Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે ખરેખર સ્વસ્થ છો ખરા?

તમે ખરેખર સ્વસ્થ છો ખરા?

14 June, 2020 10:47 PM IST | Mumbai
Kana Bantwa

તમે ખરેખર સ્વસ્થ છો ખરા?

તમે ખરેખર સ્વસ્થ છો ખરા?


એક રાજા હતો. અત્યંત પરાક્રમી. પોતાના શૌર્યના જોરે તેણે રાજ્યના સીમાડા વિસ્તાર્યા હતા અને રાજ્યને સમૃદ્ધ બનાવ્યું હતું. રાજા એક વખત બીમાર પડ્યો. રાજ્યના વૈદોએ બહુ પ્રયત્ન કર્યા, પણ રાજાને સાજો કરી શક્યા નહીં. રાજાને થયું કે બીમારીનો ઇલાજ નહીં થાય તો જીવ ખતરામાં મુકાઈ જશે એટલે તેણે ઢંઢેરો પિટાવ્યો કે જે મારી બ‌ીમારી હટાવી શકશે તેને ૧૦,૦૦૦ સોનામહોરનું ઇનામ અપાશે. દેશ-પરદેશથી ઘણા ચિકિત્સકો આવ્યા. જાતજાતની ઔષધિઓ અને જડીબુટ્ટીઓના પ્રયોગ કરી જોયા, પણ રાજા વધુ ને વધુ બીમાર થતો ગયો. જીવ પર જોખમ વધતાં રાજાએ ઇનામની રકમ વધારીને એક લાખ સોનામહોર કરી દીધી. દૂર દેશાવરથી ચારાગરો, કીમિયાગરો, ઔષધશાસ્ત્રીઓ, શરીરશાસ્ત્રીઓએ આવીને પાતેાના કસબ અજમાવી જોયા, પણ તમામ નિષ્ફળ નીવડ્યા. રાજાને હવે મોતનો ડર વીંટળાઈ વળ્યો એટલે તેણે જાહેરાત કરી કે જે મને સાજો કરશે તેને અડધું રાજ્ય આપી દઈશ. ફરી ચિકિત્સકોની વણજાર શરૂ થઈ. એમાં એક વૈદ્યએ આવીને કહ્યું કે તમારી બીમારીનો ઇલાજ મારી પાસે છે, પણ તમારા ઇનામથી મને સંતોષ નથી. જીવી જવાની આશાથી રાજાએ કહ્યું, ‘જલદી તમારી માગણી બોલો, હું તમે માગો તે આપવા તૈયાર છું.’ વૈદ્યએ માગણી મૂકી, ‘અડધું નહીં, આખું રાજ્ય આપો તો તમારો ઇલાજ કરું.’ રાજાએ તરત હા પાડી દીધી. ઇલાજ શરૂ થયો અને એકાદ મહિનામાં તો રાજા સ્વસ્થ થઈ ગયો. રાજાએ વૈદ્યની માગણી પ્રમાણે રાજ્ય તેને સોંપી દેવા માટેની તૈયારી કરી એટલે તે ચારાગરે કહ્યું, ‘રાજાજી, હું વૈદ્ય છું, રાજા નહીં. એટલે હું રાજ્ય ચલાવવા સક્ષમ નથી. મારે તમારું રાજ્ય જોઈતું નથી, પણ સ્વાસ્થ્ય જીવનમાં તમામ ચીજ કરતાં વધુ મહત્ત્વનું છે એ આપને સમજાય એટલે મેં પૂરા રાજ્યની માગણી કરી હતી અને એટલા માટે જ મેં જ્યારે ઇનામ નાનાં હતાં ત્યારે તમારી સારવાર કરી નહોતી.’

કોરોનાએ આપણને સૌને સમજાવી દીધું છે કે સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. સ્વસ્થ હોઈશું તો જીવનના તમામ આનંદ માણી શકીશું, તમામ ભોગ ભોગવી શકીશું. હેલ્ધી, નીરોગી માટે આપણી પાસે એક અદ્ભુત શબ્દ છે. દુનિયાની કોઈ ભાષામાં નીરોગી માટે આવો ગજબ શબ્દ નહીં હોય. સ્વાસ્થ્ય શબ્દ જેના પરથી ઊતર્યો છે અ સ્વસ્થનો અર્થ છે, સ્વમાં સ્થિર. પોતાના મૂળ સ્વભાવમાં સ્થિત. આપણે જેવા હોવા જોઈએ એવા રહીએ એટલે સ્વસ્થ. રોગવિહીન. નીરોગી. બીમારી બીજું કશું જ નથી, પણ શરીરમાં આવેલો બગાડ છે. પછી તે કોઈ બીમારી હોય, શરીરને તેનાં મૂળ સ્વરૂપમાં રહેવા ન દે એ બીમારી અને મૂળ સ્થિતિમાં પાછા આવી જાય એ સ્વસ્થ. આ શબ્દ તબીબીશાસ્ત્રનો નહીં, ફિલોસૉફીનો હોય એવો વધુ લાગે છે. સ્વસ્થ હોવું એટલે તમારા પર તમારી સત્તા હોવી. તમારા શરીર પર તમારું જ પૂર્ણ નિયંત્રણ હોવું. બીમારી તમને તમારી જાતમાં સ્થિર રહેવા દેતી નથી. તમને તમારામાંથી ડગાવી દે છે, તમારું નિયંત્રણ ખૂંચવી લે છે, તમને પરવશ બનાવે છે. તમારા જ શરીરના અવયવો તમારું કે તમારા શરીરનું કહેવું કરતા નથી. કોરોનામાં ફેફસાં પોતાનું કામ કરી શકતાં નથી, વેન્ટિલેટર પર રાખવામાં ન આવે તો માણસ મરી જાય છે. રોગ તમને તમારા સ્વથી વિચલિત કરી દે છે, તમને સ્વમાંથી બહાર કાઢી લે છે. ડૉક્ટરો તમને સ્વસ્થ નથી કરતા, બીમારીને શરીરમાંથી કાઢે છે, સ્વસ્થ તો તમે એની મેળે જ થાઓ છો. એ તો તમારી મૂળ સ્થિતિ જ હતી. બીમારી જાય એટલે તમે સ્વમાં ફરીથી પ્રસ્થાપિત થઈ જાઓ છો. ડૉક્ટરો સ્વાસ્થ્ય નથી આપતા, રોગ હટાવે છે. સ્વાસ્થ્ય મૂળ સ્થિતિ છે, ત્યાં તમે અનાયાસ પહોંચો છો.



સ્વસ્થ રહેવું એ પ્રકૃતિ છે. એ કુદરતી છે. આપણે બીમાર પડતાં શીખી ગયા છીએ. આપણે રોગને આમંત્રણ આપતાં શીખી ગયા છીએ. કોરોનાનો ફાયદો એ થયો છે કે આપણે સ્વાસ્થ્ય વિશે વિચારતા થયા છીએ. માંદા ન પડવાને મહત્ત્વ આપવા માંડ્યા છીએ. કોરોનાકાળમાં ઇમ્યિુનિટી શબ્દ મહત્ત્વનો બની ગયો છે. ઇમ્યુનિટી એટલે નીરોગી રહેવાની શરીરની શક્તિ. રોગનો પ્રતિકાર કરવાની તાકાત. શરીરમાં રોગ સામે લડવાની તાકાત ઘટે પછી જ બીમારી લાગુ પડી શકે. તો જ વાઇરસનો કે બૅક્ટેરિયાનો ચેપ લાગે અને તો જ તમારા શરીરમાં કોઈ પરોપજીવી કણ જીવતો રહી શકે. બાકી ઇમ્યુનિટીવાળું શરીર તો કોરોનાના વાઇરસને આસાનીથી ખાઈ જાય અને પચાવી પણ જાય. કોરોનાનો ચેપ જ ન લાગે અને કદાચ લાગી જાય તો પણ શરીર એને ખતમ કરી દે. આ કુદરતી વ્યવસ્થા છે અને આ લડાઈ શરીર પોતે જ લડે છે, તમારે એમાં કશું કરવાનું રહેતું નથી. શરીર રોજેરોજ આવી સેંકડો લડાઈ લડતું રહે છે. સેંકડો કે હજારો વાઇરસને શરીર મારતું રહે છે અને એનો કોળિયો કરતું રહે છે. એ રીતે જોઈએ તો આપણું શરીર નૉન-વેજિટેરિયન છે. બીમારી સામે લડવાના શરીરના તંત્રની મજબૂતાઈ પર તમારા આરોગ્યનો આધાર રહેલો છે. જ્યારે આ તંત્ર સક્ષમ હોય ત્યારે તમારું શરીર સંપૂર્ણપણે નીરોગી રહે. તમે પૂર્ણ ફિટ હો. તમે સ્વસ્થ હો. સ્વસ્થ હોવાનો અર્થ એ કે તમારા શરીરના તમામ પુરજા પોતપોતાનું કામ યોગ્ય રીતે કરે છે, દરેક અવયવ પોતાના સ્થાને પર્ફેક્ટ ફરજ નિભાવે છે, બધા સજ્જ, સક્ષમ, કાર્યક્ષમ અને કાર્યરત છે.


જેમ-જેમ આપણે સમૃદ્ધ થતા ગયા તેમ-તેમ આરોગ્યને ભૂલતા ગયા છીએ. આપણા જીવનની પદ્ધતિ બદલાઈ એની સાથે આપણે આરોગ્યને ભૂલતા ગયા છીએ. આપણે શરીરને નીરોગી રાખવા કરતાં રોગને હરાવવા પર ભાર મૂકવા માંડ્યા છીએ. બીમાર પડીશું તો હૉસ્પિટલ જઈ આવીશું એવી માનસિકતા આપણી થઈ ગઈ છે. ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર જ ન પડે એ સ્થિતિ આદર્શ કહેવાય, પણ મેડિકલ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થવા માંડી અને અસાધ્ય રોગોને પણ મટાડી દેવાની ક્ષમતા તબીબી વિજ્ઞાને હાંસલ કરી લીધી એટલે આપણે બેફિકર થઈ ગયા. માંદા પડીશું તો પણ વાંધો નહીં આવે એવી ખાતરીને લીધે માણસોની માંદા પડવાની બીક ઘટી ગઈ. 

  કોરોનાએ ફરીથી માણસને એ વિચારવા માટે મજબૂર કર્યો છે કે સારવાર કરાવવા કરતાં માંદા જ ન પડવું વધુ સારું છે. માણસ નામના પ્રાણીને તમે મજબૂર ન કરો ત્યાં સુધી સારી આદતો અપનાવતું નથી. દરેક સારી આદત પરાણે શીખવવી પડે છે અને દરેક ખરાબ આદત પોતાની મેળે જ માણસ શીખી જાય છે. માણસ દરેક વિધ્વંશક બાબત અનાયાસ કરી લે છે, સર્જનાત્મક ચીજો કરવા માટે પ્રયાસ કરવો પડે છે. માણસ માંદો બહુ સરળતાથી પડી જાય છે, પણ માંદગી હટાવવા માટે તે પોતે સક્ષમ બનતો નથી, ડૉક્ટરોની મદદ લેવી પડે છે. તમે ડાળી પર કૂંપળ ફૂટતી રોકી શકો, એને કાપી નાખી શકો, પણ ડાળી પર કૂંપળ ઉગાડવા તમે સક્ષમ નથી. પ્રકૃતિ સાથે, શરીર સાથે, સૃષ્ટિ સાથે માણસે સતત આ જ કર્યું છે. માણસને બગાડતાં આવડે છે, સુધારતાં એના પગે પાણી આવી જાય છે. માણસ જેટલું બગાડે છે એટલું સુધારતાં તો કુદરત પણ થાકી જાય છે. માણસ જો પોતાનું નૉર્મલ કુદરતી જીવન જીવે તો બીમાર પડવાની સંભાવના ઘટી જાય. પ્રાણીઓ માણસ જેટલાં બીમાર પડતાં નથી એનું કારણ એ જ છે કે એ હજી પ્રાકૃતિક જીવન જીવે છે. પાલતુ પશુઓ માણસના સંગમાં રહીને બીમાર પડતાં થઈ ગયાં છે. જંગલી પ્રાણીઓમાં પણ માણસે અમુક બીમારીઓ ઘુસાડી જ દીધી છે. ઘરમાં પાળવામાં આવતાં પ્રાણીઓને તો માણસ જેવી માનસિક બીમારીઓ પણ થવા માંડી છે. વાસ્તવમાં પ્રાણીઓનાં મન બહુ પ્રાથમિક કક્ષાનાં હોવાથી એમને માનસિક બીમારી થવી બહુ સંભવ નથી હોતી, પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પાળેલાં કૂતરા અને બિલાડીઓને પણ સ્ટ્રેસ અને હતાશા જેવા માનસિક રોગ થાય છે. માણસ જો સાદો ખોરાક લે, નિયમિત પરસેવો પાડે અને બેઠાડુ જીવન ન જીવે તો નીરોગી જ રહે, પણ આપણો ખોરાક, આપણી દિનચર્યા, આપણી રહેણીકરણી, આપણી કામની પદ્ધતિ બધું જ હવે કુદરતની વિરુદ્ધનું થઈ ગયું છે. સમૃદ્ધિ આવે એટલે આમ થવું સામાન્ય જ છે. માણસે પૈડું શોધ્યું એટલે તે મહેનત ઓછી કરતો થયો. આગનો ઉપયોગ શરૂ કર્યો એટલે રાતે જાગતો થયો. રાંધણકળા શીખી એટલે બિનકુદરતી ખોરાક પણ ખાતો થયો. વિજ્ઞાનની પ્રગતિ થઈ અને જીવન સરળ બન્યું એટલે લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ અને એ બદલાયેલી લાઇફસ્ટાઇલે માણસમાંની પોતાની તાકાત ઘટાડી દીધી. માણસ દરેક બાબતમાં બહારના ટેકાનો મોહતાજ થઈ ગયો. શરીર માટે તબીબીશાસ્ત્રનો મોહતાજ અને જીવવા માટે વિજ્ઞાનનો મોહતાજ. આ પરવશતા માણસને આજે નડી રહી છે. માણસને હવે બધી બાબતે ટેકાની જરૂર પડવા માંડી છે અને આ જ અસ્વસ્થતા છે. આ જ રોગીપણું છે. માણસ રોગી બની રહ્યો છે પરવશતાને લીધે. અન્ય પર આધારિત રહેવાનું માણસે ઘટાડવું પડશે. અવલંબન માણસને નડી રહ્યું છે. અવલંબન ભૌતિક બાબતોનું હોય કે અભૌતિક, નડે જ છે. શરીર મજબૂત બનાવવા માટે કુદરતે વ્યવસ્થા આપી છે, મહેનત કરો, સ્નાયુઓ આપમેળે મજબૂત થશે. આપણે બેઠાડુ જીવન પણ જીવવું છે અને સ્નાયુબદ્ધ શરીર પણ જોઈએ છે. આપણે જન્ક ફૂડ ખાવું છે, બિનઆરોગ્યપ્રદ પીવું છે અને પછી નીરોગી પણ રહેવું છે અને એ માટે માણસ વિજ્ઞાનનો ટેકો લેતો થઈ ગયો છે. વિજ્ઞાન ખરાબ નથી. માણસ આજે જે પ્રગતિ કરી શક્યો છે એ વિજ્ઞાનને જ આભારી છે. વિજ્ઞાન જ માણસને જિવાડી રહ્યું છે આજે, પણ માણસ એના પર વધુ અવલંબિત થઈ જાય ત્યારે વિજ્ઞાન ટેકણલાકડી બની જાય છે અને ટેકણલાકડી જ્યાં સુધી વાપરો ત્યાં સુધી તમે તમારા પગ પર સરખા ચાલી શકો નહીં. ફરીથી સ્વસ્થ થઈ જવાની આવશ્યકતા તરફ કોરોનાએ આંગળી ચીંધી છે, સંકેત આપ્યો છે, માણસ સમજી જાય તો સારું.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2020 10:47 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK