પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારતીય સૈન્યને આદેશ

Published: 7th October, 2014 02:57 IST

જમ્મુ-કાશ્મીરમાંની ભારતીય સીમાચોકીઓ અને રહેણાક વિસ્તારો પર પાકિસ્તાની રેન્જર્સે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં કરેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવાનો આદેશ ભારતીય સેનાને આપવામાં આવ્યો છે. ભારતીય બટૅલ્યન કમાન્ડર્સને સ્પષ્ટ શબ્દોમાં હુકમ આપવામાં આવ્યો છે કે વળતી કાર્યવાહી કરીને પાકિસ્તાનને એની જ શૈલીમાં જવાબ આપો.
ભારતીય સીમા સુરક્ષા દળના ડિરેક્ટર જનરલ ડી. કે. પાઠકે કહ્યું હતું કે પાકિસ્તાનને અમે આકરો પ્રતિભાવ આપી રહ્યા છીએ અને એમાં પાકિસ્તાનના પક્ષે પણ નુકસાન થયું છે.

સંરક્ષણપ્રધાન અરુણ જેટલીએ પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘ભારતીય સશસ્ત્ર સેના પૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન બન્ને દેશ વચ્ચે જે પ્રકારનો માહોલ તૈયાર કરી રહ્યું છે એનાથી સંબંધ સામાન્ય બનાવવામાં નિશ્ચિત રીતે જ કોઈ મદદ મળવાની નથી.’

પાકિસ્તાન સમજી લે કે ભારતમાં સમય પલટાયો છે : રાજનાથ સિંહ

પાકિસ્તાની સૈન્ય દ્વારા નવેસરથી કરવામાં આવેલી ઉશ્કેરણી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન તત્કાળ બંધ કરવું જોઈએ અને વાસ્તવિકતાને સમજી લેવી જોઈએ કે ભારતમાં સમય બદલાઈ ગયો છે.

ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ‘પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગંભીર બાબત છે અને પાકિસ્તાને આવાં કૃત્યોથી દૂર રહેવું જોઈએ. યુદ્ધવિરામનું ઉલ્લંઘન પાકિસ્તાનના હિતમાં નથી.’

કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વિદેશપ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે ઈદના દિવસે પાકિસ્તાની સૈનિકોએ કરેલા કૃત્યથી વધારે ખરાબ બાબત બીજી કોઈ હોઈ શકે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK