આરિફ મજીદને કોઈ લાંબી યોજનાના ભાગરૂપે ISએ ભારત પાછો મોકલ્યો હોય એવી શક્યતા છે

Published: 2nd December, 2014 05:47 IST

તો આનો ઉપાય શું? એક કે બીજા બહાને કોઈને જેલમાં ગોંધી રાખવો એ ઉપાય નથી. ભારતમાં જેલમાંથી પણ માફિયાઓ ઑપરેટ કરી શકે છે. ઉપાય છે, અહર્નિશ નજર રાખનારા ઇન્ટેલિજન્સ નેટવર્કની, જેમાં ભારત માર ખાય છે
કારણ-તારણ - રમેશ ઓઝા


આખી વાત બહુ ગળે ઊતરે એવી નથી એટલે ભારતે વધારે સાવધાન રહેવાની જરૂર છે. ગયા મે મહિનામાં કલ્યાણનો એક એન્જિનિયર મુસ્લિમ યુવક બીજા ત્રણ મુસ્લિમ યુવકો સાથે જેહાદ કરવા ઇસ્લામિક સ્ટેટ ઑફ સિરિયા અને ઇરાકમાં જોડાય છે અને સિરિયા પહોંચી જાય છે. જુલાઈ મહિનામાં તેણે લગ્ન કરી લીધાં હોવાના ખબર મળે છે અને એ પછી તરત જ તે માર્યો ગયો હોવાના સમાચાર તેના પરિવારને આપવામાં આવે છે. એ પછી નવેમ્બર મહિનામાં તે યુવક પોતે તુર્કીમાંથી પિતાને ફોન કરીને તે ઇરાકમાંથી નાસી છૂટ્યો હોવાના ખબર આપે છે. તેના પિતા નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો સંપર્ક કરે છે અને NIA સત્તાવાર રીતે તુર્કી સરકારની મદદથી તેને ભારત પાછો લઈ આવે છે.

આરિફ મજીદ કલ્યાણમાં રહે છે, એન્જિનિયર છે અને ડૉક્ટરપિતાનો પુત્ર છે. ટૂંકમાં કહીએ તો ઉચ્ચ શિક્ષિત અને સુખી પરિવારનો પુત્ર છે. આ યુવક મે મહિનામાં જ્યારે જેહાદ કરવા સિરિયા ગયો એના બે મહિના પહેલાં ISISએ ઇરાકને કબજે કરવાનું યુદ્ધ શરૂ કર્યું હતું. અહીં પહેલો સવાલ ઉપસ્થિત એ થાય છે કે આરિફ મજીદ જેહાદીઓના સંપર્કમાં આવ્યો કઈ રીતે અને ક્યારે? અને તેનું બ્રેઇનવૉશિંગ કરનારા કોણ હતા? આટલું જલદી કોઈનું બ્રેઇનવૉશ થઈ જાય અને કારકિર્દી છોડીને ઇસ્લામ માટે જાન ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય એ બહુ ગળે ઊતરે એવી વાત નથી. તો શંકા કરવા માટે અને સાવધાન રહેવા માટે જરૂરી પહેલો મુદ્દો એ છે કે દેશમાં અને મુંબઈ શહેરમાં ત્રાસવાદી જેહાદીઓનું મજબૂત નેટવર્ક છે જે પદ્ધતિસર યુવકોને શોધે છે અને બ્રેઇનવૉશિંગ કરીને જેહાદમાં ભરતી કરે છે. બીજું આરિફ મજીદ સાથે બીજા ત્રણ મુસ્લિમ યુવકો પણ જેહાદ કરવા સિરિયા જાય છે. ટૂંકા ગાળામાં જેહાદ માટે ચાર યુવકોની ભરતી કરવી, તેમનું બ્રેઇનવૉશિંગ કરવું એ એકલદોકલ મૂળભૂતવાદી જેહાદી મુસ્લિમનું કામ નથી. જેહાદ માટે દેશમાં મજબૂત નેટવર્ક કામ કરી રહ્યું છે એ વાત નક્કી છે.

બીજો શક પેદા થાય એવો મુદ્દો છે; ટૂંકા ગાળામાં લગ્ન કરવાના, માર્યો ગયો હોવાના અને નાસી છૂટ્યો હોવાના સમાચાર. જુલાઈ મહિનામાં એક દિવસ આરિફ સાથે જેહાદ કરવા ગયેલો યુવક રહીમ ટંકી તેના ઘરે ફોન કરીને ખબર આપે છે કે આરિફે તાહિરા નામની પૅલેસ્ટાઇન યુવતી સાથે લગ્ન કરી લીધાં છે અને ઇસ્લામિક સ્ટેટવાળાઓએ આરિફનું નવું નામ અબુ અલી અલ હિન્દ રાખ્યું છે. તેઓ બધા ઇરાકમાં હોવાનું પણ ટંકીએ તેના પરિવારને જણાવ્યું હતું. એ પછી થોડા દિવસમાં બીજો ફોન આવે છે જેમાં જણાવવામાં આવે છે કે આરિફ ઇસ્લામ માટે શહીદ થઈ ગયો છે. ટંકીના પિતા આરિફના મૃત્યુના સમાચાર તેના પિતાને આપે છે. આરિફનો પરિવાર આરિફની ઝિયારત (મૃત્યુ પછીની ધાર્મિક વિધિ) કરે છે. ટૂંકા ગાળાનો આ ઘટનાક્રમ દેખાય છે એટલો સ્વાભાવિક નથી લાગતો.

આશ્ચર્ય પેદા કરનારી અને વધુ શંકા પેદા કરનારી વાત એ પછીની સ્ટોરીમાં આવે છે. લડતાં-લડતાં લગ્ન કરી લેનારો અને નવું નામ તથા નવી જિંદગી મેળવીને જેહાદ કરનારો યુવક એક દિવસ ISવાળાઓને છેતરીને ભાગી જાય છે અને તુર્કી પહોંચી જાય છે. ત્યાંથી મુંબઈમાં તેના પિતાને પોતાના વિશે જાણ કરે છે અને NIAની મદદ મેળવીને ભારત પાછો ફરે છે. ભાગી જવાનું કારણ તેણે એવું આપ્યું છે કે તે ધાર્મિક યુદ્ધ કરવા ઇરાક ગયો હતો, પરંતુ તેના ISમાંના બૉસ તેનો ઉપયોગ મકાનના બાંધકામમાં કરતા હતા એટલે નિરાશ થઈને તે ભાગી ગયો હતો. આ સ્ટોરી સાવ ઉપજાવી કાઢેલી હોય એવી શંકા જાય છે.

પહેલી વાત તો એ કે ત્રાસવાદી નેટવર્કમાંથી કોઈ છટકી જાય એવું નબળું તેમનું નેટવર્ક હોતું નથી. જે પશ્ચિમનો અને શસ્ત્રસજ્જ રાજ્યનો મુકાબલો કરી શકે તેની તાકાત કેટલી હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. જે ઇરાક અને સિરિયાથી હજારો કિલોમીટર દૂર ભારતમાંથી મુસ્લિમ યુવકોની ભરતી કરીને જાળમાં ફસાવી શકે તે પોતાની જાળમાં આવેલાને છટકવા દે એ શક્ય નથી. શક્યતા એવી છે કે આવી કહાની ઉપજાવીને ISવાળાઓએ જ તેને ભારત પાછો મોકલ્યો હોવો જોઈએ, જેથી ભારતમાંનું ISનું નેટવર્ક વધારે મજબૂત કરી શકાય અને એક દિવસ ભારતમાં પણ જેહાદ કરી શકાય. પહેલી નજરે આરિફની સ્ટોરી ગળે ઊતરે એવી નથી, પણ આ શક્યતા ગળે ઊતરે એવી છે.

ત્રાસવાદીઓને જાણ છે કે ભારતીય કાયદા મુજબ આરિફને આજીવન જેલમાં રાખવો શક્ય નથી. તેણે જે ગુનો કર્યો છે એ ભારતીય રાજ્ય અને ભારતીય પ્રજા સામે કર્યો નથી. ભાવનાવશ થઈને તેણે જે સાહસ કર્યું છે એને માટે વધુમાં વધુ એકાદ-બે વર્ષની સજા થઈ શકે. જેલમાંથી મુક્ત થયા પછી તે આઝાદી સાથે ISનું કામ કરી શકે છે. બીજું, ISએ જાહેરાત પણ કરી છે કે તેઓ ખલીફાનું રાજ્ય સ્થાપવા માગે છે જે જગતના તમામ મુસ્લિમ દેશો માટે હશે અને તેમને મન સમગ્ર ભારતીય ઉપખંડ ઇસ્લામની ભૂમિ છે એટલે તો તેઓએ ISIS માંથી IS (ઇરાક અને સિરિયા) હટાવીને સંગઠનનું નામ ઇસ્લામિક સ્ટેટ કરી નાખ્યું છે. આમ આરિફને ભારતીય ઉપખંડમાં જેહાદની લાંબી ગણતરી સાથે મોકલ્યો હોય એ શક્ય છે. ISવાળાઓએ આરિફને ભારતમાંના નેટવર્ક વિશે કોઈ જાણકારી પણ નહીં આપી હોય, કારણ કે તે પોલીસના કબજામાં છે અને એ જાણકારી તે ઓકી શકે છે. મુક્ત થયા પછી આરિફનો ઉપયોગ કરવામાં આવશે.

તો આનો ઉપાય શું? એક કે બીજા બહાને કોઈને જેલમાં ગોંધી રાખવો એ ઉપાય નથી. ભારતમાં જેલોમાંથી પણ માફિયાઓ ઑપરેટ કરી શકે છે. ઉપાય છે, અહર્નિશ નજર રાખનારા ઇન્ટેલિજન્સ નેટવર્કની, જેમાં ભારત માર ખાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK