ખબર રાખું છું હું: હિતેન આનંદપરા

Hiten Aanandpara | Jan 06, 2019, 11:31 IST

હું છું એ સત્ય છે. હું નહીં હોઉં ત્યારે પણ બીજા તો હશે - એ પણ સત્ય છે. આપણે આ પૃથ્વી પર છીએ એ ઈશ્વરને આધીન છે

 ખબર રાખું છું હું: હિતેન આનંદપરા

અર્ઝ કિયા હૈ

હું છું એ સત્ય છે. હું નહીં હોઉં ત્યારે પણ બીજા તો હશે - એ પણ સત્ય છે. આપણે આ પૃથ્વી પર છીએ એ ઈશ્વરને આધીન છે, પણ આપણે પૃથ્વી પર શા માટે છીએ એનો ઉત્તર વ્યક્તિને આધીન છે. હું છું એ બાબતની સાબિતી અરીસો બાકાયદા આપે. આપણા શ્વાસોચ્છ્વાસ અને હલનચલન આપણી હયાતી પુરવાર કરે. આ બધી વાતો આપણા સ્થૂળ અસ્તિત્વની થઈ. મનોજ ખંડેરિયા કશુંક બારીક કાંતીને આપણી સમક્ષ મૂકે છે...

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને

રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?

રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ

આયનો આપણું પ્રતિબિંબ પાડે છે, પણ એ આપણી આસપાસ જે ઓરા હોય એને ઝીલી શકતો નથી. જેને સૂક્ષ્મ શરીર તરીકે ઓળખવામાં આવે છે એ નરી આંખે જોઈ શકાતું નથી. અશોક ચાવડા બેદિલ આયનાની પાર જવાનો પ્રયાસ કરે છે...

હાથ લાગે છતાં ન પકડાતા

છે અરીસામાં દાગ અંદરથી

બ્હારથી એકદમ સલામત છું

માત્ર છે નાસભાગ અંદરથી

નાસભાગ હવે શહેરી જીવનની તાસીર થઈ ગઈ છે. એના કારણે થતું ટેન્શન અનેક રોગોને નોતરે છે. અસ્તિત્વ ટકાવવાની લડાઈમાં એ ભૂલી જવાય છે કે જેને કારણે અસ્તિત્વ ફીલ થાય છે એ શરીરને પણ સાચવવાનું છે. ગૂંગળામણ થાય એવું રૂટીન હોય તો પણ એમાંથી કશુંક મનગમતું શોધી લેવાની જહેમત ઉઠાવવી પડે. શયદાસાહેબની જેમ આપણને પણ આવી ગરજ હોવી જોઈએ...

યુગેયુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું

હવે કોઈ નવી દૃષ્ટિ મને આપો નયન માટે

ચશ્માંના નંબર વધી ગયા હોય તો ફ્રેમ ભલે એની એ રાખો, પણ કાચ તો બદલવા પડે. આપણા જીવનમાં બનતી ઘટનાઓને ધીરજથી તપાસીએ તો શક્ય છે કે જીવનનો એક અંતરંગ ગ્રાફ આપણી નજર સમક્ષ તરવરી ઊઠે. કોઈના જીવનમાં બન્યું હોય એ આપણા જીવનમાં પણ બને એ જરૂરી નથી. સામે પક્ષે આપણે જિંદગીમાં જે કંઈ સિદ્ધિ-પ્રસિદ્ધિ મેળવી હોય એ બીજું કોઈ ન જ મેળવી શકે એવો અહંકાર પણ અસ્થાને છે. કોણ કોને નડતું હોય છે કે બચાવતું હોય છે એની સુંદર વાત ભરત વિંઝુડા કરે છે...

કેટલી તકલીફ પડતી હોય છે

સાવ સાચું બોલવાનું આવડે

હું જ મારી સામે આવી જાઉં છું

કોણ બીજું સામે આવીને લડે

જાત સાથે લડવાનું સહેલું નથી. એમાં એકે-૪૭ની જરૂર નથી, પણ એકધ્યાન થવું જરૂરી છે. જાતને રિક્ત થઈને નિરખવી એ ભ્hD થવા કરતાં પણ અઘરું કામ છે. ધ્યાન અને સાધના દ્વારા એને પામવાનો પ્રયાસ સાધકો કરતા હોય છે. આવી જ કોઈ ચેતનાની ક્ષણે મધુમતી મહેતાને આવું તારણ સાંપડયું હશે...

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ

ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું

શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં

આવીને ઓસરી જતો નવો વિચાર છું

વિચાર હોલસેલના ભાવમાં આવતા જ રહે. આ વિચારોના કાફલાને અટકાવવા મેડિટેશન જેવી પદ્ધતિનો સહારો લેવો પડે. ખળખળ નદી વહેતી હોય ત્યારે એના વહેણને એકાદ-બે લાકડાથી રોકી ન શકાય. એ જ રીતે વિચારોના આક્રમણને રોકવા માટે પણ સમય અને સમજણ રોકવાં પડે. આવી કોઈ ધ્યાનસ્થ અવસ્થામાં શું અનુભૂતિ થઈ શકે એનો અંદાજ ઘાયલસાહેબના શેરમાં આવે છે...

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું

યાને હું નિત્ય છું, નિરંતર છું

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું

જે કશું છું, હું દોસ્ત, અંદર છું

નિત્ય અને નિરંતર જે છે એ ચેતના છે. ચેતનાનું સ્થૂળ રૂપ એટલે કે આપણે શૂન્યથી શૂન્ય તરફની પ્રક્રિયાનો એક ભાગ છીએ. આદિલ મન્સૂરીની દ્વિધા આપણા બધાની દ્વિધા છે...

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે

હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં

આ પણ વાંચોઃ તમે અખબાર વાંચો છો?

જિંદગી આમ જુઓ તો સરળ પણ છે અને સંકુલ પણ છે. જન્મ થવો એ ખરેખર સંકુલ પ્રક્રિયા છે, પણ એ એટલી બધી માત્રામાં નોંધાતી હોય કે સાવ સહજ લાગવા માંડે. વાસ્તવિકતા અને આભાસ વચ્ચેનો, દૃશ્ય અને અદૃશ્ય વચ્ચેનો તફાવત શોધવાની મથામણ આપણને સમૃદ્ધ કરતી રહે છે. ચિન્મય શાસ્ત્રળનો આ વિચાર પ્રૅક્ટિકલ અને પ્રોફેશનલ લોકોને બરાબર સમજમાં આવશે...

જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને

ત્યારથી સાગરકિનારે એક ઘર રાખું છું હું

વાસ્તવિક્તાનો જ વિશ્વાસુ બનું એવો નથી

સ્વપ્નના વિષયો વિષે પાકી ખબર રાખું છું હું

ક્યા બાત હૈ

શૂન્ય હતો અવકાશ થયો છું

હું તારી ચોપાસ થયો છું

તેં કુમાશ ભરી મારામાં

પથ્થરમાંથી ઘાસ થયો છું

જોજે કોઈની નજર ના લાગે

શ્વાસ મટી વિશ્વાસ થયો છું

આમ તો બારેમાસ ઉનાળો

પળમાં શ્રાવણ માસ થયો છું

ઊર્મિઓનાં વાવાઝોડાં-

વીંઝી કેવો પ્રાસ થયો છું

પ્રાણપ્રતિષ્ઠા તેં જો કીધી

મંદિર શિલાન્યાસ થયો છું

કિલ્લાઓ અનહદના તોડી

લાખેણો ઇતિહાસ થયો છું

હાકલની હસ્તી માટીની

તોયે તારો ખાસ થયો છું

- પ્રતાપસિંહ ડાભી હાકલ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK