નાર્કોટિક્સ સેલે વધુ એક મોટા ડ્રગ્સ સપ્લાયરને પકડ્યો

Published: 7th December, 2020 11:06 IST | Faizan Khan | Mumbai

શકીલ અહમદ નામના આરોપી પાસેથી ૨૦ લાખ રૂપિયાનું મેફીડ્રીન અને ૪ લાખ કૅશ જપ્ત કર્યાં

દક્ષિણ મુંબઈના જે.જે.માર્ગ પરના હાઈ રાઇઝ બિલ્ડિંગના પાર્કિંગ લૉટમાં બેઠાં બેઠાં ડ્રગ્સ વેચનારા શકીલ અહમદ કુરૈશી નામના રીઢા ડ્રગ સપ્લાયરની મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એન્ટી નાર્કૉટિક્સ સેલે ગઈકાલે ધરપકડ કરી હતી. તેની પાસેથી ૨૦ લાખ રૂપિયાનું મેફીડ્રીન અને ૪.૨ લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

એન્ટી નાર્કૉટિક્સ સેલના ઘાટકોપર યુનિટે દક્ષિણ મુંબઈના જે.જે.માર્ગ પરના બિસમિલ્લાહ રેસિડેન્સી બિલ્ડિંગના પાર્કિંગ લૉટમાં તપાસ કરતાં શકીલ અહમદ પાસેથી લગભગ ૭ લાખ રૂપિયા કિંમતનું ૭૦ ગ્રામ મેફીડ્રીન જપ્ત કર્યું હતું. ત્યારપછી બિલમિલ્લાહ રેસિડેન્સીના ૧૦મા માળ પરના શકીલના ફ્લેટમાં તપાસ કરતાં લગભગ ૧૩ લાખ રૂપિયા કિંમતનું ૧૩૦ ગ્રામ મેફીડ્રીન અને રોકડા ૪.૨ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

શકીલ પંદર વર્ષથી ડ્રગ પેડલિંગ અને ડ્રગ્સ સપ્લાઈંગના ધંધામાં સક્રિય છે. આ ગેરકાનૂની ધંધાના રીઢા ગુનેગાર શકીલ સામે અગાઉ  મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એન્ટી નાર્કૉટિક્સ સેલના આઝાદ મેદાન અને વરલી યુનિટ્સ તેમજ નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યુરોએ કેસ નોંધ્યા હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગયા વર્ષે જામીન પર છૂટ્યા પછી તેણે ફરી આ ધંધો શરૂ કર્યો હતો. શકીલ દરેક વખતે જામીન પર છૂટ્યા પછી તેના નિયમિત ગ્રાહકોનો સંપર્ક સાધતો હતો. કૅફી પદાર્થોના વ્યસનીઓને તેમની જરૂરિયાત મુજબ ઓછા પ્રમાણમાં પણ એ ડ્રગ્સ સપ્લાય કરતો હોય છે. શકીલનો ૨૪ વર્ષનો દીકરો શકલીન કુરૈશી પણ ડ્રગ્સ સપ્લાય કરવાના ધંધામાં સક્રિય છે. વર્ષ ૨૦૧૯માં એન્ટી નાર્કૉટિક્સ સેલના વરલી યુનિટે શકલીનની ધરપકડ કરી હતી. શકીલ અહમદ લોકોને બતાવવા માટે ઑટોમોબાઇલનો ધંધો કરે છે અને મોટરકારો વેચે છે. પરંતુ દક્ષિણ મુંબઈની ગગનચુંબી ઇમારતમાં મોંઘા ફ્લેટ અને વૈભવી રહેણી કરણીને ધ્યાનમાં લેતાં પોલીસે તેની નાણાંકીય સ્થિતિની વિગતોની તપાસ શરૂ કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK