મિરૅકલ : બાર વર્ષ પહેલાં થીજવવામાં આવેલા સ્ત્રીબીજમાંથી ટ્વિન્સનો જન્મ

Published: 20th November, 2012 05:42 IST

આર્જેન્ટિનાની ૪૫ વર્ષની મહિલાએ આ રીતે જોડિયાં બાળકોને જન્મ આપીને અનોખો વલ્ર્ડ રેકૉર્ડ સ્થાપ્યોકૅન્સરની બીમારીથી બહાર આવેલાઓ પણ હવે પેરન્ટ્સ બની શકે એવા ચાન્સ છે. આર્જેન્ટિનાની એક ૪૫ વર્ષની મહિલાએ તેના ૧૨ વર્ષ પહેલાં થિજાવવામાં આવેલા સ્ત્રીબીજમાંથી ગત જાન્યુઆરીમાં જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. સામાન્યપણે સ્ત્રીબીજને વધુમાં વધુ ૨૦ વર્ષ સુધી થિજાવીને રાખી શકાય છે, પણ જેમ-જેમ સમય વીતતો જાય છે તેમ-તેમ આ બીજમાંથી બાળક પેદા થવાની શક્યતાઓ ઘટતી જાય છે. મૉનિકા ઝેપોઝની નામની મહિલાએ બાર વર્ષથી થિજાવીને રાખવામાં આવેલા  સ્ત્રીબીજમાંથી બાળક પેદા કરીને વલ્ર્ડ રેકૉર્ડ સજ્ર્યો છે આ પહેલાંનો રેકૉર્ડ સાત વર્ષનો છે.

આર્જેન્ટિનાના બ્યુનોસ અર્સ શહેરની વતની મૉનિકા અને તેના ૪૪ વર્ષના હસબન્ડ ગીયેમો હુસાકે પેરન્ટ્સ બનવા માટે અનેક વાર આઇવીએફ ટ્રીટમેન્ટની મદદ લીધી હતી, પણ દરેક વખતે તેમને નિષ્ફળતા મળી હતી. એ પછી ગત વર્ષે તેમણે છેલ્લી વખત પ્રયાસ કર્યો હતો અને આ છેલ્લા પ્રયાસમાં તેમને સફળતા મળી હતી. મૉનિકાએ ગત જાન્યુઆરીમાં સિઝેરિયન ઑપરેશન દ્વારા જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. આટલા લાંબા સમય સુધી થિજાવવામાં આવેલા સ્ત્રીબીજમાંથી પણ બાળક પેદા થવાની ઘટના પેરન્ટ્સ બનવા માગતા અનેક લોકો માટે આશાનું કિરણ સમાન છે. ખાસ કરીને કૅન્સરની બીમારીને કારણ સંતાનસુખ નહીં મેળવી મહિલાઓ આ બીમારીમાંથી બહાર આવ્યા બાદ બાળક પેદા કરી શકે છે. એટલું જ નહીં, કરીઅરને કારણે બાળક પેદા કરવાનું ટાળતી મહિલાઓ પણ સ્ત્રીબીજને થિજાવીને જીવનનાં પાછલાં વર્ષોમાં સંતાન પેદા કરી શકે છે. દુનિયાભરમાં દર વર્ષે ૧૦૦૦ બાળકો થિજાવેલા સ્ત્રીબીજમાંથી પેદા થતા હોય છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે યુવતીઓ જ્યારે તેમની વય ૨૦થી ૨૫ વર્ષની હોય ત્યારે સ્ત્રીબીજને થિજાવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK