વડોદરાના ૭૯ વર્ષના ગુજરાતી વડીલને મળ્યું થાણેની હાફ મૅરથૉનમાં થર્ડ પ્રાઇઝ

Published: 26th November, 2012 05:38 IST

થાણેમાં માસ્ટર્સ ઍથ્લેટિક્સ ઑફ મહારાષ્ટ્ર દ્વારા યોજવામાં આવેલી હાફ મૅરથૉનમાં ગઈ કાલે યુવાનોને પણ શરમાવી દે એવી સ્ફૂર્તિથી સિનિયર સિટિઝનો દોડ્યા હતા. એમાં વડોદરાના ૭૯ વર્ષના અરવિંદ રાવલ ત્રીજા આવ્યા હતા અને તેમને ૨૫૦૦ રૂપિયાનું પ્રાઇઝ મળ્યું હતું, જ્યારે કોલ્હાપુરના ૯૨ વર્ષના શંકરનાથ પવાર આ સ્પર્ધામાં પ્રથમ આવતાં તેમને ૪૦૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.
થાણેના ઉપવન પરિસરમાં ગઈ કાલે યોજવામાં આવેલી હાફ મૅરથૉન સવારે સાતથી સાડાનવ વાગ્યા સુધી રાખવામાં આવી હતી અને એમાં લગભગ ૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ૨૧ કિલોમીટર દોડની આ સ્પર્ધા વય પ્રમાણે આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં પુરુષો કરતાં મહિલાઓ અને સિનિયર સિટિઝનોએ ભાગ લીધો હતો.

હાફ મૅરથૉનમાં ત્રીજું ઇનામ મેળવનારા વડોદરાના અરવિંદ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની શારીરિક રીતે અક્ષમ છે. તેને ખુશ જોવા માટે હું આ સ્પર્ધામાં દર વર્ષે જોડાઉં છું. આ વર્ષે હું ત્રણ મહિલાઓ સહિતની ૧૧ જણની ટીમ સાથે આ સ્પર્ધામાં જોડાયો હતો. સ્પર્ધામાં ભાગ લેવા ત્રણ દિવસ સુધી સતત અમે અમારી ફિટનેસ ચેક કરાવી હતી. ૨.૬ કિલોમીટરની આ દોડમાં હું ત્રીજો આવતાં મેં પત્નીને ફોન કરીને એની જાણ કરી હતી. તે સાંભળીને ઘણી ખુશ થઈ ગઈ હતી. ૨૦૦૮થી હું ઍથ્લેટિક ખેલાડી છું. અગાઉ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં પણ હું ઘણા મેડલ જીત્યો છું. જૂનમાં બૅન્ગલોરમાં યોજવામાં આવેલી પાંચ કિલોમીટર વૉકની સ્પર્ધામાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK