Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમે તમારા જીવનનું ધ્યેય શોધી રહ્યા છો?

શું તમે તમારા જીવનનું ધ્યેય શોધી રહ્યા છો?

30 March, 2020 07:42 AM IST | Mumbai Desk
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

શું તમે તમારા જીવનનું ધ્યેય શોધી રહ્યા છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ કોરોના વાઇરસને કારણે લાગેલા કરફ્યુને પગલે જીવન ખરા અર્થમાં સ્લોડાઉન થઈ ગયું છે. બલકે કહો કે સ્થગિત જ થઈ ગયું છે. સોશ્યલ મીડિયાના કોઈ પણ માધ્યમ પર જુઓ, સૌકોઈ આ સમય પોતાની જાત સાથે તથા પોતાના પરિવાર સાથે ગાળવાની સલાહ આપતા ફરે છે. જેને જુઓ તે બહાર ન જઈ શકતા હો તો અંદર જાઓ જેવી શિખામણ વહેંચી રહ્યું છે, પરંતુ હકીકત તો એ છે કે આ અંદર જવું એટલે શું એનો જવાબ આપણામાંથી કોઈની પાસે નથી. મન નામનો રમણીય પ્રદેશ ખરેખર તો ભૂલભુલૈયા જેવો છે. ચોક્કસ ગાઇડલાઇન્સ ન હોય તો ખોવાઈ જવાય એવો. તેથી થયું કે આ વખતે તો સમય મળ્યો છે તો લાવ, આ વિષય પર જ થોડું રિસર્ચ કરી જોઉં. રિસર્ચ કરતાં-કરતાં સમજાયું કે વાસ્તવમાં મન સાથે જોડાયેલા મોટા ભાગના પ્રશ્નોના મૂળમાં એક જ મૂળ પ્રશ્ન રહેલો છે, જીવનના ધ્યેયનો પ્રશ્ન. 

આદિકાળથી ચર્ચાતો આવેલો અને અનાદિ કાળ સુધી જેની ચર્ચા કરી શકાય એવા આ પ્રશ્નનો ચોક્કસ જવાબ કોઈની પાસે નથી. આધ્યાત્મમાર્ગીઓને મન ઈશ્વરને પામવા એ તેમના જીવનનું ધ્યેય છે તો કર્મમાર્ગીઓને મન પોતાનું કામ તેમના જીવનનું ધ્યેય છે. જ્યારે વિદ્યાર્થીઓ માટે પોતાના અભ્યાસમાં સારા અંક લાવવા એ તેમના જીવનનું ધ્યેય હોય છે તો ગૃહિણીને મન પોતાના ઘર-પરિવારનું ધ્યાન રાખવું તેના જીવનનું ધ્યેય હોય છે. બીજા શબ્દોમાં જીવનનું ધ્યેય એ એક અત્યંત વેગ ટર્મ છે જે વ્યક્તિએ-વ્યક્તિએ બદલાઈ શકે છે એટલું જ નહીં, પ્રત્યેક વ્યક્તિના જીવનના વિવિધ પડાવો તથા એના સંજોગોને આધારે પણ બદલાઈ શકે છે.



તેથી એક સામાન્ય જવાબ તરીકે લોકો એવા નિષ્કર્ષ પર આવે છે કે જીવનનું ધ્યેય એટલે કોઈ પણ એવું કામ જે કરવામાં તમને મજા આવે, પરંતુ મોટા ભાગના લોકો સાથે બને છે એવું કે રોજ-રોજની દોડાભાગી તથા જવાબદારીઓનો બોજ તેને ક્યારેય એટલો સમય પણ નથી આપતા કે તે પોતાને ગમતું કંઈ કરી શકે. પરિણામે સમયના પ્રવાહમાં વહેતા-વહેતા આખરે વ્યક્તિ સાવ ભૂલી જ જાય છે કે એવી કઈ બાબતો છે જે તેને ખરેખર ગમે છે અને એ બધામાંથી કઈ એવી એક બાબત છે જે ખરેખર તેના જીવનનું ધ્યેય છે. તેથી મોટા ભાગના આપણે જે જીવન આપણને મળ્યું છે, જે કામ આપણા હાથમાં હોય એને જ સર્વશ્રેષ્ઠ રીતે કરીને મન મનાવી લેતા હોઈએ છીએ. તેથી એવું કયું કામ છે જે વાસ્તવમાં આપણા જીવનનું ધ્યેય બની શકે છે એ મુદ્દા પર થોડો વિચાર તો કરવો જ પડે.


પરંતુ બધા જ જાણે છે કે કેટલીક વાર જીવનમાં કેટલાક પ્રશ્નો એવા હોય છે જેમાં ઘી સીધી આંગળીએ નથી નીકળતું. તેથી મારા જીવનનો ઉદ્દેશ્ય શું એવો પ્રશ્ન પૂછવા જાઓ તો શક્ય છે કે મન તમને સીધો જવાબ ન આપે, તેથી ચાલો આજે એને કોરોના વાઇરસના સંદર્ભમાં કેટલાક સવાલો પૂછી જોઈએ. શક્ય છે કે ઊંધી રીતે કાન પકડાતાં મન તમને જોઈતો જવાબ આપી દે.

આપણે બધા જ જાણીએ છીએ કે ક્વૉરન્ટીનનો આ સમય કંઈ બહુ લાંબો સમય ચાલવાનો નથી. બે-ચાર અઠવાડિયાંમાં જ જીવન ફરી પાછું એના થાળે પડી જ જવાનું છે. તો સૌથી પહેલાં તો ક્વૉરન્ટીનને પગલે મળેલા આ ફાજલ સમયમાં તમારે શું-શું કરવું છે એનું એક ટુ ડૂ લિસ્ટ બનાવો. કિચનની કૅબિનેટ સાફ કરવી છે, ફ્રિજ સાફ કરવું છે, બૅન્કનાં કાગળિયાં ઠેકાણે પાડવાં છે, જૂનાં કપડાં કાઢી નાખવાં છે, નવી ક્રૉકરી વાપરવા કાઢવી છે વગેરે-વગેરે. હવે માની લો કે થોડા દિવસમાં તમે એ બધા કે એમાંથી મોટા ભાગનાં કામો પતાવી દીધાં. હવે? હવે પાછું પેલું ટુ ડૂ લિસ્ટ બહાર કાઢો અને એમાં એવી બાબતોનો સમાવેશ કરો જે તમને હંમેશાંથી કરવાં ગમે છે, એવાં કામો જે તમે હાઉસ અરેસ્ટની આ સ્થિતિમાં પણ દિવસ-રાતની પરવા કર્યા વગર કરી શકો છો, એવાં કામો જે કરતી વખતે તમે ખાવા-પીવાનું, નહાવા-ધોવાનું પણ ભૂલી જઈ શકો છો.


બલકે આ લિસ્ટમાં એવાં કામોનો તો ખાસ ઉમેરો કરજો જે આઠ-દસ વર્ષની ઉંમરે કરવાનું તમને ખૂબ ગમતું હતું, પરંતુ જીવનની ભાગદોડમાં એ સાવ પાછળ જ રહી ગયું. શક્ય છે કે આ કામ કોઈ એવું હોય જે કરવાની ઇચ્છા અંદરખાને તો તમને વર્ષોથી હતી, પરંતુ સમાજની ધાકે કે શરમના માર્યા તમે ક્યારેય કરી નહીં. જેમ કે નૃત્ય કરવું, ગીતો ગાવાં, ચિત્રો બનાવવાં, નિતનવી વસ્તુઓ બનાવવી વગેરે. કદાચ એવું પણ બની શકે કે હંમેશાંથી તમારી ઇચ્છા પોતાનું કોઈ નવું સ્ટાર્ટ અપ શરૂ કરવાની હોય, પરંતુ એ માટેનું પ્લાનિંગ કરવાનો સમય જ આજ સુધી ન મળ્યો હોય. બસ, તો એ બધું કરવાનું શરૂ કરી દો.

આપણે બધા જ જાણીએ છીએ કે હાલ બહાર પરિસ્થિતિ કેટલી ખરાબ છે. કોઈને મળવાની વાત તો દૂર, કોઈ ભૂલથી આપણને હાથ પણ ન લગાડી દે એનો પણ હવે તો આપણે ખ્યાલ રાખવા માંડ્યા છીએ. હવે એક વિચાર એવો પણ કરી જુઓ કે જો કોઈ આવામાં તમારા માથે બંદૂક મૂકે અને રોજેરોજ કામે જવાની ફરજ પાડે તો એવું કયું કામ છે જે કરવા જવા તમે જીવનું પણ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાઓ. શું તમને સ્કૂલમાં જઈ વિદ્યાર્થીઓને ભણાવવાનું ગમે? તો સમજી લો કે તમારા જીવનનો ઉદ્દેશ સારા શિક્ષક બનવાનો છે. શું તમને દરદીઓનો ઇલાજ કરવા જવાનું ગમે? તો સમજી લો કે તમારો જન્મ સારા ડૉક્ટર બનવા માટે થયો છે. શું તમને પ્લેન ઉડાવવાનું ગમે? તો સમજી લો કે તમારામાં એક કાબેલ પાઇલટ બનવાના બધા જ ગુણ છે.

હવે છેલ્લે એક અત્યંત ડરામણા, પણ ગંભીર પ્રશ્ન પર પણ વિચાર કરી લો. ભગવાન ન કરે અને દુનિયાના બધા દેશોના અથાક પ્રયત્નો છતાં આ વાઇરસ આપણા કાબૂમાં જલદી ન આવે તો આપણે બધાએ આ ધરતી પર પોતાના દિવસો ગણવાનો વારો આવી જશે. જો આવો સમય આવી જાય તો તમારા આ છેલ્લા દિવસો તમે કેવી રીતે પસાર કરશો? કયાં કામો પતાવશો? કયાં કામો પડતાં મૂકી દેશો? કયાં કામો શરૂ જ નહીં કરો અને કયાં કામો તરત શરૂ કરી દેશો? કેવા લોકોને મળશો અને કેવા લોકોને બિલકુલ નહીં મળો?
આ છેલ્લો સવાલ સૌથી ગંભીર છે, પરંતુ સૌથી સચોટ પણ છે. આ સવાલના જવાબમાં જ એ રહસ્યનો જવાબ છે કે તમે ખરેખર જીવન તરીકે ઓળખાતા આ સમય સાથે શું કરવા માગો છો. પોતાના સમયને કઈ રીતે વિતાવવા માગો છો. જ્યારે તમને એ જવાબ મળી જશે કે પોતાને મળેલા સમયને કઈ રીતે વિતાવવો છે ત્યારે એ જવાબ પણ મળી જશે કે જીવન કરી રીતે વિતાવવું છે, જીવનનું ધ્યેય શું છે.
વાસ્તવમાં જીવનમાં શું કરવું છે, શું બનવું છે? આ એક એવો પ્રશ્ન છે, જેનો જવાબ શોધવા માટે આપણું મન જીવનભર વલખાં મારતું રહે છે. જાણે આપણે જીવનમાં કોઈ મહાન ઉદ્દેશ્ય સાથે જન્મ લીધો હોય અને જ્યાં સુધી એ ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આપણે જીવનમાં આગળ વધી નહીં શકીએ. જરા બારીકાઈથી વિચારીને જુઓ. આપણને ખબર પણ નથી કે આપણે કેટલા સમય માટે આ સંસારમાં આવ્યા છીએ. આપણી પાસે કેટલો સમય છે. આવામાં પોતાની જાતને એ પૂછવું કદાચ વધુ યોગ્ય રહેશે કે ‘મને જે સમય મળ્યો છે એની સાથે મારે શું કરવું છે?’ જેવો તમે પોતાને મળેલા સમયને કઈ રીતે વાપરવો એનો જવાબ શોધવાનું શરૂ કરી દેશો કે જીવનનું ધ્યેય શોધવાની પ્રક્રિયા આપોઆપ આસાન બની જશે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 07:42 AM IST | Mumbai Desk | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK