધર્મ પાસે જુદાં-જુદાં અર્થઘટન છે. કોઈ મૂર્તિમાં માને છે તો કોઈ નિગુર્ણ નિરાકારમાં. મૂર્તિમાં પણ આપણે એટલા બધા આકારો ઊભા કર્યા છે કે મૂર્તિઓ સ્વયં વિસ્મિત અવસ્થામાં ઊભી હોય એવું લાગ્યા કરે. ઈશ્વર વિશેનો સવાલ રહસ્યમય છે. રાઝ નવસારવીનો શેર ઉત્તર મળ્યાની મૂંઝવણ પ્રગટ કરે છે

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે
કિન્તુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા


એક સવાલના અનેક જવાબ હોય ત્યારે કયો સાચો એની પસંદગી કરવી મુશ્કેલ બને. ભૌતિક જિંદગી અનેક પ્રશ્નોનો છપ્પનભોગ લઈને ઊભી હોય છે. કે. લાલની જેમ ગમે ત્યાંથી ગમે એ ઊભું કરવાની શક્યતા ધરાવતી જિંદગી ગમે ત્યારે પ્રશ્નોની મશીનગન શરૂ કરી દે. માંડ હજી દીકરીનાં લગ્નનો પ્રશ્ન છેક તેનાં બત્રીસમે વરસે ઉકેલાયો હોય ત્યાં બે જ વર્ષમાં છૂટાછેડાની નોબત ઊભી થાય! કાશ્મીર ફરવા જવા ભેગા કરેલા પૈસા માંદગીમાં ખર્ચાઈ જાય! ઘરનું બહાનું આપી દીધું હોય ને સામેવાળી પાર્ટી ફરી જાય! રોજિંદી ઘટમાળમાં આવા તો અનેક સવાલો અનેક પરિવારોમાં ઊપસતા હોય છે. વજેસિંહ પારગી વિમાસણનો શેર આપે છે

એક ઉત્તર શોધતાં થાકી જઉં ત્યાં
જિંદગી ઊભો નવો સવાલ કરે


ચાલો, આપણે ભેગા મળી એવી કોઈ કલ્પના કરીએ કે અશોક જાની આનંદ કહે છે એવી પરિસ્થિતિ ઊભી થાય

ચોતરફથી ઉત્તરો પડઘાય છે
પણ હવે લ્યો પ્રશ્ન જેવું કંઈ નથીક્યા બાત હૈ
કોણ પૃથ્વીથી પ્રૌઢ? કોણ અણુથી પણ નાનો?

કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો?

કોઈ ઇન્દુથી વિમળ? કોણ મદિરાથી માતો?

વળી કવણ તેજ તરણી થકી? કોણ શર્કરાથી ગળી?

કવિ શામળ કહે ઉત્તર લખો, તો તો પહોંચે મન રળી.

કવણ તરણથી તુચ્છ? કવણ મણિથી મોંઘો?

સ્વર્ગથી શોભે કવણ? કવણ કુશકાથી સોંઘો?

કવણ બરાસથી બહેક? કવણ કાજળથી કાળો?

કવણ લોહથી કઠણ? કવણ બાળકથી બાળો?

વળી કવણ વીંછીથી વેદના? કવણ સર્વથી છે ગળી?

શામળ મેલું શું મેશથી? કહો તો પહોંચે મન રળી

- શામળ ભટ્ટ

(કવણ = કોણ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK