કોરોનાની સાથે સાથે માનવસમાજમાં પ્રસરી રહેલા આ રોગની તમને ખબર છે?

Published: Sep 07, 2020, 15:14 IST | Falguni Jadia Bhatt | Mumbai

કોરોનાની સાથે સાથે જેના પર કોઈનું ખાસ ધ્યાન જઈ રહ્યું નથી એવો પણ એક રોગ આપણી આસપાસ ફેલાઈ રહ્યો છે.

ભારત જેવા વિકાસશીલ દેશમાં ૧૩૦ કરોડની વસ્તીમાં આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે
ભારત જેવા વિકાસશીલ દેશમાં ૧૩૦ કરોડની વસ્તીમાં આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેમ છતાં આપણે જાણે હવે કોરોનાથી ટેવાઈ ગયા છીએ એવી રીતે વર્તવા લાગ્યા છીએ. અલબત્ત, કોરોનાનો ડર હજી પણ છે તો ખરો જ, પરંતુ કોરોનાની સાથે સાથે જેના પર કોઈનું ખાસ ધ્યાન જઈ રહ્યું નથી એવો પણ એક રોગ આપણી આસપાસ ફેલાઈ રહ્યો છે. આ રોગ માનસિક અવસ્થા સંબંધી છે. શું છે અને તેની શું અસર થઈ રહી છે આવો સમજીએ...

આજકાલ જ્યાં જાઓ ત્યાં કે જેમની પણ સાથે વાત કરો તેમની પાસેથી એવું જ પ્રતીત થાય છે કે કોરોનાનો ડર ધીમે ધીમે લોકોના મનમાંથી નીકળી રહ્યો છે. જ્યારે દિવસના ૧૦૦૦ કેસ થતા હતા ત્યારે ભારતમાં કોઈ ઘરની બહાર પગ મૂકવાની હિંમત પણ કરતું નહોતું. આજે દિવસના ૭૦,૦૦૦થી વધુ કિસ્સા થઈ રહ્યા છે અને એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કિસ્સા નોંધાવાનો રેકૉર્ડ પણ ભારતના નામે થઈ ગયો છે ત્યારે જાણે લોકોના મનમાંથી કોરોનાનો ખોફ ઓછો થઈ રહ્યો છે. મીડિયાનું પણ સંપૂર્ણ ધ્યાન છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી કોરોનાથી હટીને સુશાંત સિંહ રાજપૂતના નિધન તરફ જતું રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોનાની પાછળ જ આવી રહેલી બીજી ગંભીર બીમારી વિશે તો કોઈ વાત પણ કરી રહ્યું નથી. આ બીમારી છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી).
હવે તમને થશે કે આ પીટીએસડી તે વળી કઈ બલાનું નામ છે? પીટીએસડી વાસ્તવમાં કોઈ બીમારી નથી, પરંતુ એક માનસિક અવસ્થા છે, પણ એ ગંભીર હોવાથી લોકોને તેમાં સારવારની જરૂર પડે છે, કારણ તેમાં લોકોની રાતની ઊંઘ અને દિવસનું ચેન હરામ થઈ જાય છે. અવારનવાર તેઓ ફ્લેસબેકમાં સરી પડે છે અને જાણે જૂની પીડાદાયક ઘટનાઓ અત્યારે જ તેમની સાથે ઘટી રહી હોય એ રીતે ભયથી થરથર ધ્રૂજવા માંડે છે. આપણે માનીએ કે ન માનીએ, હકીકત તો એ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર કોઈ સંકટે વૈશ્વિક સ્તરે માનવજાતિને આ રીતે પોતાના સકંજામાં જકડી લીધી છે. કોરોનાનો અજગર મહિનાઓથી આખા વિશ્વને ભરડો લઈને બેઠો છે. ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના લગભગ બધા જ દેશોની સરકારો આ બીમારી સામે લડી રહી છે, પરંતુ હજી સુધી તેની કોઈ ચોક્કસ દવા બજારમાં ઉપલબ્ધ થઈ નથી. આ મુખ્ય બીમારીમાંથી છુટકારો મળે તો કોઈ પીટીએસડી વિશે વિચારે ને!
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના અત્યાચારનો ભોગ બનેલા કે પછી અમેરિકન અણુબૉમ્બનો ભોગ બન્યા બાદ પણ જીવતા રહી ગયેલા લોકો વર્ષો સુધી તેના ડરમાં જીવ્યા હતા. પ્રથમ તથા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મોટાપાયે મનોવૈજ્ઞાનિક અભ્યાસ થયા નહોતા, પરંતુ ૨૦૦૦ની સાલમાં હિટલરના હોલોકોસ્ટમાં બચી ગયેલા લોકો પર કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ પણ વર્ષો સુધી તેમાંના ૫૦ ટકાથી વધુ લોકો પીટીએસડીનો ભોગ બન્યા હતા અને ક્યાંય સુધી મનમાં એક વિચિત્ર પ્રકારના આતંક સાથે જીવ્યા હતા. એ તો ઠીક, સાર્સ નામની બીમારી (જે કોરોના જેવું ગ્લોબલ સંકટ પણ નહોતી) કાબૂમાં આવ્યા બાદ ૨૦૦૩ની સાલમાં હૉન્ગકૉન્ગમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. એ સર્વેમાં સાર્સને પગલે દેશની ૪૦ ટકા વસ્તીના માનસિક તણાવમાં વધારો થયેલો જણાયો હતો, જ્યારે ૧૬ ટકા વસ્તીમાં બીમારીને પગલે લાગેલા માનસિક આઘાતનાં ચોક્કસ લક્ષણો નોંધવામાં આવ્યાં હતાં. બલકે ૨૫ ટકા લોકો તો નિશ્ચિતપણે એવું માનવા માંડ્યા હતાં કે જો તેમને સાર્સ થયો તો તેઓ જીવિત નહીં જ બચે. જે લોકો સારા થઈને ઘરે આવી ગયા હતા તેમાંના પણ ૩૦થી ૩૨ ટકા લોકો પીટીએસડીનો શિકાર હતા.
જુલાઈ ૨૦૨૦માં ૧૫,૦૦૦થી વધુ બ્રિટિશ લોકો પર થયેલા સર્વેમાં લગભગ ૩૦ ટકા લોકોમાં માનસિક તાણ તથા પીટીએસડીનાં લક્ષણો જોવાં મળ્યાં હતા. સ્પેનમાં જે લોકો કોરોનાનો ભોગ બન્યા તેમાંના ૫૦ ટકાથી વધુ લોકોમાં પીટીએસડીનાં લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. એક સર્વે મુજબ બંગલા દેશમાં તો વસ્તીના ૮૬ ટકા લોકો કોરોનાના લીધે થતી માનસિક તાણનો ભોગ બન્યા છે. ઈક્વાડોરમાં અંતિમ સંસ્કારની યંત્રણા પડી ભાંગ્યા બાદ લોકોએ ઘણી વખત ૩-૪ દિવસ સુધી મૃતકના શબને પોતાના ઘરે રાખી મૂકવું પડ્યું હતું. ન્યુ યૉર્ક જેવા ન્યુ યૉર્કમાં દફનવિધિની વ્યવસ્થા થાય ત્યાં સુધી કેટલાય મૃતદેહોને કૉલ્ડ-સ્ટોરેજ વૅનમાં રાખવા પડ્યા હતા. અહીં આ બધા દાખલાઓ આપવાનો આશય છે કોરોનાની ગંભીરતા દર્શાવવાનો, કારણ કે બહુ ઓછા દેશો એવા છે કે જ્યાં મહાસંકટ બાદ થતી મનોવૈજ્ઞાનિક અસરોને સંભાળવા માટે યોગ્ય નિયમો છે.
ફ્રાન્સમાં કોઈ આતંકી ઘટના કે મોટી કુદરતી આફત બાદ મેડિકલની સાથે સાઇકોલૉજિકલ ઇમર્જન્સી યુનિટ પણ તૈયાર કરવામાં આવે છે. આ યુનિટનું કામ હોય છે દેશના તથા સમાજના કોઈ પણ સંકટ પ્રત્યે માનસિક રિસ્પોન્સ તૈયાર કરવાનું. ભારત જેવા વિકાસશીલ દેશમાં ૧૩૦ કરોડની વસ્તીમાં આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે, પરંતુ આશાની કિરણ મોજૂદ છે.
પીટીએસડીના રીસર્ચમાં એવું જાણવા મળે છે કે મોટાભાગના દરદીઓને વાસ્તવમાં મદદ મેળવવા કરતાં મદદ ઉપલબ્ધ હોવાનો અહેસાસ થવો આવશ્યક હોય છે. મુશ્કેલીના સમયે કોઈ માત્ર તમારી વાત સાંભળી લે, જેની સામે તમે મનની તાણ કે ભાર હળવો કરી શકો એવી વ્યક્તિની આવશ્યકતા હોય છે. ભારતમાં પણ સરકાર કોરોના સામે લડવાના પૂરતા પ્રયાસ કરી રહી છે, પરંતુ આ મનોવૈજ્ઞાનિક લડાઈ જીતવાની જવાબદારી સમાજની છે. આપણા પાડોશીઓ, મિત્રો, સગાંવહાલાંને આપણે તેમના માટે હાજર હોવાની અનુભૂતિ તેમને કરાવવાની જરૂર છે. જો એક શિક્ષિત, વિકસિત સમાજ તરીકે આપણે આટલું કરી શકીએ તો તે પણ સમાજની તથા સરકારની સૌથી મોટી સહાય હશે. આપણે અગાઉ પણ આ સંવાદમાં ઘણીવાર કોરોના વિશે વાત કરી ચૂકયા છીએ, પરંતુ આ વખતે આંકડાઓ સહિત અહીં આવી ચર્ચા કરવાનો આશય એ જ છે કે આપણને યાદ રહે કે વાસ્તવમાં કોરોના વિરુદ્ધની આપણી લડાઈ હજી ઘણી લાંબી ચાલવાની છે.
ફ્રાન્સમાં કોઈ આતંકી ઘટના કે મોટી કુદરતી આફત બાદ મેડિકલની સાથે સાઇકોલૉજિકલ ઇમર્જન્સી યુનિટ પણ તૈયાર કરવામાં આવે છે. આ યુનિટનું કામ હોય છે દેશના તથા સમાજના કોઈ પણ સંકટ પ્રત્યે માનસિક રિસ્પોન્સ તૈયાર કરવાનું. ભારત જેવા વિકાસશીલ દેશમાં ૧૩૦ કરોડની વસ્તીમાં આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે, પરંતુ આશાની કિરણ મોજૂદ છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK