Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિસ્તરેલી વારતા પૂરી થઈ

વિસ્તરેલી વારતા પૂરી થઈ

29 September, 2019 12:09 PM IST | મુંબઈ
અર્ઝ કિયા હૈ- હિતેન આનંદપરા

વિસ્તરેલી વારતા પૂરી થઈ

વિસ્તરેલી વારતા પૂરી થઈ


જે શરૂ થાય છે એ પૂરું થવાનું. આરંભને અંત હોય અને અંત પછી આરંભ હોય. સંશોધકો કહે છે કે સરાસરી સાત સેકન્ડે આપણે નવા જ હોઈએ છીએ, કારણ કે શરીરની અંદર કોષો મરે છે અને નવા જન્મે છે. સૃષ્ટિમાં એક ઋતુ પૂરી થાય અને બીજી શરૂ થાય. હિમાચલના કિન્નૌર-સ્પીત‌િ વિસ્તારમાં જીપમાં પ્રવાસ કરતા હો ત્યારે વેરાન પૂરું થઈને હરિયાળી ક્યારે શરૂ થઈ જાય એની ખબર જ ન પડે. પૂરું થવું એ પૂર્ણવિરામ છે, પણ નવા આરંભ માટેનું. ‘મરીઝ’ જીવનની લીલાને આલેખે છે...
ગઈ કાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઈ રહ્યું છે મને કંઈ ખબર નથી!
આવાગમન છે બન્ને જગતમાં સતત ‘મરીઝ’
પૂરી જે થાય એવી જીવનની સફર નથી
જીવનની સફર અનેક મકામો સર કરતી હોય છે. ચાર અવસ્થા તો ખરી જ. એ ઉપરાંત સફળતા-નિષ્ફળતા, સંતોષ-ઉદ્વેગ, આનંદ-હતાશા એમ વિવિધ ઉતારચડાવ ચાલતા રહે. પ્રત્યેક દિવસ નવોનક્કોર હોય. સૂરજ યુગોથી પ્રકાશે છે, પણ સવાર હંમેશાં તાજગીસભર અને અનોખી લાગે. મલ્ટિપ્લેક્સમાં એકની એક ફિલ્મ પચીસ વાર જોવા જાઓ પછી કંટાળો આવે. દરિયાને તમે રોજ જોવા જાઓ તોય એ અબખે ન પડે. એનાં મોજાંઓમાં એક લયબદ્ધ રવાની હોય છે, જેની પુનરુક્તિમાં પણ પ્રેરણા સમાયેલી હોય. આ બધું ન‌ીરખવા-પારખવા માટે દૃષ્ટિ જોઈએ જે ભાગદોડની જિંદગીમાં ઝંખવાણી પડી ગઈ છે. સૂફી પરમાર પરમ ચૈતન્યના મૂળભૂત તત્ત્વ તરફ આંગળી ચીંધે છે...
પહાડો જંગલો દરિયા, સરોવર વાદળો રણમાં
નઝારા જ્યાં મેં જોયા ત્યાં, કરી છે આરતી તારી
પૂજારી કે નમાજીનાં દિલોમાં પ્રેમ પેદા કર
કે ધર્મોમાં પૂરી થઈ જાય, જ્યાં જ્યાં છે કમી તારી
કોઈ ધર્મ પૂર્ણ નથી. પ્રત્યેકમાં સારાં-નરસાં પાસાં હોવાનાં. કેટલીક વાર ખોટાં, મનફાવતાં, આપખુદી અર્થઘટનો ધર્મના મૂળને જ હચમચાવી નાખે. ધર્મ પણ સ્થળ-કાળ પ્રમાણે પરિવર્તન આત્મસાત કરે છે. જો આવું ન થાય તો એ સ્થગિત થઈ જાય. સરહદો ધર્મની હોય કે દેશની, અંતે તો એનું કામ છૂટા પાડવાનું જ છે. પાલનકર્તાઓ અને શાસકોની કાર્યવાહી અને કાર્યશૈલી પર એ અળખામણી બને છે કે આવકાર્ય બને છે. મનોજ ખંડેરિયા સરહદ પારની રમ્ય કલ્પના કરે છે...
ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?
એવું છે ભેળાણ કે ના હદ મળે
શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-
બસ પછી-બસ એમની સરહદ મળે
આપણા દેશમાં તો સરહદ પાકિસ્તાનને કારણે કાયમ સળગતી જ રહી છે. બિચારીને રાતેય સૂવા નથી મળતું. ઍરપોર્ટ પાસે રહેતા લોકોને જેમ વિમાનના અવાજ વગર ઊંઘ ન આવે એમ સરહદને સીઝફાયરના ઉલ્લંઘન વગર ઝોકું ન આવે. અહીંનાં વૃક્ષોને પણ મનમાં રંજ થતો હશે કે અહીં ક્યાં ઊગ્યાં? આના કરતાં તો રણપ્રદેશમાં બાવળ કે ઝાડીઝાંખરારૂપે જન્મ્યા હોત તો સુખી હોત. વહાલ વરસાવવા જેનું અસ્તિત્વ નિર્માયું છે એવા વૃક્ષને રોજ વેરઝેરનાં વાવેતર જોવાં પડે. કુદરતના અપ્રતિમ સૌંદર્યથી સભર વાદીઓમાં આતંકવાદીઓના ગોળીબારથી માત્ર ટાર્ગેટ જ નથી વીંધાતા, કુદરતનું મૌન પણ વીંધાય છે. પાંદડાની મર્મરમાં પણ મોતનો સાદ સંભળાતો થઈ જાય. આપણા જવાનો પોતાના વતનથી દૂર, વતનની રક્ષા કાજે એક ઓથારમાં જ સતત જીવતા હોય. ગની દહીંવાલાના શેરમાં આવી પરિસ્થિતિ પામી શકાય છે...
લે કાળ! તને સંતોષ થશે, હું તારે ઇશારે ચાલું છું
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું
જીવનની ગતિ તલવારની ધારે ચાલવાની જ હોય છે. નટ બજાણિયાની જેમ સંતુલન રાખતાં શીખવું પડે, નહીં તો ક્યારેક અટકી જવાય ને ક્યારેક બટકી જવાય. આશા જરૂર રાખવી, પણ ખોટી આશાઓથી પ્રતીક્ષાને ઉઝરડા પડે. વાસ્તવિકતા વિપરીત હોય ત્યારે સપનાં આપણને ધબકતાં રાખે છે. સપનાંની માયાવી સૃષ્ટિમાં આપણા હાથમાં કંઈ આવતું નથી, પણ આપણી આંખો સભર થઈ જાય છે. બરકત વીરાણી ‘બેફામ’ વેદનાને વાચા આપે છે...
દુઃખો છે આ, દુઃખોના તે વળી દેખાવ શા કરવા?
નયનમાં આંસુ આવ્યાં કે તરત એને લૂછી નાખ્યાં
હતી એવી અછત જીવન મહીં કે એ પૂરી કરવા
મહામૂલાં હતાં જે સ્વપ્ન, એ પણ વાપરી નાખ્યાં
અછતને પૂરી કરવાની લડાઈ સતત ચાલતી રહેવાની. પ્રારંભિક ટંચાઈની અવસ્થા પાર કરો પછી જે મળ્યું છે એને ટકાવવાની મથામણ કરવી પડે. ભવિષ્યની અછતને ટાળવા માટે આર્થિક આયોજન કરવું પડે. વિશ્વ જ્યારે કારમી મંદીમાં સપડાયું હતું ત્યારે આપણો દેશ બચત કરવાની આદતને કારણે બચી ગયો. અત્યારે પણ થોડા અરસાથી મંદીએ માથું ઊંચક્યું છે. સરકારે કૉર્પોરેટ ટૅક્સમાં કલ્પનાતીત ઘટાડો આપીને એને પૂરી કરવાનું એક મહત્ત્વનું કદમ ઉઠાવ્યું છે. શ્રેણીબદ્ધ પગલાંઓથી જો આ મંદીની પાર ઊતરી જવાય તો આગળની સફર આમ આદમી માટે રાહત બની રહેશે. આર્થિક સવાલ-જવાબની આંટીઘૂંટી કદાચ આપણને એટલી ન સમજાય, પણ રંજ એ છે કે સંવેદનાની આંટીઘૂંટી સમજવામાં પણ આપણને શ્રમ પડે છે. હિમલ પંડ્યા ફરમાન કરે છે...
જોઈએ, ખોટ કોણે ખાધી છે?
લાગણીનો હિસાબ લઈ આવો
વાત મેં તો પૂરી કરી લીધી
એમનો પણ જવાબ લઈ આવો
એટીએમ મશીનમાંથી આપણે પરોવેલા કાર્ડના પ્રત્યુત્તરરૂપે મનવાંછિત રણઝણતી નોટો બહાર પડે એટલી સરળતાથી જિંદગીમાં જવાબો બહાર પડતા નથી. કોઈ તપસ્વી વર્ષો સુધી સાધના કરતો હોય અને તેને મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળે એમ પેચીદા પ્રશ્નોના ઉકેલ માટે રાહ જોવી પડે. અખબારમાં નવા વૈભવશાળી ફ્લૅટ ધરાવતા મકાનની ફુલ પેજ જાહેરાત જોઈને આપણું મન બને છે, ઘર નથી બનતું. એકાદ દસકાનું પ્લાનિંગ હોય ત્યારે એ દિશામાં આગળ વધાય. ઈશ્વર પણ મક્કમ નિર્ધારને આવકારે છે. એક દિશામાં ગતિ કરીએ પછી રસ્તા આપોઆપ ખૂલતા જણાશે. લક્ષ્ય તરફનો પ્રવાસ આદર્યા પછી ઉતાવળમાં હથિયાર હેઠાં મૂકીએ તો નુકસાન આપણને જ જવાનું. ખલીલ ધનતેજવી સ્વજનના સંદર્ભમાં આ વાત કરે છે...
સાવ ઓચિંતું સભા છોડી કોઈ ચાલ્યું ગયું
કોઈ ના પૂરી શકે, એવી જગા ખાલી પડી
છેવટે એક ચપટી અજવાળુંય ના પામી શક્યો
ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી
સ્વજન સાથેનો સંબંધ પૂરો કરવામાં મૃત્યુ નિમિત્ત બનતું હોય છે. છતાં એક અંતરંગ છાપ અંતિમ શ્વાસ સુધી સચવાયેલી રહે. નિરાકાર સ્વરૂપની પણ એક આખી અલગ દુનિયા છે. એમાં પ્રત્યક્ષ દેખાય નહીં છતાં પણ એની સાર્થકતા વિશે શંકા થાય નહીં. જલન માતરીના શેર સાથે મહેફિલ પૂરી કરીએ...
પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી
મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી
ભૂલી શક્યા ના તેઓ જલન આજીવન મને
મારા કવનની જેના હૃદય પર અસર પડી
ક્યા બાત હૈ
કોરા કાગળમાં વહેલી વારતા પૂરી થઈ
આખરે લ્યો, નહિ લખેલી વારતા પૂરી થઈ

લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ



તોપના રસ્તા બધાએ મઘમઘી ઊઠશે હવે
રાજકુંવરીએ કહેલી વારતા પૂરી થઈ


દોસ્ત, દસ માથાં હવે છાતી ઉપર ઊભાં રહ્યાં
સ્નેહને શરણે થયેલી વારતા પૂરી થઈ

એક પ્રકરણ છાતીમાં અટકી ગયું છે, શું કરું?
જાત સોંસરવી ગયેલી વારતા પૂરી થઈ
- હરદ્વાર ગોસ્વામી


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 12:09 PM IST | મુંબઈ | અર્ઝ કિયા હૈ- હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK