Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજે કેજરીવાલ સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લેશે

આજે કેજરીવાલ સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લેશે

16 February, 2020 08:11 AM IST | New Delhi

આજે કેજરીવાલ સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લેશે

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


દિલ્હી રાજ્યને પૂર્ણ કદનો દરજ્જો મળ્યો ન હોવાથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હીના નવા મુખ્ય પ્રધાન તરીકેની મંજૂરી આપતાં કેજરીવાલ તેમના ૬ ધારાસભ્યો સાથે આવતી કાલ ૧૬ ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાન પર આયોજિત ભવ્ય સમારોહમાં સીએમ પદનો હોદ્દો અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે. આ પ્રસંગે વિપક્ષી એકતા માટે બિનભાજપી નેતાઓ શપથવિધિ સમારોહમાં હાજર રહે એમ છે.

દિલ્હી વિધાનસભાની પ્રતિષ્ઠાના જંગ સમાન ૭૦ બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં આપ પાર્ટીને સતત બીજી વખત પ્રચંડ બહુમતી મળી હતી. આપ પાર્ટીએ ૭૦માંથી ૬૨ બેઠકો જીતી છે જે બહુમતી માટે ૩૬ બેઠકો કરતાં વધારે છે. સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોની પણ મુખ્ય પ્રધાનની સલાહ પર પ્રધાન તરીકે નિમણૂક કરી છે. તેઓ પણ આજે પ્રધાનપદના શપથ લેશે.



કેજરીવાલ સાથે ૧૬ ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પદનામિત પ્રધાનોમાં ભૂતપૂર્વ નાયબ સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ‘રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ હર્ષની લાગણી અનુભવે છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક રહેશે.


અન્ય એક સૂચના મુજબ રાષ્ટ્રપતિએ પ્રધાનોની પરિષદની સાથે તાત્કાલિક અસરથી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે કેજરીવાલનું રાજીનામું સ્વીકાર્યું હતું. જાહેરનામા મુજબ નવા મુખ્ય પ્રધાનના શપથ ન થાય ત્યાં સુધી કેજરીવાલ વચગાળાના મુખ્ય પ્રધાન તરીકે કામ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૭૦માંથી ૬૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો અને બીજેપીને માત્ર આઠ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું. કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લઈને હૅટ-ટ્રિક નોંધાવશે. તેઓ ૨૦૧૩માં ૪૯ દિવસ માટે અને ૨૦૧૫માં પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યા હતા. દિલ્હીના મતદારોએ સતત ત્રીજી વાર આપને સત્તા સોંપી છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ રાજધાનીથી આગળ વધવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી છે. આ યોજના હેઠળ પાર્ટીએ દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે પાર્ટીએ તેના ‘સકારાત્મક રાષ્ટ્રવાદ’ની અપેક્ષા રાખી પાર્ટીના વિસ્તરણ માટે રવિવારે તેની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી છે.


દિલ્હીના મુખ્ય પ્રધાનોની યાદી

ચૌધરી બ્રહ્મ પ્રકાશ (કૉન્ગ્રેસ)
૧૭ માર્ચ ૧૯૫૨થી ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૫ (બે વર્ષ ૩૩૨ દિવસ)

ગુરુમુખ નિહાલ સિંહ (કૉન્ગ્રેસ)
૧૩ ફેબ્રુઆરી ૧૯૫૫થી ૩૧ ઑક્ટોબર ૧૯૫૬ (૧ વર્ષ ૨૬૧ દિવસ)

મુખ્ય પ્રધાનપદ હટાવવામાં આવ્યું: (૧ નવેમ્બર ૧૯૫૬થી ૧ ડિસેમ્બર ૧૯૯૩) દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો.

મદનલાલ ખુરાના (બીજેપી)
બીજી ડિસેમ્બર ૧૯૯૩થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ (૨ વર્ષ ૮૬ દિવસ)

સાહિબસિંહ વર્મા (બીજેપી)
૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬થી ૧૨ ઑક્ટોબર ૧૯૯૮ (બે વર્ષ ૨૨૭ દિવસ)

સુષમા સ્વરાજ (બીજેપી)
૧૩ ઑક્ટોબર ૧૯૯૮થી ૩ ડિસેમ્બર ૧૯૯૮ (૫૧ દિવસ)

શીલા દીક્ષિત (કૉન્ગ્રેસ)
૪ ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ (૧૫ વર્ષ ૨૪ દિવસ)

અરવિંદ કેજરીવાલ (એએપી-આપ)
૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ (૪૮ દિવસ)

રાષ્ટ્રપતિશાસન :
૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (૩૬૩ દિવસ)

અરવિંદ કેજરીવાલ
(એએપી-આપ) : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ (પાંચ વર્ષ એક દિવસ)

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2020 08:11 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK