તમે દુખી રહેવા માટે પ્રયત્નશીલ છો?

Published: Aug 02, 2020, 23:36 IST | Kana Bantwa | Mumbai Desk

દુ:ખનાં પોટલાં ખભે ઉપાડીને ફરતા રહેવાની અને એનાં રોદણાં રોઈને સહાનુભૂતિ મેળવતા રહેવાની માણસને ટેવ પડી ગઈ છે. એ દુ:ખનું પોટલું કોઈ છીનવી લે તો પણ તેને દુ:ખ થાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઝેન સંન્યાસી બોકુઝુ પાસે એક માણસે આવીને વિનંતી કરી કે મારે સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, મને ઉપાય બતાવો. બોકુઝુએ કહ્યું કે ચાલ આપણે સામેની ટેકરી પર થોડું ફરી આવીએ રસ્તામાં તને જવાબ આપીશ. બન્ને ટેકરી તરફ ચાલ્યા. હજી તો થોડાં ડગલાં આગળ વધ્યા હશે ત્યાં જ બોકુઝુએ એક પથ્થર બતાવીને કહ્યું કે આ પથ્થર ઉપાડી લે. પેલા શ્રદ્ધાળુએ પથ્થર ખભે ઉપાડી લીધો. ૨૫-૩૦ કિલો વજનનો પથ્થર ઉઠાવીને તે બોકુઝુની સાથે ચાલવા માંડ્યો. થોડી વાર થઈ એટલે પથ્થરનો બોજ આકરો લાગવા માંડ્યો છતાં આનંદનો ઉપાય મળશે એ આશાએ ચાલતો રહ્યો. રસ્તાની બન્ને બાજુ આ માણસે ઉપાડ્યા હતા એટલે હિંમત કરીને બોકુઝુને પૂછ્યું કે વજન ઊંચકીને ચાલવું હવે લગભગ અશક્ય જ થઈ ગયું છે, શું કરું? બોકુઝુએ તરત જ ઉત્તર આપ્યો, ‘ફેંકી દેને એ પથ્થર, એનો કોઈ ઉપયોગ આપણને થવાનો નથી.’ પેલા માણસે તાત્કાલિક પથ્થરને ફેંકી દીધો અને આશ્ચર્યથી બોકુઝુને પૂછ્યું કે પથ્થરનો કોઈ ઉપયોગ નહોતો તો તમે મને એને ઉપાડવાનું શા માટે કહ્યું હતું? બોકુઝુ ખડખડાટ હસી પડ્યા અને પૂછ્યું કે તારા પ્રશ્નનો ઉત્તર જ આ છે. પથ્થર જેવું દુ:ખ ખભે ઉપાડીને તું ચાલતો રહે છે અને આનંદ મેળવવાની અપેક્ષા રાખે છે? સુખી થવાની અપેક્ષા રાખે છે? તારા ખભા પરના દુ:ખના પથ્થરને ફેંકી દે એટલે તું સુખી થઈ જઈશ. સુખી થવા માટે દુ:ખને ખભા પરથી ફેંકી દેતાં શીખવું પડે.‍
આનંદિત રહેવું મુશ્કેલ છે, દુખી રહેવું સહેલું છે. આપણે ખુશ રહેવા માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ? ક્યારેય હિસાબ માંડ્યો છે ખરો? તમે તરત જ કહેશો કે જેકાંઈ કરીએ છીએ એ બધું મોજમાં રહેવા માટે તો કરીએ છીએ, આનંદ માટે જ તો કરીએ છીએ. આ દલીલ ખરેખર સાચી છે? તમારી ભીતર જરા ઊંડે ખોતરી જુઓ, બહારથી દૃષ્ટિ વાળીને અંદર નજર નાખી જુઓ. તમને ખબર પડશે કે આપણને દુ:ખનાં પોટલાં ઉપાડીને ફરવાની ટેવ પડી ગઈ છે. દુ:ખને ગળે વળગાડી રાખવામાં આપણને મજા પડે છે. તમે તમારા સ્વજન, મિત્રોને જેટલી વાત દુ:ખની કહો છો એટલી વાતો આનંદની કહો છો ખરા? દુ:ખને તમે જેટલી તીવ્રતાથી અને વાગોળી-વાગોળીને વારંવાર કહો છો એ રીતે આનંદને વ્યક્ત કરો છો? દુ:ખની વાત, પીડાની વાત, પીડાવાની વાત કરીને સહાનુભૂતિ ઉઘરાવવાની માણસને ટેવ પડી ગઈ હોય છે. જેકોઈ મળે તેની સામે દુ:ખનું પોટલું ખોલીને બેસી જાય. સામેથી સહાનુભૂતિના બે શબ્દો મળે એટલે સંતોષનો ઓડકાર ખાઈ જાય. આશ્વાસનનાં વાક્યો, જે નરાતળ જૂઠ હોવાની જાણ હોય છે છતાં ગમે છે. પોતાને પ્રતાડિત, વિક્ટિમ દેખાડવાનો સ્વભાવ બની જાય છે ઘણામાં. પોતાને અન્યાય જ થાય છે, અન્યની ઈર્ષાનો ભોગ બનવું પડે છે, ધંધામાં દુશ્મનો અસુયાને કારણે હેરાન કરે છે, નોકરીમાં પોતાના કૌશલનો ઉપયોગ કરવાની તક નથી આપવામાં આવતી, પત્ની સમજી નથી શકતી, ભાઈ-ભાંડુઓ સાથ નથી આપતાં, પતિ ધ્યાન નથી આપતો, સાસુ-સસરા તરફ ગમે એટલો સારો વ્યવહાર રાખવા છતાં તેઓ હેરાન કરતાં રહે છે. પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવીને લાઇને ચડાવ્યા પછી એ પણ વહુનાં થઈ ગયાં છે... આ યાદી હજી એક કિલોમીટર લંબાવી શકાય. દરેક માણસ પાસે આવાં દુખોનું ટીપણું હોય છે, લાંબુંલચક, અનંત. દરેકનાં દુ:ખ અલગ હોય છે, દરેકની ફરિયાદ ભિન્ન હોય છે. આજુબાજુ જેટલું હોય એ બધાથી અસંતુષ્ટ. દરેકને સાબિત કરવું છે કે પોતાનાં દુ:ખ વધુ મોટાં છે.
 દુ:ખનું લિસ્ટ બધા હાથવગું રાખે છે, પણ સુખનું આવું લિસ્ટ કોઈ રાખતું નથી. તમે એવા કેટલા માણસો જોયા જેને મળો ત્યારે તે પોતાના આનંદની, ખુશીની યાદી આપે? હા, કેટલાક પોતાના સમૃદ્ધિનો દેખાડો કરવા માટે સુખની ગણતરી કરાવતા હોય છે ખરા, પણ આવા માણસો સુખની નહીં, વસ્તુઓની યાદી ગણાવતા હોય છે. તે પોતાની નવી બીએમડબ્લ્યુના સનરૂફની વાત કરશે, પોતે જેના સભ્ય છે એ ગોલ્ફ ક્લબનું ઘાસ કેટલું લીલું છે અને ગૉલ્ફકાર્ટ કેટલી મોંઘી પડી એની વાત કરશે. આવા ઘણા મળશે, પણ આનંદની વાત કરનારા કેટલા હશે? માણસની વિડંબણા છે કે આનંદને વ્યક્ત કરવામાં કચાશ રહી જાય છે. ખુશીને માણસ પૂરી જતાવતો નથી. આનંદને મનમાં જ સંઘરી રાખવાની ટેવ પડી જાય છે માણસને. એના વિશે વાત કરવામાં માણસ લોભ કરી બેસે છે. જેટલી તાલાવેલીથી દુ:ખની વાતો કરે એટલી ઉત્કટતાથી હર્ષની વાતો તે નહીં કરે. દુ:ખનું પોટલું ખભે ઉપાડીને બધા ફરે છે; પ્રસન્નતાનું, આનંદનું પોટલું ઉપાડીને કોઈ ફરતું નથી. આનંદનું પોટલું ઉપાડીને ફરવામાં મજા નથી આવતી, દુ:ખની ગાંસડી ઉઠાવીને ઘૂમવામાં આનંદ આવે છે એ કેવી વક્રતા, કેવો વિરોધાભાસ, કેવી વિડંબણા.
 જેવું બનવું જોઈએ એનાથી ઊલટું બને છે. ખરેખર તો પોતાના સુખની, આનંદની વાતો કરવામાં મજા આવવી જોઈએ, પ્રસન્નતા થવી જોઈએ, પણ થાય છે ઊલટું. લોકો દુ:ખનાં ગાણાં વધુ ગાય છે. દુ:ખની વાતો વધુ કરે છે. આવું કરવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. પોતાની ખુશીની, હર્ષની વાતો કરવાથી ઈર્ષાનો ભોગ બનવું પડે. દુ:ખની વાતો કરવાથી સામેવાળાની સહાનુભૂતિ મળે, દયા મળે, આશ્વાસન મળે. એટલું જ નહીં, સામેની વ્યક્તિ રોદણાં રડનારને દયામણો માની લે, પીડિત માની લે, ભોગ બનનાર માની લે એટલે તેને મદદ કરવાની ભાવના બતાવે, તેના પક્ષમાં જવા તૈયાર થાય. આવું ન થાય તો પણ રોદણાં રડનારની સામે કોઈ ન પડે. તેની હરીફાઈ ન કરે. તેને પ્રતિસ્પર્ધી ન માની લે, તેને ચડિયાતો ન ગણે એટલે ઈર્ષા ન કરે. કદાચ, અસુયાથી બચવા, સ્પર્ધાથી બચવા અને ભોગ બનનાર તરીકે પોતાની જાતને પ્રમોટ કરીને અન્યોને પોતાની તરફેણમાં લાવવા માટે લોકો દુ:ખને ગાઈવગાડીને કહેતા હશે. આવું કરવાથી લોકોને સામાજિક કે આર્થિક કે રાજકીય ફાયદો થતો હશે, પણ એનાથી માણસને પોતાને જે નુકસાન થાય છે એની ગણતરી તેણે કરી હોતી નથી. આનંદને, પ્રસન્નતાને, સુખને વ્યક્ત નહીં કરવાને લીધે, તેને દબાવી રાખવાને કારણે આનંદનો આનંદ લેવાનું બંધ થઈ જાય છે. આનંદિત રહેવાની આવડત જ ભુલાઈ જાય છે. પ્રસન્ન રહેવાનું કૌશલ જ ગુમાવી બેસે છે. દુ:ખનો અભિનય કરતાં-કરતાં પોતે ખરેખર દુખી થઈ જાય છે. અભિનય કરતાં-કરતાં એવી ટેવ પડી જાય છે કે એમાંથી નીકળી શકતા નથી. પછી તો અભિનય જ સ્વભાવ બની જાય છે. જીવનમાં આનંદ હોય તો પણ દુ:ખનો પેલો અભિનય તો ચાલુ જ રહે છે. એને લીધે ખુશીની પળોની મજા રહેતી નથી. ઉલ્લાસનો સમય પણ વેડફાતો રહે છે. પ્રસન્નતાના ફુવારા ઊડવા જોઈએ એ નથી ઊડતા.
કોઈ માણસ ઘંટીનું પડ ગળામાં પહેરીને  ફરે એ પછી એવું કહેતો રહે કે મારા જેવો અભાગિયો બીજો કોણ હોય જેણે સદા આ બોજ વહન કરતા રહેવું પડે છે તો તમે તેને શું કહેશો? મૂરખ જ માનશોને? કે પોતે પોતાની મેળે વજન ઉપાડીને ફરે છે તે કહેતો રહે છે કે હું પીડિત છું. ફેંકી દેવું જોઈએ તેણે ઘંટીનું પડ. જેમ બોકુઝુએ કહ્યું હતું એમ, કદાચ, એ માણસ તમે પોતે તો નથીને? જરા ચેક કરી લેજો. જો હો તો છુટકારો તમારા હાથમાં છે.‍
બહુ ઓછા માણસો એવા જોવા મળે છે જેઓ સતત ખુશમિજાજ રહેતા હોય, દેખાતા હોય. તમે માત્ર ખુશ હોવા જરૂરી નથી, ખુશ દેખાવું પણ આવશ્યક છે. આનંદિત દેખાશો તો આનંદિત રહેશો, નહીંતર એ ખુશી અંદર જ ગૂંગળાઈ જશે. પ્રસન્નતાની મજા જ એ છે કે જેટલી વ્યક્ત કરી એટલી વધે. એટલે જ માણસ આનંદની ક્ષણોને ઊજવવા માટે ટોળે વળે છે. ખુશીને જેટલી વહેંચો એટલી વધે. જેટલી ધરબી રાખો એટલી ઘટે. તમે ખુશ ન પણ હો અને આનંદથી નાચતા ટોળામાં ભળીને તમારા પગ થીરકવા લાગે તો તમારા મનમાં હર્ષની લાગણી વહેવા માંડશે. તમે ઉલ્લાસિત થઈ જશો, આનંદિત થઈ જશો. આનંદ તમારો અસ્સલ સ્વભાવ છે, તમારું કોર છે. એ સદા હયાત હોય જ છે. એને બહાર નીકળવાના માર્ગ આપો. મોટા ભાગના લોકો આનંદના બારણાને દુ:ખનું તાળું મારી દે છે. દુ:ખનો દાટો દઈ દે છે આનંદના ફુવારા પર અને પછી છાતી કૂટે છે કે જીવનમાં સુખ જેવું કશું જ નથી. હકીકતમાં સુખ કે દુ:ખ તમારે પોતે જ પસંદ કરવાનાં હોય છે. મોટા ભાગના લોકો દુ:ખને પસંદ કરે છે, તમે શું પસંદ કરશો?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK