૩૦ ડિસેમ્બરથી શરૂ થનારા તેમના જેલભરો આંદોલનમાં ભાગ લેવા દર કલાકે ૩૦૦૦ લોકો ઑનલાઇન નામ નોંધાવી રહ્યા છે. મંગળવારથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં શરૂ થનારા ત્રણ દિવસના ઉપવાસમાં હજારોની સંખ્યામાં લોકો જોડાવાના છે. અણ્ણાના ટેકેદારોને તકલીફ ન પડે એ માટે મુંબઈની આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન)ની ટીમ તડામાર તૈયારી કરી રહી છે અને તેમને લોકોનો અભૂતપૂર્વ સર્પોટ મળી રહ્યો છે.
લોકોએ જવાબદારી ઉપાડી
અણ્ણાના ઉપવાસ માટેની વિગતો આપતાં મુંબઈના આઇએસીના કન્વીનર મયંક ગાંધીએ કહ્યું હતું કે ‘બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના ગ્રાઉન્ડ માટે શુક્રવારે સાંજે પરમિશન મળ્યા પછી લેવી જરૂરી હોય એ તમામ પરમિશનો સુધરાઈ, પોલીસ અને ફાયરબ્રિગેડ પાસેથી મળી ગઈ છે. અનેક લોકો દ્વારા પૈસા મોકલી આર્થિક સર્પોટ કરવાની ઑફર કરવામાં આવી રહી છે, પણ હવે આર્થિક સર્પોટ કરતા લોકો જાતે આવીને સેવા આપે અને આ આંદોલનને સફળ બનાવે એ જરૂરી છે. નાની-મોટી દરેક વ્યવસ્થા દાતાઓ દ્વારા ઉપાડી લેવામાં આવી છે. એક વ્યક્તિએ પાણીની વ્યવસ્થા કરી આપી છે. હરિયાણાના રોહતકથી એક ખાસ ટીમ આવી રહી છે જે હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરશે. નીતા ટ્રાવેલ્સે એની બસો બાંદરાથી એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) ગ્રાઉન્ડ સુધી દોડાવવાની ઑફર મૂકી છે. આઇએસી દ્વારા બેસ્ટ (બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ) અન્ડરટેકિંગને પણ વધુ બસ દોડાવવાની રિકવેસ્ટ કરવામાં આવી છે.’
૨૪ કલાક ડૉક્ટર તહેનાત
ડિસેમ્બરની ઠંડી અને ખુલ્લું મેદાન હોવાથી લોકોની તબિયત બગડી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં આઇએસી સાથે સંકળાયેલા અને બીકેસીમાં ડૉક્ટરોની ટીમ હૅન્ડલ કરતા કેઈએમ હૉસ્પિટલનાં કાર્ડિઍક સર્જરીનાં નિવૃત્ત હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. રત્ના મગોતરાએ કહ્યું હતું કે ‘૧૫ ડૉક્ટરોની ટીમ શિફ્ટ પ્રમાણે સેવા આપશે. જો કોઈ ઇમર્જન્સી સર્જાય તો એ હૅન્ડલ કરવા પણ સિનિયર ડૉક્ટરો રાઉન્ડ ધ ક્લૉક અવેલેબલ હશે. અણ્ણા સાથે તેમના ડૉક્ટર તો હશે જ, પણ અહીં તેમની તબિયત લથડે તો ૧૨૯૮ નંબરની ઍમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા એક ફુલ્લી ઍડ્વાન્સ લાઇફ સર્પોટિવ ઇક્વિપમેન્ટ્સ સાથેની ઍમ્બ્યુલન્સ ૨૪ કલાક તહેનાત રહેશે અને એ પણ ફ્રી ઑફ કૉસ્ટ ઑફર કરવામાં આવી છે. મેડિકલ રૂમ પણ ઊભો કરવામાં આવશે, જ્યાં પ્રાથમિક સારવાર સાથેની જરૂરી દવાનો સ્ટૉક રાખવામાં આવશે.’
અણ્ણાની તબિયત બગડી
મંગળવારથી આંદોલન શરૂ થઈ રહ્યું છે ત્યારે ૭૪ વર્ષના અણ્ણા હઝારે સોમવારે સવારે મુંબઈ આવી પહોંચશે. શુક્રવારે રાતે તેમની તબિયત બગડી હતી અને શરદી-ઉધરસ થઈ ગયાં હતાં એટલે આખી રાત તેઓ સૂઈ નહોતા શક્યા. જોકે ગઈ કાલે દવા લીધા પછી તેમને ફરક પડ્યો હતો. આજે તેઓ સાંજે રાળેગણ સિદ્ધિમાં ગ્રામ સભાને સંબોધશે અને આવતા દિવસોમાં તેમનો શું કાર્યક્રમ હશે એ ગામના લોકોને સમજાવશે. રાળેગણ સિદ્ધિના ૧૦૦૦ લોકો તેમની સાથે મંગળવારથી બીકેસીના ગ્રાઉન્ડ પર ઉપવાસ પર બેસવાના છે.
મસાજ કરનારાઓ અણ્ણાના સમર્થનમાં આગળ આવ્યા
જનલોકપાલ બિલને મુદ્દે ગાંધીવાદી સામાજિક કાર્યકર અણ્ણા હઝારેના આંદોલનને ફરી પાછું જોરદાર જનસમર્થન મળશે એવા ભણકારા વાગી રહ્યા છે. ટીમ અણ્ણાના સભ્યોને મેદાન ભાડે લેવાના મામલે પડી રહેલી મુશ્કેલીના સમાચાર વાંચીને બદલાપુરની તેલ-માલિશ કરતી એક વ્યક્તિએ પોતાની પાંચ દિવસની કમાણી અણ્ણા તથા તેમની ટીમને આપવાની જાહેરાત કરી છે. છેલ્લાં ૨૫ વર્ષથી કેરળ પંચકર્મ મસાજ આપતા જેકબ માઇકલે કહ્યું હતું કે ‘હું દરરોજ ૨૦૦૦ રૂપિયા કમાઉં છું જે બહુ મોટી રકમ નથી, પરંતુ અણ્ણા જે કારણ માટે આંદોલન ચલાવી રહ્યા છે એને સમર્થન આપવા માટે આ ફાળો આપવા તૈયાર છું. મારા આ નર્ણિયને મારી પત્નીએ પણ સમર્થન આપ્યું છે. મારા મિત્રો પણ મારા આ નર્ણિયને યોગ્ય ગણાવી રહ્યા છે.’
જેકબના એક મિત્ર નંદકુમારે કહ્યું હતું કે સરકાર અણ્ણાને સમર્થન આપવાની જગ્યાએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. અણ્ણાના ઉપવાસ આંદોલન માટે આયોજકોએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સનું એમએમઆરડીએ મેદાન ભાડે લેવા માટે ૭.૭૮ લાખ રૂપિયા ભર્યા છે.
અણ્ણા હઝારે ભાગેડુ સૈનિક છે : ખૈરનાર
એક સમયે મુંબઈના ડિમોલિશન-મૅન ગણાતા સુધરાઈના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર ગોવિંદ રાઘો ખૈરનારે જનલોકપાલ બિલ માટે આંદોલન કરનારા અણ્ણા હઝારે સામે ગઈ કાલે ટીકાઓનાં બાણ છોડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘આઠમું ભણેલા અણ્ણા હઝારે ભારત-ચીનના યુદ્ધ વખતે ડ્રાઇવર તરીકે સૈનિકમાં ભરતી થયા હતા. યુદ્ધના સમયે સામેથી ગોળીઓ છૂટી રહી હતી ત્યારે સૈનિકો ભરેલી ગાડીને ત્યાં જ છોડીને પોતાનો જીવ બચાવવા માટે તેઓ ગાડી છોડીને ભાગી છૂટ્યા હતા, જ્યારે બિચારા સૈનિકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. ચીનના યુદ્ધમાં અણ્ણાએ પોતાના કર્તવ્યનું પાલન કર્યું નહોતું.’
એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં સિક્યૉરિટી માટે પોલીસ સજ્જ
જનલોકપાલ બિલ માટે ૨૭ ડિસેમ્બરથી એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) ગ્રાઉન્ડ પર અણ્ણા હઝારે ત્રણ દિવસ માટે ભૂખહડતાળ પર બેસવાના છે ત્યારે મુંબઈપોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માગતી. એટલે જ એણે ગઈ કાલથી સિક્યૉરિટીને લઈને તમામ પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું, જેમાં ગ્રાઉન્ડ પર સીસીટીવી (ક્લોઝ્ડ-સર્કિટ ટીવી) કૅમેરાથી લઈને મેટલ ડિટેક્ટર્સ અને બૅરિકેડ્સ બેસાડવાનું શરૂ કરી દીધું છે અને આવતી કાલે સાંજ સુધીમાં તમામ સુરક્ષા-સાધનોની મેદાન સજ્જ થઈ જશે એવો દાવો પણ જૉઇન્ટ પોલીસ-કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) રજનીશ સેઠે ગઈ કાલે ગ્રાઉન્ડની વિઝિટ લીધી એ સમયે કર્યો હતો. આવતી કાલે ગ્રાઉન્ડની સુરક્ષાને લઈને ફાઇનલ વિઝિટ પણ થશે.
હંસલ મેહતાએ કંગના રણોતની ફિલ્મને કહી પોતાના જીવનની ભૂલ, જાણો વધુ
31st January, 2021 15:14 ISTખેડૂતોના સમર્થનમાં આજથી ઉપવાસ કરનારા અણ્ણા હઝારેને મનાવ્યા દેવેન્દ્ર ફડણવીસે
30th January, 2021 10:43 ISTઅણ્ણા હઝારેની ખેડૂતો માટે વિરોધ શરૂ કરવાની ચીમકી
29th December, 2020 10:24 ISTકૃષિ સંબંધી માગણીઓ બાબતે અણ્ણા હઝારેની ઉપવાસની ચીમકી
15th December, 2020 10:34 IST