વોટિંગ કરવાથી નાગરિકત્વની આપણી ફરજ પૂરી નથી થતી

Published: 16th October, 2014 05:43 IST

લોકશાહીને કાયમ રાખવા માટે જાગૃતિ બહુ જરૂરી છે. એ જાગૃતિ માટે આપણે ત્યાં હંમેશાં મતદાનને મહત્વ આપવામાં આવે છે, પણ એવું જરૂરી નથી. મતદાન કરીને કેવી સરકાર લાવવી અને કઈ સરકાર લાવવી એ વાત પ્રત્યે જાગૃતિ દર્શાવવાની હોય છે, પણ એ એક દિવસ જાગૃતિ દર્શાવી દીધા પછી આપણું કામ પૂરું થયું એવી માનસિકતા જો મનમાં આવી જતી હોય તો એ બિલકુલ યોગ્ય નથી. એક સજાગ નાગરિક તરીકે જાગૃતિ રાખવાનું કામ તો આખું વર્ષ અને ચોવીસે કલાક મનમાં ચાલુ જ રહેવું જોઈએ.
સ્પેશ્યલ કમેન્ટ - અનુપમ ખેર, ઍક્ટર

ગઈ કાલે આપણે મતદાન કર્યું. શરૂઆતના ફિગર્સ મને ખબર હતી જે બહુ પુઅર હતા, પણ એ ફિગર્સને રડવાને બદલે હું પૉઝિટિવિટી સાથે એવું કહીશ કે સારી વાત એ છે કે જેમણે પણ મનમાં જાગૃતિ દાખવી એ બહુ સારું થયું છે. વોટિંગના ફિગર્સ પછી વધ્યા હશે એવું ધારી લઈએ, પણ જે લોકો વોટિંગ માટે ઘરની બહાર નથી નીકળ્યા તેમની પાસે હજી પણ એક સજાગ નાગરિક બનવાની તક છે અને એ જે કોઈ સરકાર આવે એ સરકારની કામગીરી પર ધ્યાન આપીને કે નાગરિકના હક પર ધ્યાન રાખીને પોતાનું નાગરિકત્વ અદા કરી જ શકે છે. હું જે ઇન્ડસ્ટ્રીમાં છું એને કારણે ઘણા દેશો જોવાની તક મળી છે. જે દેશો જોયા છે એમાં વેસ્ટર્ન કન્ટ્રીઝથી હું બહુ પ્રભાવિત પણ થયો છું. મોટા ભાગના લોકો એવું માને છે કે એ દેશની ગવર્નમેન્ટને કારણે એ દેશનું ડેવલપમેન્ટ બહુ સારું થયું છે, પણ સાવ એવું નથી. એ દેશની ગવર્નમેન્ટની સાથોસાથ એ દેશના નાગરિકોની જાગૃતિએ પણ એટલો જ મહત્વનો રોલ અદા કર્યો છે. બહુ દૂરના દેશની વાત ન કરીએ, પણ નજીકના દેશની જ ચર્ચા કરીએ.

સિંગાપોર જવાનું બને તો જોઈ લેજો. ત્યાં આપણને રસ્તા પર કચરો જોવા નહીં મળે. કચરો જ નહીં, ટ્રાફિક-સિગ્નલના નિયમો તોડનારા લોકો પણ જોવા નહીં મળે અને ગવર્નમેન્ટે નક્કી કરેલી એજથી નાના હોય એવા ટીનેજર્સના હાથમાં વેહિકલ પણ જોવા નહીં મળે. આ સેલ્ફ-ડિસિપ્લિન છે અને એ આપણે સૌએ ડેવલપ કરવાની છે, ડેવલપ કરવી જોઈએ. હમણાં જ એક ટીવી-ચૅનલની ઑફિસમાં વાત થઈ રહી હતી કે જો આપણા દેશનો દરેક નાગરિક તેની નજર પડે એ કચરો ઊંચકીને ડસ્ટબિનમાં નાખવાનું શરૂ કરે તો દેશ એક વીકમાં કચરા વિનાનો થઈ જાય અને આ સાવ સાચું છે. માત્ર એક વીક, એક વીક આ કામ કરવાનું શરૂ કરી દઈએ એટલે સ્વચ્છ ભારતનું જે સ્લોગન છે એ સાર્થક પુરવાર થઈ જાય, પણ એ માટે સૌએ મનથી જાગવું પડશે. એક વખત મનથી આ કામ કરવાનું શરૂ થઈ ગયું તો આ પ્રકારનું કોઈ સ્લોગન આ દેશને ક્યારેય આપવું નહીં પડે એવું મારું માનવું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK