Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાત જોતરનાર સાધક હોય છે

જાત જોતરનાર સાધક હોય છે

14 July, 2019 01:29 PM IST | મુંબઈ
‌હિતેન આનંદપરા

જાત જોતરનાર સાધક હોય છે

જાત જોતરનાર સાધક હોય છે


અર્ઝ ‌કિયા હૈ

કોઈ પણ કામ હોય, જાત ઉમેરો નહીં ત્યાં સુધી બરકત આવતી નથી. આંશિક અને આડેધડ પુરુષાર્થ મનવાંછિત પરિણામથી બે વેંત છેટો રહી જાય. પ્રત્યેક પુરુષાર્થ સફળતામાં જ પરિણમે એવું નથી હોતું. જિંદગી મૅરથૉન રેસ જેવી છે. અડધેથી છોડી દેનાર મંઝિલ સુધી પહોંચતો નથી. ગૌરાંગ ઠાકરના શેરથી આશાને આવકાર આપીએ...



આ ઝરણ એમ જ નદી બનતાં નથી
દોસ્ત પાણીનેય પરસેવો પડે
કંઈક તો સારું બધામાં હોય છે
લીમડાનો છાંયો ના કડવો પડે
દરેક માણસમાં સારી અને નરસી બાજુ હોય. ગુલાબ હોય ત્યાં કાંટા પણ હોવાના. આપણે બીજાની ખામી શોધવામાં એટલા ગૂંચવાઈ જઈએ છીએ કે ખૂબીને નજરઅંદાજ કરતા રહીએ. આ સૃષ્ટિમાં એક નાનકડી કીડી પણ મહત્ત્વની કડી છે. દરેક જીવ પોતાના સત્ત્વ-રજસ-તમસ લઈને આવ્યો છે. સત્ત્વ સુધી જવાની પ્રક્રિયા લાંબી છે. સત્ય કેટલીક વાર તો અંતિમ શ્વાસોમાં જ દૃષ્ટિગોચર થતું હોય છે. રઈશ મનીઆર જીવન પ્રત્યેનો સાચો અભિગમ શું હોવો જોઈએ એ દર્શાવે છે...
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનંદ ઉચ્ચ લાગે, પીડા મજાની લાગે
પોણાછ ફુટની કાયા નહીંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગ્યાની લાગે
સરકારનું સ્વચ્છતા અભિયાન ધાર્યા કરતાં વધારે સફળતા પામ્યું. સૅનિટેશન સુવિધા તો ૧૦૦ ટકાને ટચ કરવામાં જ છે. કચરાની સાફસફાઈ સાથે હવે કરતૂતી અમલદારો-અધિકારીઓની સાફસફાઈ પણ શરૂ થઈ છે. કેન્દ્ર સરકારના ૩૧૨ બેદરકાર કર્મચારીને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવ્યા. ભ્રષ્ટ અધિકારીઓની સફાઈ શરૂ થઈ છે. આ પ્રકારનું સ્વચ્છતા અભિયાન જો પ્રત્યેક રાજ્ય સરકાર લાગુ કરે તો ખરા અર્થમાં ન્યુ ઇન્ડિયા તરફની ગતિમાં એક નક્કર પગલું ઉમેરાશે. નામ કમાવા માટે પહેલાં નામ બનાવવું પડે. દક્ષેશ કૉન્ટ્રૅક્ટર ચાતકનો શેર આપણે નાગરિકોએ પણ સમજવા જેવો છે...
નોંધ લેવી કે ન લેવી એ જગત નક્કી કરે
આમ તો અખબાર થઈ જીવી જવાતું હોય છે
સર્પ જે રીતે ઉતારે કાંચળી એ રીતથી
આ સમયથી બેફિકર સરકી જવાતું હોય છે
બેફિકર થઈને જીવવું બધાના નસીબમાં નથી હોતું. ઘર ચલાવવાનું હોય, કામધંધો સાચવવાનો હોય, પરિવારની જવાબદારીઓ નિભાવવાની હોય. એ પછી સમય ચોરીને પોતાની જાતને પણ હેલો કરવાનું હોય. ‘હું’ની બાદબાકી આવકાર્ય છે, ‘સ્વ’ની બાદબાકી નહીં. આપણે જવાનું હોય છે સ્વ તરફ, પણ આપણી ગાડી હું નામના સ્ટેશને એવી અટકે કે આગળ વધવાનું નામ જ નથી લેતી. ધૂની માંડલિયા ખોટી માન્યતા તરફ નિર્દેશ કરે છે...
હું જ મારા ભારથી થાકી ગયો
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો
થોભવાનો થાક વસમો હોય છે
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો
પોતપોતાનો ભાર વેંઢારીને આપણે ટકવાનું હોય છે. પરિસ્થિતિને આધીન હોય તો જુદી વાત છે, અન્યથા ઘણી વાર આ ભાર આપણા અકોણા સ્વભાવને કારણે નિર્માણ થાય છે. વિરોધ પક્ષ વિરોધ કરવા ખાતર વિરોધ કર્યા જ કરે તો એ વિરોધ અવરોધ બનીને રહી જાય. સરવાળે સમાજ અને દેશને નુકશાન થાય. લોકસભા અને રાજ્યસભા જ્યારે પક્ષાપક્ષીથી ઉપર આવશે ત્યારે તેમનાં વિરાટ ભવનો સંવેદનાપૂર્ણ અને અર્થપૂર્ણ બનશે. સંવાદને બદલે આક્ષેપ અને ચર્ચાને બદલે ચૂંથણાં થતાં રહે તો એમાં સમય અને સાર્થકતા બન્નેને પક્ષાઘાત થાય. શાયર અકબર મામદાનીનો શેર સખેદ ઓવૈસી, ગુલામ નબી આઝાદ જેવા અવરોધબાજોને અર્પણ...
કાં લાગણી કે વિરહ, કાં હોય છે વેદના
મેં તો ગઝલમાં મૂકી છે, માત્ર સંવેદના
આજે અહીં આવે કાં પૂછવા ખબર મુજ તણી
તારી કને હોય છે કારણ ઘણાં ખેદનાં
નનૈયાના નારાઓ લગાવી દેશને બચાવવાનો દંભ, ડોળ ને દેખાવ કરતાં બુદ્ધિજીવીઓની એક વિશેષ જમાત દેશમાં વિચરે છે. તેમની ઇન્કલાબી ઇન્ટેલિજન્સમાં ઈસ્ટમેન કલર ઈર્ષાના ઊભરા વર્તાય. તેમના ભાથામાં ભાંગેલાં તીર અને બોચકાયેલી કમાન હોય છતાં વર્તાવ એવો કરે જાણે રાફેલ ઉડાડતા હોય. આવા બુદ્ધિવાદીઓ કરતાં દેશનો આમ નાગરિક વધારે સમજદાર લાગે, જ્યારે તે પોતાનો મત આપીને વાસ્તવિક અર્થમાં મંતવ્ય આપે. કુમાર જૈમિની શાસ્ત્રી સંવેદનશીલતાની હિમાયત કરે છે...
અશ્રુ એ પુરવાર કરતાં હોય છે
આંખમાં સાચી સભરતા હોય છે
કોઈના અનુરોધ પર નિર્ભર નથી
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે
ફૂલો પાસેથી ઘણું શીખવાનું છે. સુગંધ પ્રસરાવી નિયત સમયે ખરી જવાનું. આયુષ્ય ઓછું પણ મઘમઘતું. આંખોને શાતા આપે અને મનને તરબતર કરે. આવાં અસ્તિત્વ કેટલાં? કેટલીક સુવાસ આપણી જિંદગીમાં આવે ખરી, પણ અચાનક એવી ઓસરી જાય કે જિંદગીભર એની શોધમાં રહીએ. આબિદ ભટ્ટ એક એવા ગમતીલા સંબંધની કલ્પના કરે છે...
હોય ત્રીજું ના આપણી વચ્ચે
રોજ એવું સ્મરણ કરી દઈએ
યાદનું વૃક્ષ ફાલતું અંદર
છમ્મલીલું પરણ કરી દઈએ
અહીં ફાલતુંમાં જો અનુસ્વાર ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય અને ફાલતુ અર્થ અભિપ્રેત થાય. ઘણા સંબંધો જિંદગીમાં એવા પણ આવે કે એમની પાસેથી હાય સિવાય કાંઈ પ્રાપ્ત ન થાય. ન પોતે ઠરે ન બીજાને ઠરવા દે. આવી હયાતી વિશે મરીઝ જે ટકોર કરે છે એ કડવી લાગે તો પણ સ્વીકારવી પડશે.
એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં
શાયરો સલાહ પણ સિફતથી આપતા હોય છે. એમાં ઉપદેશ કરતાં હિતની ભાવના વધારે હોય છે. પ્રત્યેક સર્જક એક નાનકડા આગિયાનું કામ કરે છે. પોતાની રીતે પ્રકાશી સમાજમાં અજવાળું પાથરે. ક્યારેક તેમનાં વચનો કટુ લાગે તો પણ એની પાછળનો ભાવ સમજીએ તો ખરી નિસબત સમજાય. મન્સૂર કિસ્મત કુરેશીના શેર સાથે આ સત્યને અનુમોદન આપીએ...
જે હૈયે હોય છે એને ન હોઠે આવવા દઉં છું
મધુર મારા વચનને, તારો તું આદર ન માની લે
જનમ સાથે જ જગને કાજ હું પેગામ લાવ્યો છું
છતાં એ વાત પરથી મુજને પેગમ્બર ન માની લે


આ પણ વાંચો : જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

ક્યા બાત હૈ
રાગ તળે અંધકાર વ્યાપક હોય છે
એટલે સૂરજ અવાચક હોય છે


કાચ જેવું મન અગર તરડાય તો
ચોટ એની પ્રાણઘાતક હોય છે

મેહુલાની આશમાં ને પ્યાસમાં
તૃપ્ત ક્યાં ચોમાસે ચાતક હોય છે

મગ્ન છે ઈશ-ધ્યાનમાં વારાંગના
પાપ પણ ક્યારેક પાવક હોય છે

કાફિયા લય ને ગઝલના છંદમાં
જાત જોતરનાર સાધક હોય છે

રાત-દિન સાથે રહેતા દોસ્ત પણ
ક્યાં કદી સાચા શુભેચ્છક હોય છે?

જાણ પણ આગોતરી ક્યાંથી કરું?
થાય જેકંઈ તે અચાનક હોય છે
- પુષ્પા મહેતા (પારેખ)

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 01:29 PM IST | મુંબઈ | ‌હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK