Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ભૂલી ગયા મને?

24 December, 2011 05:56 AM IST |

ભૂલી ગયા મને?

ભૂલી ગયા મને?




(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

આપણી યાદશક્તિ વિચિત્ર હોય છે. અનેક મથામણો પછીયે અમુક વાત યાદ ન રહે એ ન જ રહે. તો કેટલીક વાત, કેટલાક ચહેરા કે કેટલાક સંબંધ એવા હોય છે જેને ભૂલવા ચાહીએ તો પણ ભુલાય નહીં અને જો બળજબરીથી એને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો અંજુમ ઉઝયાન્વી લખે છે એવો પ્રત્યાઘાત પણ આવી શકે.

આ ઘટના જિંદગીમાં ઉઝરડા કરી ગઈ
કોઈને ભૂલવાની મેં કોશિશ કરી હતી


કાગળ પર લખેલા નામને છેકી નાખવાથી અકળામણ ઓછી થાય છે, મટતી નથી. સંબંધ પર આવેલા પૂર્ણવિરામ પછી ગમતી વ્યક્તિના પ્રેમપત્ર ફાડી નાખવાથી એના ટુકડા આંખે વળગે છે. થોડાક અંકુરાઈને પાંગરી ન શકેલો સંબંધ મૂળ સાથે મમત છોડી નથી શકતો અને આકાશ સાથે સહમત નથી થઈ શકતો. કૈલાસ પંડિતનો શેર આવી સ્થિતિમાં આશ્વાસન લેવા જેવો છે.

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ


સંબંધો તૂટવાનાં ઘણાં કારણો હોઈ શકે. જખમ ઓછો હોય તો સમય જતાં ઠીક થઈ જાય. જખમ ઘેરો હોય તો રુઝ આવતાં વાર લાગે. જખમ આરપાર હોય તો જિંદગી આખી ફાંસની જેમ ચૂભ્યા કરે. પ્રેમપ્રકરણનો અંત સારો આવે એવું વિધાતા નામના દિગ્દર્શકને મંજૂર નથી હોતું. જિંદગીના નાટકને ભજવવામાં સંઘર્ષ વધારે હોય અને સંવેદન ઓછું હોય ત્યારે ભજવનારે સૈફ પાલનપુરીની જેમ સ્વીકાર કરી જ લેવો પડે.

વસ્તુ સુંદર જુએ બાળક અને રસ્તો ભૂલે
એવી રીતે મેં કયોર્ પ્રેમ ને ખોવાઈ ગયો
જાણે ફાડે કોઈ તારીખનાં બબ્બે પાનાં
એવી રીતે તારા હૈયાથી વીસરાઈ ગયો


એકપક્ષી હોય કે ઉભયપક્ષી, પ્રણય ઓવારે તો આનંદ નીપજે અને રિસાય તો આક્રોશ.
પ્રેમનો અસ્વીકાર અસ્તિત્વના અસ્વીકાર બરાબર છે. એવું તે મારામાં શું ખૂટ્યું કે તેણે ના પાડી? - આવો અણિયાળો પ્રશ્ન દિલમાં ટીશ થઈને ઊઠે અને દિલીપ વ્યાસની જેમ આવી હાય નીકળી જાય.

ભલેને તાપવા બે હાથ પણ લાવી શકું નહીં
સ્મરણનો ગંજ સળગાવી તને ભૂલી જવી છે

 




કહેતાં તો કહેવાઈ જાય કે તને ભૂલી જવી છે, પણ આ કથનમાં આક્રોશ વધારે અને આત્મવિશ્વાસ ઓછો છે. યાદશક્તિની અનેક દવાઓ મળે છે, પણ ભૂલવા માટે કોઈ કેમિસ્ટને ત્યાં દવા નથી મળતી. ઘણી વાર દર્દને દબાવીએ એમ એ સામું વધતું જાય છે. રઈશ મનીઆર ઉપાયને જ સમસ્યા સાથે સરખાવે છે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે


બિછાને પડ્યા હોઈએ ત્યારે કંઈક યાદો નજર સામે ઊભરતી જાય. પહેલી મુલાકાતની અવકાશથી ઊતરેલી પળ, નાનકડા ગુલાબની આપલે થવાની મોટી ઘટના, અંતરનો ઉમળકો જાહેર કરવાની સોનેરી ક્ષણ. રસ્તો ક્રૉસ કરતી વખતે હકદાવો જાહેર કરતો વીંટળાઈ વળેલો હાથ... દૃશ્યો ઊભરતાં જાય અને રાત માલામાલ થઈ જાય. ત્યારે ઘાયલસાહેબ લખે છે એવી કોઈ અવસ્થા પર સમય થંભી જાય.

ભૂલી ગયા છે જાણે કિરણ ફૂટવાનું નામ
ને રાત છે લેતી નથી ખૂટવાનું નામ


બઘું યાદ આવતું હોય ત્યારે ભૂલવાની કોશિશ કરવી એ ૮૦ની સ્પીડે જતી કારને અચાનક જ બ્રેક મારવા જેવું કપરું કામ છે. હરીન્દ્ર દવેનો આ સદાબહાર શેર એકસાથે નાજુક પણ છે અને કરપીણ પણ છે,

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી


ખ્યાલ ન રહે એવી અવસ્થા પર પહોંચવા માટે પણ સજ્જતા જોઈએ. આ સજ્જતા હજ હોય, કેળવેલી નહીં. જે તણાઈ શકે એ પરોવાઈ શકે. તાણવાના ભરપૂર પ્રયત્નો પછી પણ મનવાંચ્છિત પરિણામ સાંપડે નહીં
તો ભૂલી જવાની કળા શીખી જવી પડે.

ભૂલવું અનેક માનસિક ઉત્પાતોનો વિનામૂલ્ય ઉપચાર છે. મુકુલ ચોકસીનો આ શેર સાંભળીને આપણે પણ ભૂલી જઈએ કે કોના વિશે વાત કરતા હતા.

પલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
ક્યા બાત હૈ
અવદશા
વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે,
શનિ દશા, રાહુ અંતરદશા જશે ને
ગુરુ ધીમાં-ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં,
વાદળો તો ખસશે આકાશમાંથી;
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?


- વિપિન પરીખ


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2011 05:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK