કથાનો રંગ જુદો છે

Published: Dec 29, 2019, 15:43 IST | Hiten Anandpara | Mumbai

સાંપ્રત રાજકીય પરિસ્થિતિ ઊકળતા પાણીના બદલે ઊકળતા લાવા જેવી થઈ ગઈ અથવા તો બનાવવામાં આવી.

સાંપ્રત રાજકીય પરિસ્થિતિ ઊકળતા પાણીના બદલે ઊકળતા લાવા જેવી થઈ ગઈ અથવા તો બનાવવામાં આવી. નાગરિકતા સુધારા કાયદાની વિરોધમાં વિવિધ રાજ્યોમાં હિંસા ફાટી નીકળી. એનઆરસીનો હજી જન્મ નથી થયો ત્યાં ગર્ભમાં જ એને લાતો મારવામાં આવી. આ બેની ઉપર નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરની જાહેરાત થઈ. આ અપડેટની વિધિને અપસેટ કરવા વિરોધપક્ષ આગડોળે રાહ જોઈને જ બેઠો છે. બીજો કોઈ કામધંધો જાણે હોય જ નહીં એમ વિરોધ જ એમનો આદ્યદેવતા અથવા તો કહો આદ્યદાનવ બની ગયો છે. તેમના હાકોટા-પડકારામાં મૂળ અવાજને ઓળખવો ભારે પડે. મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ જુદાપણાને નિરૂપે છે...

જુદા અર્થ છે શબ્દના બોલવા પર

છે શબ્દોય જુદા અવાજે-અવાજે

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી

છે મૃત્યુય જુદાં જનાજે-જનાજે

ભારતમાં વસ્તીવધારો હંમેશાં નોંધનીય પ્રમાણમાં થાય છે. વર્ષ ૨૦૧૦માં દેશનું હાજરીપત્રક બનાવવાની શરૂઆત યુપીએ સરકાર દ્વારા થઈ. આ એક પ્રકારની નોંધપોથી છે જે નાગરિકો પાસેથી મંગાવેલી વિવિધ વિગતોને આધારે તૈયાર થાય છે. વિવિધ માહિતીનું આકલન અને તારવણી સરકારી યોજનાઓ ઘડવામાં ને એમના અમલમાં સહાયક નીવડે છે.

કુદરતની ઘડામણી ખરેખર વિસ્મયનું વિક્રાંત છે. બે માણસના કદાચ ચહેરા કે નાકનકશા સરખા હોઈ શકે, પણ આંગળીની છાપ તો જુદી જ હોય. સુધીર પટેલ પાસેથી આ વિસ્મયને સમજવાનો પ્રયાસ કરીએ...

અલખ છે અગોચર, તો આ હાજરી કોની છે?

નથી કૈં, કશું ના, સભા તો ભરી કોની છે?

નથી દ્વૈત કોઈ, ન જુદાપણું તો પછી

વિરહ કોનો છે? આંખ પણ ઝરમરી કોની છે?

કુદરતની હાજરી કણકણમાં છે. પ્રત્યેક વૃક્ષનું પોતાનું આગવું અસ્તિત્વ છે. વિરાટકાય હાથીથી માંડીને નાનકડી અમથી કીડી પણ જીવસૃષ્ટિનો મહત્વનો હિસ્સો છે. જેટલું દેખાય એ કરતાં અને જેટલું સમજાય એનાથી વિશેષ આ સચરાચરનો વ્યાપ છે. નસીમ એનું સંધાન શબ્દોમાં કરે છે...

આભાસ કહી શકું ન, કહું દૃષ્ટિભ્રમ ફક્ત

સર્જન છે યા બધુંય, જે સર્જકનો ભાસ છે

દૃશ્યો જુદાં છે, ચિત્ર છે એક જ નિસર્ગનું

કંદિલ છે ભિન્ન રંગની, એક જ ઉજાસ છે

નિસર્ગ એક વિરાટ ચિત્ર છે. બધા જ જીવ પોતપોતાની પીંછી લઈને એમાં પોતાની હયાતી દોરે છે. સમય પ્રમાણે રંગો ફેડ પણ થઈ જાય અને સમય પ્રમાણે નવા ઉમેરાય પણ ખરા. સર્જન-વિસર્જનનું ચક્ર ચાલતું જ રહેવાનું. શાસ્ત્રમાં આખી સૃષ્ટિને માયાવી ગણી છે. શ્વાસની આવનજાવન કોણ મૅનેજ કરે છે અને કેવી રીતે મૅનેજ થાય છે એ ઝટ દઈને સમજાતું નથી. અનુમાન અને અટકળની આગળ પણ એક દુનિયા છે, જેને પામવાનો પ્રયાસ સાધકો કરતા હોય છે. હેમેન શાહ વિશદ અભ્યાસ પછી લાધતું તારણ ધરે છે...

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું

પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઈ શકે

સૃષ્ટિના રહસ્યને સમજવા મુનિઓથી લઈને વૈજ્ઞાનિકો પ્રવૃત્ત રહ્યા છે. અસંખ્યવાદ અને અમર્યાદપણું કુદરતની ફિતરત છે. ધ્યાનપદ્ધતિ પ્રમાણે તો આપણી ભીતર પણ આપણે જુદા હોઈએ એવો અહેસાસ થાય. સાચકબૂલા કર્યા નથી, પણ સીસીટીવી કૅમેરામાં ઘણી વાર એવાં દૃશ્યો ઝડપાયાં છે જેમાં અકસ્માત પામેલા સ્થૂળ શરીરમાંથી જુદું પડતું સૂક્ષ્મ શરીર કૅપ્ચર થઈ ગયું હોય. ગૌરાંગ ઠાકર આ પરમ તત્વનાં દર્શનની ખેવના કરે છે...

અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ

હૃદયમાં કોઈને રાખી અમારાથી જુદા પડીએ

આ ભરતી ઓટ જોયાં પણ હવે કરનાર જોવો છે

અમારો જીવ જળમાં છે શું દરિયાથી જુદા પડીએ?

પાંદડું વૃક્ષથી છૂટું પડે પછી પોતાનું દૈવત ગુમાવી દે. દરિયામાંથી ખારાશ અલગ તારવીએ ત્યારે આપણને મીઠું પ્રાપ્ત થાય છે. આપણા પડછાયાને આપણાથી જુદો પાડી શકાય નહીં. માતાની પાછળ-પાછળ ચાલતા બચ્ચાને જુદા પડાય નહીં. માથી જુદા પડેલા બાળકમાં પ્રેમનો જે અભાવ નિર્માણ થાય છે એની અસર જીવનપર્યંત વર્તાઈ શકે અને કેટલીયે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સર્જાઈ શકે. વાત જો જીવ અને શિવની દૃષ્ટિએ કરીએ તો શૂન્ય પાલનપુરી અનુદિત  ઉમર ખૈયામની આ રૂબાઈ ઘણું કહી જાય છે...

ઓ પ્રિયે! પરિકરના જેવું આ જીવન છે આપણું

બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું

વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા

કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

જુદા-જુદા સ્તરે શ્વસતી, નભતી, વિકસતી, વિલસતી, વિરમતી જિંદગી અનુભવોની સોનામહોર લઈને આવે છે. એવી જ એક સોનામહોર ડૉ. કિશોર મોદી આપણને આપે છે...

મન કંઈ નથી વિચારના વાઘાનું રાજ છે

કહો ચોતરફ કબીરના ધાગાનું રાજ છે

અભિમાન ને અહમ નથી રાખી દો જુદાપણું

સંઘર્ષનું નહીં અહીં સમતાનું રાજ છે

ક્યા બાત હૈ

ભલે સંદર્ભ જુદો છે, કથાનો રંગ જુદો છે

બધાનો ધર્મ તો એક જ, ધજાનો રંગ જુદો છે

 

નયન વાંચ્યાં હજારો શ્રાવકોનાં મેં, પછી લાગ્યું

કથામાં ઓગળેલી હર વ્યથાનો રંગ જુદો છે

 

મને અવઢવમાં જોઈને દવાખાનું તરત બોલ્યું

દવા તો એ જ છે વહાલા, દવાનો રંગ જુદો છે

 

મરું છું તારા પર પણ દેશ માટે જીવ છે હાજર

છે મનમાં ભાવના સરખી, વફાનો રંગ જુદો છે

 

બધા ભેગા મળીને એક થાળીમાં જમે છે વાહ

‘પ્રશાંત’ આજે હવેલીની હવાનો રંગ જુદો છે

- પ્રશાંત સોમાણી

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK