કૉફીએ તમારી ઊઘ ઉડાડી છે?

Published: Oct 01, 2019, 18:00 IST | અર્પણા શિરીષ | મુંબઈ

૨૦૧૮માં આપણા દેશમાં ૫૩.૫૧ ટકા લોકો કૉફી પીનારા હતા. કૉફી જો મનને ફ્રેશ કરતી હોય તો વધુપડતી કૉફી તનને નુકસાન પણ પહોંચાડી શકે છે. આજે ઇન્ટરનૅશનલ કૉફી ડે છે ત્યારે સવારના પહોરમાં કિક આપતુ આ કૅફીનયુક્ત પીણું પીવામાં લિમિટ ક્યાં સેટ કરવી એ જાણી લો

કૉફી
કૉફી

મૂડ સારો ન હોય કે પછી કામ કરવાનો કંટાળો આવતો હોય ત્યારે પોતાની સ્ટાઇલમાં અનેલી એક પ્યાલી કૉફીનો સંગાથ કોઈ મિત્ર કરતાંય વધુ સુકૂન આપે છે. ખરુંને! આમ તો ભારત ટી-ડ્રિન્કિંગ કન્ટ્રી ગણાય છે. પણ આપણે ત્યાં ટ્રેડિશનલ કાપીથી લઈને ઇન્ટરનૅશનલ લાટે સુધી બધા જ ટાઇપની કૉફી પીવાવાળા મળી રહે છે. સ્ટૅટિસ્ટિક્સની વાત કરીએ તો ૨૦૧૮માં આપણા દેશમાં ૫૩.૫૧ ટકા લોકો કૉફી પીનારા હતા. કૉફી જો મનને ફ્રેશ કરતી હોય તો વધુપડતી કૉફી તનને નુકસાન પણ પહોંચાડી શકે છે. જો દિવસની શરૂઆત ગરમાગરમ કૉફીના કપથી કરતા હો તો આ કૅફીનયુક્ત પીણું પીવામાં લિમિટ ક્યાં સેટ કરવી એ જાણી લો. 

દિવસની શરૂઆત
કેટલાક લોકોને સવારે આંખો ખૂલતાંની સાથે જ્યાં સુધી પેટમાં કૉફી ન રેડાય ત્યાં સુધી ઊંઘ નથી ઊડતી. અને આ રીતે ખાલી પેટ કૉફી પીવી એટલે અનેક શારીરિક સમસ્યાને આમંત્રણ આપવું. આ વિશે વધુ જણાવતાં માટુંગાનાં હોલિસ્ટિક ન્યુટ્રિશનિસ્ટ હેતલ છેડા કહે છે, ‘કૉફી પીવી ખરાબ નથી, પણ તમે એને ક્યારે અને કેટલી માત્રામાં પીઓ એ મહત્ત્વનું છે. જેમ કે સવારે ઊઠીને તરત જ ખાલી પેટે કૉફી પીતાં કૉફીમાં રહેલા કૅફીનને લીધે ઍસિડિટી થાય છે અને આ ઍસિડિટીની ઇફેક્ટ આખા દિવસ દરમિયાન રહે છે. જોકે ઇફેક્ટ પણ દરેક વ્યક્તિ માટે જુદી-જુદી હોય છે. કેટલાકને દસ
કૉફી પીવાથી પણ કંઈ નહીં થાય, જ્યારે
કેટલાકને એક કપ કૉફી પણ નુકસાન કરે છે એટલે શરીરનું મેટાબોલિઝમ કૅફીનને કઈ રીતે અસર કરે છે એ જાણીને કૉફીનું સેવન કરવું જોઈએ. એ ઉપરાંત કૉફી શરીરનું તાપમાન એકથી બે ટકા વધારી દે છે. બૉડી હીટ વધવાને કારણે બ્લડ-પ્રેશર શૂટ થાય છે અને કા‌િર્ડયોવૅસ્ક્યુલર રોગોનું પ્રમાણ વધે છે. અને એટલે જ કૉફી સવારના પહોરમાં ઊઠતાંની સાથે જ પીવી હિતાવહ નથી.’
થાક અને આળસ
આળસ આવતી હોય ત્યારે કૉફી પીવાથી ફ્રેશ લાગે તો પછી કૉફીથી આળસ કેવી રીતે આવી શકે? જોકે કૉફી નહીં, પણ એમાં રહેલા કૅફીનનું પ્રમાણ શરીરને કેટલીક વાર સુસ્ત બનાવી દે છે. આ વિશે જણાવતાં હેતલ છેડા કહે છે, ‘આપણા મગજમાંથી કેટલાંક એવાં કેમિકલ્સ રિલીઝ થાય છે જે તમે જાગો ત્યારે વધી જાય છે અને સૂવાનો સમય થાય એટલે એ રસાયણોના પ્રમાણમાં ઘટાડો થાય છે. અહીં કૉફી પીવાથી એમાં રહેલું કૅફીન આ એડનોસાઇન નામના કેમિકલને બ્લૉક કરે છે, જેને કારણે શરીર થાકેલું લાગે છે અને સુસ્તી ફીલ થાય છે.’
કૉફી પીવાની ૪૫ મિનિટની અંદર જ એમાં રહેલું ૯૯ ટકા કૅફીન શરીર શોષી લે છે એટલે જ કૉફી પીધા પછીની અસરો દેખાવામાં ખૂબ સમય નથી લાગતો. એટલે કૉફી પીવાથી ફ્રેશ તો લાગશે, પણ જેવી કૅફીનની અસર ઊતરી જશે એટલે તરત જ ઊંઘ આવવા લાગશે તેમ જ સુસ્તી ચડશે. અહીં એની અસર શરીરમાં કેટલા સમય માટે રહેશે એ પણ વ્યક્તિના મેટાબોલિઝમ પર  આધાર રાખે છે. વધુપડતી કૉફી પીવાના રસિયાઓના શરીરમાં કૅફીનનું ટૉલરન્સ પેદા થાય છે, જેના લીધે તેઓ કેટલી પણ કૉફી પીએ તો તેમને એની આડઅસર નથી થતી. 
ઊંઘ ન આવવી
કૅફીનની માત્રાને લીધે જ કૉફી ઊંઘને પણ અસર કરી શકે છે. દિવસની શરૂઆતમાં એક કે બે કપ લીધેલી કૉફીથી ઊંઘને અસર નહીં થાય, પણ જો દિવસભરમાં છથી સાત કપ કૉફી પીવામાં આવે તો રાતની ઊંઘ બગડી શકે છે. કૉફીમાં રહેલું કૅફીન જેટલી ઝડપથી શરીરમાં શોષાય છે એટલી જ ઝડપથી એની અસર ઊતરી પણ થાય છે. અહીં કૉફી ક્યારે પીવી એ જણાવતાં હેતલ કહે છે, ‘જો કૉફી ઊંઘ ન બગાડે એવી ઇચ્છા હોય તો સૂવાના આશરે ૬થી ૭ કલાક પહેલાં કૉફી ન લેવી જોઈએ. ટૂંકમાં કૉફી પીવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અથવા બપોરે છે એવું કહી શકાય.’
બીજુ, કૉફીમાં રહેલું કૅફીન મેન્ટલ હેલ્થ પણ બગાડી શકે છે. શરીરમાં જો દિવસભરમાં ૪૦૦ મિલીગ્રામથી વધુ કૅફીન જોય તો નર્વસનેસ તેમ જ ચેન ન પડે એવી ફીલિંગ આવે છે જેને કારણે હાઇપરટેન્શન, પૅનિક ડિસઑર્ડર કે પછી ડિપ્રેશનથી પીડિત વ્યક્તિઓએ કૉફીથી દૂર રહેવું જોઈએ. કૅફીનને કારણે આ માનસિક હાલત વધુ બગડી શકે છે.
કેટલી કૉફી સારી?
કૉફીની આડઅસરો અનેક હોવા છતાં જો દિવસમાં એક કે બે કપ કૉફી પીવાથી તમને ખુશી મળતી હોય તો એ ચોક્કસ પીવી જોઈએ. આ વિશે સમજાવતાં હેતલ કહે છે, ‘કૉફી શરીરમાં ફીલ ગુડ હૉર્મોન્સમાં વધારો કરે છે, જેને લીધે એ પીવાથી સારું ફીલ થાય છે અને તાજગી લાગે છે. સ્ટડી તો એમ પણ કહે છે કે ફક્ત કૉફી વિશે વિચારતાં જ ફીલ ગુડ હૉર્મોન્સ બૂસ્ટ થાય છે. એટલે જો મૂડ સારો રાખવો હોય, મગજ સતર્ક રાખવું હોય અને ફ્રેશ રહેવું હોય તો એકાદ-બે કપ કૉફી શરીર માટે સારી. જોકે આ કૉફી પર ડિપેન્ડન્ટ બનવું ખરાબ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK