Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આસપાસની ઘટનાઓ તમને ડરાવી રહી છે?

આસપાસની ઘટનાઓ તમને ડરાવી રહી છે?

06 January, 2020 05:41 PM IST | Mumbai Desk
varsha chitaliya | varsha.chitaliya@mid-day.com

આસપાસની ઘટનાઓ તમને ડરાવી રહી છે?

આસપાસની ઘટનાઓ તમને ડરાવી રહી છે?


પબ્લિકમાં એક યા બીજા કારણોસર ભયનો ઓથાર છે. આ ભયની સ્થિતિમાં વ્યક્તિગત ધોરણે સંયમ ન જાળવવામાં આવે તો પબ્લિકમાં પૅનિક ક્રીએટ થઈ શકે છે. આજે જોઈએ પબ્લિક-ફિયર શું છે, એને કઈ રીતે હૅન્ડલ કરવો જોઈએ તેમ જ ભયના વાતાવરણમાં વ્યક્તિગત ધોરણે દરેક દેશવાસી શું કરી શકે એમ છે એ

છેલ્લાં થોડાં વર્ષથી આપણા દેશમાં એવી હવા ઊભી થઈ છે જેને લીધે કોઈના જીવને શાંતિ નથી. આંદોલનો, વિરોધ-પ્રદર્શનો, રમખાણો, બળાત્કાર, રાજકીય તંગદિલી, તોડફોડ, તોફાનો અને આર્થિક મંદી જેવી અનેક ઘટનાઓ અને સમાચારોને કારણે મોટા ભાગના નાગરિકોના મનમાં ભય પેસી ગયો છે કે હવે શું થશે? ડર, ભય, હાઉ આ એવા શબ્દો છે જે તમને જંપવા ન દે. જોકે એનાં લક્ષણો અને ડરનું સ્તર વ્યક્તિગત હોઈ શકે. કોઈને દરેક ઘટના ધ્રુજાવી દે છે તો કેટલાક લોકોના મગજ પર ચોક્કસ ઘટનાની અસર
થાય, પરંતુ ભયનું વાતાવરણ છે એ વાસ્તવિકતા છે.
એકવીસમી સદીમાં સોશ્યલ મીડિયાએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની જે અણમોલ ભેટ આપી છે એનો દુરુપયોગ પણ એટલો જ થઈ રહ્યો છે. રાજકીય, સામાજિક કે આર્થિક કોઈ પણ ઘટના ઘટે એટલે તરત હૅશટૅગ સાથે હજારો ટ્વીટ અને ઇન્ટરનેટ પોસ્ટ વાઇરલ થઈ જાય છે જે પબ્લિકમાં ફિયર ઊભો કરે છે. આજે આપણે પબ્લિક-ફિયર શું છે, કેવી ઘટનાઓની સામૂહિક અસર થતી હોય છે અને એમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ એ સંદર્ભે એક્સપર્ટ સાથે વાત કરીએ.
જનરલ ઍન્ગ્ઝાયટી
ફિયર એટલે કે ભયનું વાતાવરણ માત્ર ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં જોવા મળે છે. ચારે બાજુ સતત નકારાત્મક વાતો ચાલતી હોય ત્યારે પોતાને એમાંથી અલિપ્ત રાખવી મુશ્કેલ હોય છે. નેગેટિવ ન્યુઝ તમારા મનમાં છૂપો ડર પેદા કરે છે એમ જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘બળાત્કારની વધી રહેલી ઘટનાઓ, ઇકોનૉમિકલ સ્લોડાઉન, પૉલિટિકલ અને સોશ્યલ અસલામતી જેવી બાબતોને લીધે આપણી આસપાસ નેગેટિવ ઓરા બનતો જાય છે અને પરિણામે કૉમનમૅનની થિન્કિંગ પૅટર્નમાં ચેન્જિસ આવ્યા છે. દાખલા તરીકે નજીકના ભૂતકાળમાં એક બૅન્કના ઉઠમણાએ હજારો લોકોના માનસ પર સીધી અસર કરી હતી. જેમની જીવનભરની મૂડી લૂંટાઈ ગઈ છે તેમને સ્ટ્રેસ પડે, પ્રેશર વધે, હૃદયનો હુમલો આવે એવું બની શકે, પરંતુ ડર દરેકેદરેક વ્યક્તિમાં જોવા મળ્યો હતો. કેટલાયને રાતે ઊંઘ નહોતી આવતી તો કેટલાય લોકોએ ગભરાઈને અન્ય બૅન્કોમાં મૂકેલી થાપણ ઘરભેગી કરી લીધી હતી.’
દેશમાં કાયદો અને ન્યાયવ્યવસ્થા નબળી પડે, આર્થિક સંકટ તોળાય ત્યારે પબ્લિકમાં ફિયર જનરેટ થાય છે એમ જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ યુસુફ માચીસવાલા કહે છે, ‘અસલામતી અને અનિશ્ચિતતા સામૂહિક ભયનાં મુખ્ય કારણો છે. સામાન્ય નાગરિકો માટે આ બાબતો ચિંતાનો વિષય છે એથી તેમને ડર લાગે છે. થોડા દિવસ પહેલાં હૈદરાબાદમાં ઘટેલી બળાત્કાર અને હત્યાકાંડની ઘટના તેમ જ એ પહેલાં નિર્ભયા પ્રકરણના પડઘારૂપે અનેક મહિલાઓમાં અસલામતીની ભાવના પેદા થઈ છે. સોશ્યલ મીડિયા પર આવા બનાવોના વિડિયો અને ફોટો માનસિક અસ્વસ્થતામાં વધારો કરે છે. મોટા ભાગના લોકો નકારાત્મક વિચારો અને પરિસ્થિતિને હૅન્ડલ કરવામાં નિષ્ફળ જાય છે એનું કારણ છે ઇન્ટરનેટ અને ફેક ન્યુઝની દુનિયા. આ એવું વિશ્વ છે જે તમારા મગજ પર કબજો જમાવીને ભય પેદા કરે છે.’
હજારો લોકોનાં મગજ પર નકારાત્મક અસર પડે એને તબીબી ભાષામાં જનરલાઇઝ્‍ડ ઍન્ગ્ઝાયટી ડિસઑડરનાં લક્ષણો કહેવાય. આગળ વાત કરતાં ડૉ. બાંગર કહે છે, ‘આ બધી ઘટનાઓની વચ્ચે કદાચ કોઈ સારા સમાચાર સાંભળવા મળે તો પણ આપણે એમાંથી કંઈક નકારાત્મક શોધી કાઢીએ છીએ. એનું કારણ છે અફવા. સામાન્ય માણસ સુધી સાચી માહિતી પહોંચતી નથી અને અફવાઓ જંગલમાં લાગેલી આગની જેમ પ્રસરે છે અને પરિણામે ભય દૂર થતો નથી.’
ભયાનક ઘટનાઓ
ભયાનક ઘટનાઓમાં કુદરતી આફત ત્રાટકે, બૉમ્બ-બ્લાસ્ટ થાય કે આતંકવાદી હુમલો થાય અથવા દેશમાં યુદ્ધનો માહોલ બને ત્યારે હજારો લોકોનાં મગજ પર ભયનું એકસામટું આક્રમણ થાય છે, જેને ટ્રોમૅટોફોબિયા કહે છે. આતંકવાદી હુમલાની ઘટનામાં મુંબઈ અને દિલ્હીના લોકો સૌથી વધારે ભયભીત થાય છે એમ જણાવતાં ડૉ. બાંગર કહે છે, ‘દેશની રાજધાની અને ઇકૉનૉમિકલ કૅપિટલમાં રહેતા લોકોના મગજમાં એક જ વાત ચાલે કે આપણું શહેર ટાર્ગેટ છે. ટાર્ગેટ શબ્દ હથોડાની જેમ મગજ પર વાર કરે ત્યારે સમજણશક્તિ બહેર મારી જાય છે. એ જ રીતે નૅચરલ ડિઝૅસ્ટર અને યુદ્ધમાં પણ સામૂહિક દહેશત જોવા મળે.’
બાળકોને ઉપાડી જવાના કિસ્સા પબ્લિકમાં પૅનિક પેદા કરનારા હોય છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે નાનાં બાળકોને ઉપાડી જનાર ટોળકી ફલાણા વિસ્તારમાં ઍક્ટિવેટ થઈ છે. કોઈ જગ્યાએ બાળકના અપહરણનો કિસ્સો બન્યો હોય તો આપણું બાળક લક્ષ્ય છે એવો ભય આખા વિસ્તારના પેરન્ટ્સમાં જોવા મળે. આવા સાચા અથવા કાલ્પનિક સમાચારો દહેશત ફેલાવે છે એમ જણાવતાં ડૉ. માચીસવાલા કહે છે, ‘ડરામણી વાર્તાઓ પછી એ કાલ્પનિક હોય કે સત્ય આખા વિસ્તારના રહેવાસીઓને ભયભીત કરે છે. ખાસ કરીને નાની બાળકીઓને ઉપાડી જઈને વેચી દેવામાં આવે છે કે તેમને કૂટણખાનામાં ધકેલી દેવામાં આવે છે એવી વાતો પર આપણે જલદીથી વિશ્વાસ કરી બેસીએ છીએ. એવી જ રીતે હુમલો થશે અને હું જખમી થઈશ એવો ડર પેસી જાય અને પછી તમે બીજું કંઈ વિચારી જ ન શકો.’



શું કરવું?
ફિયર એ માનસિક બીમારીનું લક્ષણ છે. ભય લાગે ત્યારે હૃદયના ધબકારા વધી જાય, પેટમાં ફાળ પડે, શરીરમાં કંપારી છૂટે, પરસેવો વળે, મોઢું સુકાવા માંડે, શુગર વધી જાય. હાઉ સતાવતો હોય ત્યારે સંયમ રાખવો અત્યંત જરૂરી છે. મન રિલૅક્સ થાય એવી ઍક્ટિવિટી કરવાથી ભય ઓછો થાય છે એવી ભલામણ કરતાં ડૉ. યુસુફ માચીસવાલા કહે છે, ‘વાસ્તવમાં આવી ઘટનાઓ તમારી વ્યક્તિગત સહન કરવાની ક્ષમતાને ઓછી કરે છે. સૌથી પહેલાં તો તમારા ચહેરા પર કોઈ પ્રકારનો ભય છે એ દેખાવું ન જોઈએ. અસામાજિક તત્ત્વો પબ્લિક કેટલી ડરેલી છે એનું નિરીક્ષણ કરતાં હોય છે. સાર્વજનિક સ્થળોએ તમારી વર્તણૂક સામાન્ય હોવી જોઈએ. અપૂરતી માહિતી હોય ત્યારે ટિપ્પણીઓ કરવાથી દૂર રહો. સેલ્ફ કન્ટ્રોલ અને સેલ્ફ ડિફેન્સને સર્વાધિક પ્રાધાન્ય આપો. કેટલીક સારી ઘટનાઓ વિશે વિચારો અને એની ચર્ચામાં જોડાઓ. જોકે સૌથી સરળ માર્ગ છે મેડિટેશન અને એક્સરસાઇઝ. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન વાળવાથી પણ ભય ઓછો થાય છે.’
દરેક વ્યક્તિની હૅન્ડલ કરવાની ક્ષમતા જુદી હોય છે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. બાંગર કહે છે, ‘સવારે ઊઠીને અખબાર ખોલો તો એકાદ ઘટના તો એવી ચોક્કસ વાંચવા મળે જેની તમારા મગજ પર નકારાત્મક અસર થાય. જોકે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું પણ અગત્યનું છે. સૌથી પહેલો સંયમ અહીં પાળવાનો છે. ખરાબ ઘટનાઓને તમારા મગજ પર હાવી ન થવા દો. સોશ્યલ મીડિયામાં તમારા અભિપ્રાય આપતા મેસેજ મૂકી ચર્ચાઓ ન કરો. જોકે બૉમ્બ-બ્લાસ્ટ અને સુનામી જેવી ઘટનાને નજરોનજર જોનારાઓમાં ભય નહીં, પણ પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર જોવા મળે છે. આ એવો ભયંકર રોગ છે જેમાં વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવી બેસે છે. આવા કેસમાં સારવારની આવશ્યકતા પડે છે.’


અસામાજિક તત્ત્વો પબ્લિક કેટલી ડરેલી છે એનું નિરીક્ષણ કરતાં હોય છે. સાર્વજનિક સ્થળોએ તમારી વર્તણૂક સામાન્ય હોવી જોઈએ. અપૂરતી માહિતી હોય ત્યારે ટિપ્પણીઓ કરવાથી દૂર રહો. સેલ્ફ કન્ટ્રોલ અને સેલ્ફ ડિફેન્સને સર્વાધિક પ્રાધાન્ય આપો. કેટલીક સારી ઘટનાઓ વિશે વિચારો અને એની ચર્ચામાં જોડાઓ. જોકે સૌથી સરળ માર્ગ છે મેડિટેશન અને એક્સરસાઇઝ. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન વાળવાથી પણ ભય ઓછો થાય છે - ડૉ. યુસુફ માચીસવાલા

અનેક ખરાબ ઘટનાઓની વચ્ચે કદાચ કોઈ સારા સમાચાર સાંભળવા મળે તો પણ આપણે એમાંથી કંઈક નકારાત્મક શોધી કાઢીએ છીએ. એનું કારણ છે અફવા. સામાન્ય માણસ સુધી સાચી માહિતી પહોંચતી નથી અને અફવાઓ જંગલમાં લાગેલી આગની જેમ પ્રસરે છે અને પરિણામે ભય દૂર થતો નથી. - ડૉ. સંતોષ બાંગર


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 05:41 PM IST | Mumbai Desk | varsha chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK