કૃત્રિમ મગજ : મેડિકલ સાયન્સમાં અનોખો ચમત્કાર

Published: 9th December, 2012 09:13 IST

માનવી જેવાં આઠ પ્રકારનાં કાર્યો કરી શકતું વિશ્વનું પ્રથમ કૃત્રિમ બ્રેઇન ડેવલપ થયું : સ્પૉન નામનું આ કમ્પ્યુટર સૉફ્ટવેર હજારો સંખ્યા યાદ રાખી શકે છે, જોયેલાં દૃશ્યોનાં ચિત્રો દોરી શકે છે અને પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે : જોકે માનવીના કુદરતી મગજની જેમ એ ભાવવાહી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકે અને સ્વતંત્ર રીતે પડકારરૂપ નર્ણિયો પણ નહીં લઈ શકે
(જગદીશચંદ્ર ભટ્ટ)

વિજ્ઞાનની આંગળી પકડીને સાયન્ટિસ્ટ્સ કેવાં-કેવાં આર્યો સર્જી શકે છે એનાં ઉદાહરણ જાણવા જેવાં છે. ઉદાહરણ છે કૅનેડાની યુનિવસર્ટિી ઑફ વૉટરલૂના ન્યુરોસાયન્ટિસ્ટ અને સૉફ્ટવેર એન્જિનિયર ક્રિસ એલિયાસ્મિથ અને તેમના સહયોગીઓએ બનાવેલું આર્ટિફિશ્યલ બ્રેઇન (કૃત્રિમ મગજ). આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત જર્નલ ‘સાયન્સ’માં આર્ટિફિશ્યલ બ્રેઇન વિશે ક્રિસ એલિયાસ્મિથના પ્રસિદ્ધ થયેલા રિસર્ચ-પેપરમાંની વિગતો જાણવા-સમજવા જેવી છે.

જોકે હકીકત તો એ છે કે કુદરતસર્જિત માનવશરીર સમગ્ર સૃષ્ટિનું સૌથી મોટું અને મહાન આર્ય છે. વળી માનવશરીરમાં પણ હ્યુમન બ્રેઇનની ગતિવિધિ અને શક્તિ એટલી અજીબોગરીબ તથા સંકુલ છે કે હજી સુધી વિશ્વનો કોઈ ન્યુરોલૉજિસ્ટ એને સંપૂર્ણ રીતે સમજી નથી શક્યો. આમ છતાં મેડિકલ સાયન્સમાં દિનપ્રતિદિન જે રિસર્ચ થાય છે એનો ઉપયોગ માનવકલ્યાણના હેતુસર થાય છે એટલું જરૂર સ્વીકારવું રહ્યું.

કૃત્રિમ માનવમગજનું સ્વરૂપ કેવું છે? 


માનવમગજની બાબતો વિશે સંશોધનાત્મક અભ્યાસ કરતા વિજ્ઞાની ક્રિસ એલિયાસ્મિથ તેમના રિસર્ચ-પેપરમાં કહે છે, ‘આમ તો અત્યાર સુધી વિશ્વમાં કૃત્રિમ માનવમગજનાં અમુક મૉડલ્સ તૈયાર જરૂર થયાં છે છતાં અમે વિકસાવેલું સ્પૉન (સિમેન્ટિક પૉઇન્ટર આર્કિટેક્ચર યુનિફાઇડ નેટવર્ક) નામનું મૉડલ માનવમગજની સૌથી વધુ નજીક છે. જોકે સ્પૉન આમ તો એક સૉફ્ટવેર ચિપ છે જે સુપરકમ્પ્યુટરમાં અદ્ભુત રીતે કાર્ય કરી શકે છે. મજાની વાત એ છે કે સ્પૉનને ડિજિટલ આઇ અને રોબોટિક આર્મ પણ છે. સ્પૉન ડિજિટલ આઇનો ઉપયોગ જોવા-નિહાળવા માટે અને પેલા રોબોટિક આર્મનો ઉપયોગ ડિજિટલ આંખે જોયેલી વસ્તુ કે દૃશ્યોને ચીતરવા માટે કરે છે. સ્પૉનનું સૌથી મજબૂત જમા પાસું છે એનાં ૨૫ લાખ જેટલા નકલી ન્યુરૉન્સ (જ્ઞાનતંતુઓ). જોકે માનવીના મગજમાં કેટલા જ્ઞાનતંતુઓ હોય છે એ જાણો છો? ૧૦૦ અબજ. આમ છતાં આ ૨૫ લાખ ન્યુરૉન્સની મદદથી અમારું સ્પૉન જુદા-જુદા આઠ પ્રકારનાં કાર્યો બહુ સરળતાથી કરી શકે છે અને એ જ એની મોટી સફળતા છે.’

સ્પૉન કયાં-કયાં કાર્યો કરી શકે છે? 


ક્રિસ એલિયાસ્મિથ તેમના રિસર્ચ-પેપરમાં બહુ ઉત્સાહથી કહે છે કે ‘અમારું સ્પૉન એટલે કે કૃત્રિમ માનવમગજ ઘણા અંશે સાચકલા હ્યુમન બ્રેઇનની જેમ જ વિવિધ પ્રકારનાં કાર્યો કરી શકે છે. જીવતાજાગતા માણસની જેમ વર્તન પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે સ્પૉન કોઈ પણ ડ્રૉઇંગની કૉપી કરવી, ગણતરી કરવી, પ્રશ્નોના જવાબ આપવા, જુદી-જુદી સંખ્યા યાદ રાખવી જેવાં આઠ કાર્યો કરી શકે છે. ઉદાહરણ તરીકે તમે સ્પૉનને કોઈ પણ સવાલ પૂછો તો જવાબ આપતાં પહેલાં એ માણસની જેમ થોડો સમય લેશે. ત્યારે જાણે સ્પૉન માણસની જેમ વિચારતું હોય એવું લાગે. તમે સ્પૉનને ઘણીબધી સંખ્યાનું લાંબુંલચક લિસ્ટ આપીને એ બધી જ સંખ્યા યાદ રાખવાનું કહેશો તો એ માનવીની જેમ જ નાની-નાની ભૂલો પણ કરશે. જોકે લિસ્ટના શરૂઆતના અને છેલ્લા તબક્કાની સંખ્યાઓ સ્પૉન વધુ સારી રીતે યાદ રાખી શકે છે, પરંતુ વચ્ચેની સંખ્યાઓ યાદ રાખવામાં ગરબડ-ગોટાળા પણ કરે છે અને એ પણ અદ્દલ માણસની જેમ જ. કહેવાનો અર્થ એ કે સ્પૉન ઘણા અંશે જીવતાજાગતા માનવી જેવું વર્તન પણ કરી શકે છે અને એ જ અમારી સફળતા છે. આમ છતાં સ્પૉનની કાબેલિયતની અને શક્તિની  સરખામણી કાંઈ સાવ સાચકલા અને નૈસર્ગિક માનવમગજ સાથે તો ન જ કરી શકાય એ મર્યાદા પણ અમે સારી રીતે જાણીએ-સમજીએ છીએ. હ્યુમન બ્રેઇન તો ખરેખર અદ્ભુત અને અહો આર્યમ છે.’

આર્ટિફિશ્યલ હ્યુમન બ્રેઇનની વિશિષ્ટતાઓ 


કૅનેડાની વૉટરલૂ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્ટિસ્ટ અને સૉફ્ટવેર એન્જિનિયર એમ બેવડી ફરજ બજાવતા ક્રિસ એલિયાસ્મિથ જોકે બહુ મોટી અને મહત્વની સ્પષ્ટતા કરતાં કહે છે, ‘આમ તો અત્યાર સુધી આર્ટિફિશ્યલ હ્યુમન બ્રેઇનનાં અમુક મૉડલ્સ જરૂર બન્યાં છે. ઉદાહરણ તરીકે ફ્રાન્સની ઇકોલે પૉલિટેક્નિકમાં ૧૦ લાખ જેટલા ન્યુરૉન્સ ધરાવતું બ્લુ બ્રેઇનનું મૉડલ બન્યું છે. વળી આઇબીએમના synapse નામના પ્રોજેક્ટમાં પણ એક અબજ જેટલા ન્યુરૉન્સ એટલે કે જ્ઞાનતંતુઓ ધરાવતું કૃત્રિમ માનવમગજ તૈયાર થયું છે. જોકે આમ છતાં આ બધાં બ્રેઇન-મૉડલ્સ સ્પૉનની જેમ વિવિધ પ્રકારનાં કાર્યો નથી કરી શકતાં કે ઘણા અંશે માનવી જેવું વર્તન પણ નથી કરી શકતાં. બીજી બાજુ સ્પૉન વિશ્વનું પ્રથમ બાયોલૉજિકલ બ્રેઇન છે જે ઘણા અંશે માનવમગજ જેવું વર્તન કરી શકે છે. તો વળી વિવિધ પ્રકારનાં મુશ્કેલ કહી શકાય એવાં કાર્યો પણ કરી શકે છે એટલું જ નહીં, સ્પૉન વિશ્વનું પહેલું એવું કૃત્રિમ માનવમગજ છે જે માનવીનું કુદરતી બ્રેઇન ખરેખર અદ્ભુત અને અશક્ય કહી શકાય એવાં કાર્યો કઈ રીતે કરી શકે છે એ વિશે ન્યુરોસાયન્ટિસ્ટ્સને ઉપયોગી માર્ગદર્શન પણ આપી શકે છે. એક કદમ આગળ વધીને કહીએ તો માનવીના મગજમાં થતા વિવિધ પ્રકારના રોગ અને સમસ્યાઓ વિશે સુધ્ધાં સ્પૉન વિજ્ઞાનીઓને મદદ કરી શકે છે. વળી માનવીઓ સાઇકલ ચલાવવી, મોટર ડ્રાઇવ કરવી, ઍરોપ્લેન ઉડાડવું અને કમ્પ્યુટર પર કાર્ય કરવા જેવાં મુશ્કેલ અને પડકારરૂપ કાર્યો કરે છે ત્યારે રિયલ હ્યુમન બ્રેઇનમાં કેવા-કેવા પ્રકારની ગતિવિધિઓ થાય છે અને આ બધાં કાયોર્માં નિયંત્રણશક્તિ કઈ રીતે આવે છે એ વિશે પણ સ્પૉન ન્યુરોસાયન્ટિસ્ટ્સને ઉપયોગી બની શકે છે. એમ કહો કે પ્રકાશ પાડી શકે છે.’

ક્રિસ એલિયાસ્મિથ એક આર્યજનક બાબતનો ઉલ્લેખ કરતાં તેમના રિસર્ચ-પેપરમાં કહે છે, ‘અમે સ્પૉનની રચના કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો અને બહુ ઉપયોગી કહી શકાય એવો પ્રયોગ કર્યો હતો. પ્રયોગ હતો માનવીના કુદરતી બ્રેઇનમાંના જ્ઞાનતંતુઓ વધતી જતી ઉંમર સાથે કઈ રીતે નબળા પડી જાય છે અથવા તો કઈ રીતે એનો નાશ થાય છે એ વિશેનો. અમે આ પ્રયોગ દરમ્યાન સ્પૉનમાંના ન્યુરૉન્સનો પણ નાશ કર્યો અને નિરીક્ષણ કર્યું કે જ્ઞાનતંતુઓ નબળા પડી જાય કે એનો નાશ થાય તો આ કૃત્રિમ માનવમગજમાં કેવા-કેવા ફેરફાર થાય છે અને એ કઈ રીતે કાર્ય કરે છે. જોકે આ પ્રકારનો પ્રયોગ ચોક્કસપણે અનૈતિક જ ગણાય એમ અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK