Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમઃવિકલ્પે વિકલ્પે થતું જીવવાનું

કૉલમઃવિકલ્પે વિકલ્પે થતું જીવવાનું

22 April, 2019 12:38 PM IST |
અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કૉલમઃવિકલ્પે વિકલ્પે થતું જીવવાનું

કૉલમઃવિકલ્પે વિકલ્પે થતું જીવવાનું


દેશભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. શાસક-વિપક્ષ વચ્ચેની તૂ તૂ મેં મેં સભાઓમાં ગાજી રહી છે. આધાર વિનાના આક્ષેપો અને પાયા વિનાની પારાયણો વચ્ચે સત્ય ઘૂંઘટ ઓઢેલી નવોઢાની જેમ ક્યાંક છાને ખૂણે બેઠું છે. જેઓ પોતાના મતક્ષેત્રમાં રસ્તાના ખાડાઓ પણ પુરાવી નથી શકતા એવા લોકો એક્સપ્રેસ વેનાં સપનાં દેખાડે છે.

વચન આપવામાં શું દરિદ્રતા છે એ સૂત્રનો સૌથી વધુ ઉપયોગ રાજકારણીઓને આવડે છે. દેશ પડખું ફરી રહ્યો છે ત્યારે કર્મનિષ્ઠ ઉમેદવારો માતબર માર્જિનથી જીતે અને હથેળીમાં ચાંદ બતાવનારા ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થાય એવી ખ્વાહિશ રાખીએ. પ્રજા તરીકે આપણી જવાબદારી ઉપલબ્ધ ઉમેદવારોમાંથી ઉમદાને ચૂંટવાની છે. પ્રવીણ જાદવ જીત અને હારની ભાવનાને સાંકળે છે...
કેમ સંતાઈ ગયો ઘડિયાળમાં?



શું સમયને કોઈએ લૂંટ્યો હશે?
ભાગ્ય ખુશબોનું હવે ખૂલી ગયું
મોગરાને એમણે ચૂંટ્યો હશે


કાંટા જેવા નેતાઓ ચૂંટાઈને આવે પછી એમની પાસે ખુશબો ન માગી શકાય. કાંટા ઉપર રેશમ લપેટવાથી એ ફૂલ નથી બનતાં. આપણી આંખોએ આ ભેદ પારખતાં શીખવું પડે. જો ન સમજાય તો વિવેક કાણે સહજના આ શેરનો સહજ સ્વીકાર કરવો પડે...

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કોક દી તને સમજાય પણ ખરું


ચૂંટણીના માહોલમાં સત્ય અને તથ્યને મારીમચડીને રજૂ કરવામાં આવે છે. મીડિયામાં પણ પેઇડ પ્રચાર કરાતો હોવાથી દૂધમાં પાણી કેટલું છે એની જ ખબર ન પડે. પાણીમાં દૂધ હોય એવી મહારથ ધરાવનારાઓની મીઠાઈઓ આકર્ષક પૅકેજમાં વેચાતી થઈ જાય. વિચારધારા નહીં તકને તરવેણી માનનારા ક્યારે પલટી મારી દે એ કહેવાય નહીં. હું રાજકારણમાં નહીં આવું એવી શેખી મારનાર હાર્દિક પટેલ કૉન્ગ્રેસમાં પ્રવેશી શકે તો ઠાકોર સમાજના મસીહા તરીકે ઉભરનાર અલ્પેશ ઠાકોર કૉન્ગ્રેસમાં જોડાઈને થોડાક મહિનામાં જ છૂટાછેડા લઈ શકે. સિદ્ધાંતો માટે નહીં, સ્વાર્થ માટે આવાં સમીકરણો સર્જા‍તાં હોય છે. પ્રવીણ શાહનો આ શેર પક્ષપલટુઓનું માનસ છતું કરે છે...

ખરીદવાને ટોળાં જામ્યાં
બારોબાર અમે વેચાયા

વચન આપવા અને પાળવા વચ્ચે મોપેડ અને બાઇક જેટલો, મારુતિ અને મર્સિડીઝ જેટલો, પૅસેન્જર અને શતાબ્દી જેટલો ફરક છે. નેતાઓ વચનો ઊંચાં માઈલાં આપે, પણ વાસ્તવિકતા મંદિરની બહાર પાલવ પાથરીને બેઠી હોય.

નેતાઓની મુત્સદ્દી પણ ગજબની હોય છે. વગર કામ કર્યે ચોપડે નોંધાય એવી સાઠગાંઠ પણ તેઓ સાધી શકે. દેશમાં કેટલાક સાંસદોએ પહેલેથી જ વિકસેલાં ગામોને દત્તક લીધાં, જેથી વિકાસકાર્યો કરવાનું કક્ટ લેવું ન પડે અને પાછી ક્રેડિટ બધી પોતાના ખિસ્સામાં લઈ શકે. ઘરગથ્થુ રમીમાં પણ આપણા જેવો સામાન્ય માણસ જીતી ન શકતો હોય એને આ બધી ગેમ સમજાય નહીં. અલ્પેશ ઠાકોર દોઢ જ વર્ષમાં ઘરમાંથી બંગલે પહોંચી ગયો અને ચાર-ચાર ગાડીનો માલિક થઈ ગયો. આવી કોઈ કપટી આવડત આપણી પાસે નથી. રાજકારણીઓના અઘરા દાવપેચ સુધીર પટેલ સમજાવે છે...

કઠિન આવ-જા છે અંદર,
કૈં ઉતાર-ચડાવ છે અંદર!

જેમ ડૉક્ટર બનવું હોય તો લાખો રૂપિયા જોઈએ એમ નેતા બનવું હોય તો કરોડો રૂપિયા જોઈએ. પૈસાને ખેંચવા માટે પણ પૈસો જોઈએ. મોટા ભાગના નેતાઓની સંપત્તિ કરોડોમાં જ નીકળશે. રાજકારણ એક બિઝનેસ છે, જેમાં સેવાના આવરણની નીચે મેવા ખાવાનો ઉપક્રમ ચાલતો હોય છે. ગુનાહિત રેર્કોડ ધરાવતા માણસને રાજકારણમાં આવી પોતાનાં પાપ ધોવાની તક પ્રાપ્ત થાય છે. હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે એવી હોશિયારી તેમણે કોઈ સ્કૂલ-કૉલેજ કે યુનિવર્સિટીમાં ગયા વિના જ શીખી લીધી હોય છે...

જો આપ કહો એક ચમત્કાર કરી દઉં
આ પાનખરોને હું તડીપાર કરી દઉં
જો ત્યાં સુધી તોફાન શમી જાય સમયનું
બે-ચાર દિલાસાનો આધાર કરી દઉં

ખોટાં આશ્વાસન આપી પ્રજાને શવાસનની સ્થિતિમાં રાખતા નેતાઓ ખાસડાના હકદાર છે. પોતાની રોટલી શેકવા કોઈના ઘરનો ચૂલો હોલવી નાખવો એ પાપ છે. સત્તાનો ઉપયોગ પ્રજાનું અંતર સભર કરવા માટે હોય, નહીં કે પોતાનું ઘર ભરવામાં. સારો શાસક ઉત્તમ શિક્ષક જેટલો જ મહત્વનો છે. આપણને નર્ણિાયક અભિગમ ને દૂરંદેશી ધરાવતો શાસક જોઈએ. વરસો સુધી કાગળ ઉપર જ વૃક્ષ ઉગાડતો શાસક વાસ્તવિકતામાં બીજ પણ વાવી શકતો નથી. વારિજ લુહાર કહે છે એમ ઘણી વાર આપણે કૌંસની અંદર જ ફસાયેલા રહીએ છીએ...

શરત એટલી કે શરત પાળવાની
પછી પણ પછીની ગરજ પાળવાની
વિકલ્પે વિકલ્પે થતું જીવવાનું
નથી ફાવતી આ મમત પાળવાની

રાજકારણમાં સારા લોકોનું આવવું આવકાર્ય છે, પણ ટકવું કઠિન છે. સારપ ટકાવવા માટે પણ દાવપેચ તો ખેલવા જ પડે. ર્કીતન આવડતું હોય તો સામે કવ્વાલી ગાતાં પણ શીખવું પડે. સીધી આંગળીએ ઘી ન નીકળતું હોય તો વાંકી ચાલ અપનાવવી પડે. વિરોધ સામે ટકતાં પણ શીખવું પડે અને અવરોધને ટાળતાં પણ શીખવું પડે. આ ક્ષેત્ર કુરુક્ષેત્રથી કમ નથી. શૈલેન રાવલ જાતને કેળવવાની શીખ આપે છે...

તને જીતવાની શરત આવડી ગઈ
મને હારવાની રમત આવડી ગઈ
સમયની વિષમતા ન સ્પર્શી શકે છે
સ્વયંની હવે માવજત આવડી ગઈ

આ પણ વાંચોઃ કૉલમ: ઇલાજો ક્યાંથી આવે છે?

ચૂંટણી લગોલગ છે ત્યારે મતદાર તરીકે આપણી જાગૃતિ પણ અનિવાર્ય છે અને નિષ્ઠા પણ. ઉમેદવારની સાથે પક્ષનો ચહેરો પણ નજર સામે રાખવાનો છે. છેલ્લા બે દાયકામાં થયેલાં કાર્યોની સાથે કૌભાંડોને પણ જોખવાનાં છે. સોમાંથી માર્ક આપવાના આવે તો કોને કેટલા માર્ક આપવા જોઈએ એનું નિષ્પક્ષ જજમેન્ટ તૈયાર કરવાનું છે. મત આપવો એટલે માત્ર મતદાનમથકમાં એક બટન દબાવવા પૂરતું કર્તવ્ય નથી, એમાં દેશપ્રેમ અને નાગરિકત્વ પણ સમાયેલાં છે.

ક્યા બાત હૈ
વરસ કેવાં વિતાવ્યાં છે, અમારો જીવ જાણે છે
જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે, અમારો જીવ જાણે છે

મચક ના આપતા મનને પછી તો ઠાર મારીને
અમે કોને ભુલાવ્યાં છે, અમારો જીવ જાણે છે

કદી એકાંતમાં આવી સ્મરણના મત્ત ટોળાએ
ઉધામા જે મચાવ્યા છે, અમારો જીવ જાણે છે

મહામહેનતથી પાંપણમાં ઊમટતાં પૂર ખાળીને
સતત એ કયાં સમાવ્યાં છે, અમારો જીવ જાણે છે

ગઝલનું નામ આપીને તમે જે મોજથી માણ્યા
એ શબ્દો ક્યાંથી આવ્યા છે, અમારો જીવ જાણે છે
- બાબુલાલ ચાવડા આતુર

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 12:38 PM IST | | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK