મુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત

Updated: Jul 19, 2019, 08:41 IST | અનુરાગ કાંબલે | મુંબઈ

ચાલુ ટ્રાફિકે સાયનમાં નાળિયેરીનું ઝાડ કાપવાની બીએમસીની બેદરકારીમાં

મોહમ્મદ નબી શેખ
મોહમ્મદ નબી શેખ

ઘાટકોપરના ૫૩ વર્ષના રહેવાસી સાયન હૉસ્પિટલ પાસેથી આંબેડકર માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રાફિકે બીએમસી દ્વારા કપાઈ રહેલા નાળિયેરીના ઝાડનું થડ તેમના પર પડ્યું હતું અને આમાં તેમનું માથું પણ ફાટી જાય એવી શક્યતા હતી. જોકે હાલમાં તો તેમના પગમાં ફ્રૅક્ચર આવ્યું છે છતાં બીએમસી આ ઘટનાને નજરઅંદાજ કરી રહ્યું છે.

‘શું કોઈનો જીવ જાય ત્યારે જ બીએમસીને એની ભૂલ સમજાય છે?’ આ શબ્દો છે હૉસ્પિટલના બિછાને પડેલા ૫૩ વર્ષના ઝબી મોહમ્મદ નબી શેખના. બેદરકારીપૂર્વક કપાઈ રહેલું નાળિયેરીનું વૃક્ષ જ્યારે માર્ગ પર પડ્યું ત્યારે ઝબી એનો ભોગ બન્યા હતા. સાયન પોલીસે ગુનો નોંધીને બીએમસી દ્વારા નિયુક્ત કૉન્ટ્રૅક્ટરના મૅનેજરની (જે વૃક્ષ કાપી રહ્યો હતો) ધરપકડ કરી હતી, પરંતુ પછીથી તે જામીન પર છૂટી ગયો હતો.

scooter

આ બનાવ ૧૧ જુલાઈએ બન્યો હતો જ્યારે ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્કના રહેવાસી ઝબી શિવડીમાં આવેલા તેમના ઍરકન્ડિશનર રિપેરિંગ સ્ટોર તરફ ટૂ-વ્હીલર લઈને જઈ રહ્યા હતા. જ્યારે તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર સાયન હૉસ્પિટલ જંક્શન પસાર કર્યું ત્યારે નાળિયેરીના વૃક્ષનું થડ તેમના વાહન પર પછડાયું.

ઝબીએ ‘મિડ-ડે’ને જણાવ્યા પ્રમાણે ‘શું થયું એ હું સમજી ન શક્યો. હું ફક્ત એટલું જાણતો હતો કે (વાહનના) હૅન્ડલ પર કશુંક પડ્યું અને હું પડી ગયો. મારો જમણો પગ જડ થઈ ગયો હતો. મને તાત્કાલિક સાયન હૉસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે મારા ઘૂંટણમાં ફ્રૅક્ચર થયું હતું.’

ઝબીની સારવાર દરમિયાન હૉસ્પિટલે સાયન પોલીસને ઘટના અંગેની જાણકારી આપતાં પોલીસે ઝાડ કાપનારી વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી. સાયન પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે બીએમસીને વિનંતી કર્યા બાદ માધવકુંજ બંગલો ખાતે ઝાડ કાપવાનું કાર્ય ચાલી રહ્યું હતું. આ કામ માટે કૉર્પોરેશને તનિશા એન્ટરપ્રાઇઝની નિયુક્તિ કરી છે.’ પછીથી પોલીસે દશરથ કુમાર રાવલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઝબીના જણાવ્યા મુજબ ‘મારા પગમાં મેટલ પ્લેટ્સ મૂકવામાં આવી છે અને હલન-ચલન ન કરવા જણાવાયું છે. જો હું એક સેકન્ડ વહેલો હોત તો મારો જીવ દાવ પર લાગી ગયો હોત અને બીએમસીએ શું થયું એ પૂછવાની તસદી પણ નથી લીધી. તેઓ આટલા બેદરકાર કેવી રીતે હોઈ શકે? બીએમસીમાંથી કોઈએ મારો સંપર્ક નથી સાધ્યો. શું કોઈનો જીવ જાય, તો જ તેમને તેમની ભૂલનું ભાન થાય છે?”

આ પણ વાંચો : દાઊદના ભત્રીજા રિઝવાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ

શું કહે છે બીએમસી?

આ અંગે ‘મિડ-ડે’એ એફ નૉર્થના વૉર્ડ ઑફિસર ગજાનન બેલ્લાલેનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ બનાવ અંગે મને કશી જાણ નથી. કોઈએ આ તરફ મારું ધ્યાન દોર્યું નથી. હું મારા હાથ નીચેના કર્મચારીઓ સાથે આ મામલે તપાસ કરીશ. સાથે જ આ બનાવના કિસ્સામાં વળતરની કોઈ જોગવાઈ છે કે કેમ એની પણ તપાસ કરીશ.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK