બારણે તોરણ પ્રતીક્ષાનું

Published: 1st December, 2012 08:25 IST

બારણું ઘરનું પ્રવેશદ્વાર છે. ઘરની ભીતરની નિરાંત અને બહારની ચહલપહલનું સાક્ષી બનીને ઊભું હોય છે. આમ જોઈએ તો બારણાનું મોઢું બહારની બાજુએ હોય અને પીઠ ઘરની અંદર.
(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)


જોકે આ પીઠ ઉપર પણ આંખો હોય છે. એ ખાલી પટપટાવતું નથી એટલું જ. આદિલ મન્સૂરીના શેરથી મહેફિલનો આગાઝ કરીએ.


બારી હતી, દીવાલ હતી, બારણું હતું

શેરી હતી, મકાન હતું, આંગણું હતું

મારું હતું, તમારું હતું, આપણું હતું

ખખડી રહ્યું એ સૌનું અધૂરાપણું હતું


ઘરની બારી વાતાવરણ સાથે જોડે છે, તો બારણું બહારના વિશ્વ સાથે. દીવાલ સાથે બારણાની કોઈ હરીફાઈ નથી છતાં દીવાલને ઈષ્ર્યા જરૂર થતી હશે. ઉઘાડબંધ થવાનું નસીબ બારણાને મળ્યું છે. સવારે સ્કૂલે જતા નાનકડા પપ્પુને આવજો કહેતું બારણું સાંજે થાકીને આવેલા પપ્પાને વેલકમ કરે છે ત્યારે અનુસંધાન સર્જાતું હોય છે. હવે તો ટહુકાઓવાળી ડોરબેલ આવી ગઈ છે. પહેલાંના સમયમાં સાંકળ કે આગળો ખખડાવવાનો રિવાજ હતો. બારણા પરના નાના ઘા-ઘસરકા ઓછા થઈ ગયા, પણ એને કારણે ટકોરા ચાલી ગયા. કદાચ બારણાને પણ આની ઓછપ કનડતી હશે. અશોક જાની આનંદનો શેર છે.

જો પ્રતીક્ષા બારીએ ડોકાય છે

પણ ઉદાસી બંધ રાખે બારણું

બારણા પર લાગેલું ગોદરેજનું સારા માઇલનું લૉક પણ ઉદાસીને આવતાં અટકાવી શકતું નથી. તિરાડોમાંથી સરકવાની આદત જેટલી ઉદાસીને હોય છે એટલી સહજતાથી ખુશી પ્રવેશી શકતી નથી. બારણાની નીચેથી સરકતું છાપું ઘરમાં આવે ત્યારે ખરી સવાર પડતી હોય છે. બારણે લટકાવેલી થેલીમાં અમૂલ દૂધની થેલી મુકાય પછી મસાલેદાર ચા સંપન્ન થતી હોય છે. બારણે ચીટકાડેલા લાભ-શુભના સ્ટિકર આપણી શુભમાં શ્રદ્ધાને ટકાવી રાખે છે છતાં એકલતાએ કનડવાનું નક્કી કર્યું જ હોય, તો અનિલ ચાવડા કહે છે એવું કોઈ નિરાકરણ લાવવું પડે.

ભાઈ ખાલીપા! હજીયે કોઈ પણ આવ્યું નહીં

તું જ ઘરની બહાર જઈને બારણું ખખડાવને


કોઈ આવવાનું ન જ હોય ત્યારે મનના સમાધાન ખાતર આપણે જ બહાર જઈએ, ડોરબેલ મારીએ અને બારણું ખોલી આપણું જ સ્વાગત કરીએ તો કેવું! જો આવું કરવું પડે તો ખરેખર એ પીડાદાયક પરિસ્થિતિ ગણાય. પ્રિયજનના આવવાનો હરખ બારણાને ઘણી વાર વ્યવહારુ કરી મૂકે છે. એ સમયે યામિની ગૌરાંગ વ્યાસ પૂછે છે એવા પ્રશ્ન પણ ઉદ્ભવે.

ધારણા સાચી પડી, આજે તમારું આગમન!

બારણામાં તોરણો લીલાં બનેલાં ક્યાં મળે?


તોરણ બારણાનો શણગાર છે. લીલા આસોપાલવનું તોરણ બારણાને ઘડીભર વૃક્ષ બનાવી દે છે. બારણું જડ હોય, પણ જડભરત નથી હોતું. •તુ પ્રમાણે સંકોચાઈ કે વિસ્તરી એ પોતાનું ધબકવું પુરવાર કરતું હોય છે. એને એનો પૂર્વજન્મ યાદ રહેતો હોત તો કદાચ ગૌરાંગ ઠાકરના શેરની જેમ વધાવી લેત.

ઝાડ પહેલાં મૂળથી છેદાય છે

એ પછીથી બારણું થઈ જાય છે


પંખીના માળાને સાચવતા વૃક્ષનું રૂપાંતર બારણામાં થાય ત્યારે આપણને સલામતી મળતી હોય છે. આપણા ગણતરીબાજ મનને ભલે આવી કંઈ પડી જ ન હોય, પણ ખુદ બારણાને આ વાતનો અફસોસ જરૂર થતો હશે. વિશેષ કરીને પંખીના ટહુકાને બદલે જ્યારે પતિ-પત્નીના નિતાંત ઝઘડાઓ ઝીલવાના હોય. ગુસ્સામાં બારણું પછાડવાની આદત એ ખરેખર હિંસાનો જ એક પ્રકાર છે. બારણાને જો વાચા ફૂટે તો પછડાવાની વેદનાને વ્યક્ત કરી શકે. ભગવતીકુમાર શર્મા કહે છે એમ બારી જેટલું ખુશકિસ્મત બારણું નથી હોતું.

બારીની જળમાં થઈ કાયાપલટ

બારણું ડૂસકાં ભરે વરસાદમાં

બારીને વાછટ કે વરસાદ ઝીલવાનો યોગ પ્રાપ્ત થાય છે, જ્યારે બારણું બહુ બહુ તો ભેજ ગ્રહણ કરી શકે. બારણાને કોઈ દિવસ મન થતું હશે કે એકાદ અઠવાડિયું એક્સચેન્જ ઑફરની કોઈ સ્કીમમાં હું બારી બની જાઉં અને

ગાર્ડન-ફેસિંગ જિંદગીને મોજથી માણું! ઇચ્છાઓ મોટા ભાગે સપનું બનીને રહી જતી હોય છે. સામે પક્ષે બારીને પણ અફસોસ થતો હશે કે મને આવજો કરવાવાળું કોઈ નથી. નીતિન વડગામાનો શેર જોઈએ.

કોઈ આવીને ઊભું છે આંગણામાં

થાય છે મારું રૂપાંતર બારણામાં


બારણાને ભેદીને કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશી શકે કે બહાર જઈ શકે, પણ કેટલીક હકીકતો એવી છે જેનાથી બારણું પણ હતપ્રભ બની જાય છે. તાજા જન્મેલા શિશુનો પ્રવેશ જે બારણાએ જોયો હોય એણે ઘરના વડીલની અરથી જોવાની હિંમત પણ રાખવી પડે છે. એ તૂટી જાય એ ન ચાલે. બારણાએ સહજતાથી બધું સ્વીકારવાનું હોય છે. હરેશ તથાગત કહે છે એવી ખેલદિલી દાખવવાની હોય છે.

મૃત્યુ મારામાં પ્રવેશે, નીકળે

હું હવે છું સાવ ખુલ્લું બારણુંક્યા બાત હૈ

શોધ

આ મારું ઘર એમાં ઘણી હતી

અવરજવર, દોડધામ.ધીરે ધીરે ધીરે

બધાં અદૃશ્ય. ઘર વચોવચ

હું સાવ એકલી.

આ ઘર

મેં બારીકાઈથી

ક્યારેય જોયું નહોતું

હવે

મને દેખાઈ એની

ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.

દીવાલનો રંગ

આટલો મેલો હતો પહેલાં?

અને

દેખાતી ઝીણી ઝીણી તિરાડો

ત્યાં હતી ખરી?

આ ઓરડાને

બારીબારણાં હતાં?

હું અંદર આવેલી

એ બારણું ક્યાં છે?

- પન્ના નાયક

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK