Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સીબીઆઇ મુદ્દે સરકાર-અણ્ણા વચ્ચે પેચ

સીબીઆઇ મુદ્દે સરકાર-અણ્ણા વચ્ચે પેચ

21 December, 2011 05:02 AM IST |

સીબીઆઇ મુદ્દે સરકાર-અણ્ણા વચ્ચે પેચ

સીબીઆઇ મુદ્દે સરકાર-અણ્ણા વચ્ચે પેચ






યુનિયન કૅબિનેટે ગઈ કાલે લોકપાલ બિલને મંજૂરી આપી દીધી છે. પાર્લમેન્ટ હાઉસ કૉમ્પ્લેક્સમાં વડા પ્રધાન મનમોહન સિંહના અધ્યક્ષપદે યોજાયેલી મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ ખરડો ૨૨ ડિસેમ્બરે સંસદમાં રજૂ કરવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે. સરકારે આ લોકપાલના કાયદામાં સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સમાવવાની માગણી સામે નમી જવાને બદલે એને લોકપાલના પંજાની પહોંચની બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.


સીબીઆઇ પર રાખી શકશે નજર


જોકે યુનિયન કૅબિનેટે જે ખરડાને મંજૂરી આપી છે એ પ્રમાણે લોકપાલને સીબીઆઇને સોંપવામાં આવેલા દરેક કેસ પર નજર રાખવાનો બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે. આ લોકપાલના ડિરેક્ટર ઑફ ઇન્ક્વાયરીને કોઈ પણ કેસમાં પ્રાથમિક પૂછપરછ કરવાની સત્તા મળશે અને આ ડિરેક્ટરના હાથ નીચે આ તપાસ કરવા માટે આખી વિંગ હશે.

લોકપાલ આઠ સભ્યોની બનેલી સંસ્થા હશે જે પાંચ વર્ષ સુધી કાર્યરત હશે. આ લોકપાલના ડિરેક્ટર અથવા તો સભ્ય વિરુદ્ધ ઓછામાં ઓછા ૧૦૦ સંસદસભ્યોનું સમર્થન હશે તો તેમના પર મહાભિયોગની કાર્યવાહી કરી શકાશે.

અનામતની જોગવાઈ

સરકારે મૂળ બિલમાં નહોતી એવી જોગવાઈઓ અંતર્ગત લોકપાલ બેન્ચ અને એની સર્ચ કમિટીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ), લઘુમતીઓ અને મહિલાઓ માટે લોકપાલમાં ૫૦ ટકા અનામત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે આ બેન્ચના અડધા સભ્યો કાનૂની બૅકગ્રાઉન્ડ ધરાવતા હશે.

આ લોકપાલ અને એના સભ્યોની પસંદગી વડા પ્રધાન, લોકસભાનાં સ્પીકર, લોકસભાના વિરોધપક્ષના નેતા, ભારતના ચીફ જસ્ટિસ અથવા તો તેમના દ્વારા નામાંકિત કરવામાં આવેલા સુપ્રીમ ર્કોટના જજ અને પ્રેસિડન્ટ દ્વારા નામાંકિત કરવામાં આવેલા કાયદાશાસ્ત્રીની બનેલી સમિતિ કરશે.

વડા પ્રધાનની મર્યાદિત તપાસ

કૅબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્રસ્તાવિત લોકપાલમાં લોકપાલ મર્યાદિત સ્તર સુધી વડા પ્રધાનની તપાસ કરી શકશે. ઇન્ટરનૅશનલ રિલેશન, પબ્લિક ઑર્ડર, અણુઊર્જા, અવકાશ અને આંતરિક તથા બાહ્ય સુરક્ષા જેવા વડા પ્રધાનને સાંકળતા મુદ્દાઓને લોકપાલની પહોંચથી દૂર રાખવામાં આવ્યા છે. વડા પ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્ણય લોકપાલની સમગ્ર બેન્ચ દ્વારા લેવામાં આવશે જે માટે ઓછામાં ઓછા ૭૫ ટકા સભ્યોની મંજૂરી જરૂરી હશે. આ તપાસ બંધબારણે કરવામાં આવશે અને જો ફરિયાદ રદ થઈ જાય તો પછી એનો રેકૉર્ડ જાહેર કરવામાં નહીં આવે.

સીબીઆઇની નિમણૂક પ્રક્રિયામાં ચેન્જ

સરકાર દ્વારા આ પ્રસ્તાવિત લોકપાલ બિલમાં સીબીઆઇના ડિરેક્ટરની નિમણૂકની પ્રક્રિયામાં ફેરબદલનું અગત્યનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. આ મુજબ વડા પ્રધાન, લોકસભામાં વિરોધપક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસ અથવા તો સુપ્રીમ ર્કોટના જજની બનેલી સમિતિ સીબીઆઇના નવા ડિરેક્ટરની પસંદગી કરશે.

સીબીઆઇમાં એસપી (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) અને એની ઉપરના સ્તરના અધિકારીઓની નિમણૂક સીવીસી (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન), વિજિલન્સ કમિશનર્સ, હોમ સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ ઍન્ડ ટ્રેઇનિંગના સેક્રેટરીની બનેલી સમિતિ સંયુક્તપણે કરશે.

પ્રાથમિક તપાસની સમયમર્યાદા

સરકાર દ્વારા પ્રસ્તાવિત બિલ પ્રમાણે લોકપાલ આપમેળે કોઈ તપાસ શરૂ નહીં કરી શકે અને તપાસ શરૂ કરવા માટે ફરિયાદ જરૂરી બનશે. સીબીઆઇમાં દાખલ કરવામાં આવેલા કેસની પ્રાથમિક તપાસ કરવા માટેની ઇન્ક્વાયરી વિંગના અધ્યક્ષપદે ડિરેક્ટર હશે. લોકપાલ કોઈ પણ કેસમાં સીબીઆઇ પાસે પ્રાથમિક તપાસની માગણી કરી શકશે જેને એણે ૧૮૦ દિવસમાં ન્યાય આપવો પડશે. આદર્શ રીતે તો લોકપાલે ૯૦ દિવસમાં જ પ્રાથમિક તપાસ પૂરી કરી લેવી પડશે અને જો પછી એક્સ્ટેન્શન જોઈતું હશે તો લેખિત માગણી કરવી પડશે.

અણ્ણા અસંમત

જોકે અણ્ણા સરકારે તૈયાર કરેલા લોકપાલ ખરડાના અંતિમ ડ્રાફ્ટ સાથે બિલકુલ સંમત નથી અને આને કારણે હવે તેમણે જાહેર કર્યું છે કે તેઓ નિર્ધારિત તારીખ મુજબ ૨૭ ડિસેમ્બરથી મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ઉપવાસ પર બેસશે અને આ ઉપવાસ ત્રણ દિવસ સુધી ચાલશે. અણ્ણાએ ગઈ કાલે સંસદમાં રજૂ કરવામાં આવેલા લોકપાલ ખરડા સંબંધિત સિટિઝન્સ ચાર્ટર સામે વિરોધ કરતાં કહ્યું હતું કે આ ખરડામાં ઘણી ખામીઓ છે. પોતાના ઉપવાસના આયોજનને વળગી રહેવાનાં કારણો વિશે વાત કરતાં અણ્ણાએ ગઈ કાલે રાળેગણ સિદ્ધિમાં કહ્યું હતું કે ‘કડક લોકપાલ ઘડવા માટે સરકારની દાનત ખોરી છે. જો સરકારને પોતાના રસ્તે ચાલવું છે તો અમે પણ અમારા રસ્તે ચાલીશું. દિલ્હીના રામલીલા મેદાનમાં મારું આંદોલન ચાલતું હતું ત્યારે મનમોહન સિંહે મને પત્ર લખીને મજબૂત લોકપાલ, સિટિઝન ચાર્ટર અને લોકાયુક્તની સ્થાપનાનો વાયદો કર્યો હતો અને સંસદે પણ ઠરાવ પસાર કરીને અમારી માગણીઓનો સ્વીકાર કર્યો હતો, પણ હવે અલગ સિટિઝન ચાર્ટર લાવીને સરકારે દેશનું અપમાન કર્યું છે. હું ૨૭, ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ભૂખ હડતાળ કરીશ તથા ૩૦ ડિસેમ્બરથી જેલભરો આંદોલન શરૂ થશે જે પહેલી જાન્યુઆરી સુધી ચાલશે.’

અણ્ણા હઝારેએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને સરકારના મજબૂત લોકપાલ ઇરાદાઓ લાવવાની દાનત વિશે શંકા છે અને સરકાર લોકોના અવાજની અવગણના કરી રહી છે.’

અણ્ણાની ભૂખ હડતાળ મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં

લોકપાલના સરકારના પ્રસ્તાવિત ખરડામાં સીબીઆઇને લોકપાલના પંજાથી દૂર રાખવાના સરકારના નિર્ણયથી અપસેટ થયેલા અણ્ણાએ હવે ૨૭થી ૨૯ ડિસેમ્બર સુધી મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ભૂખ હડતાળ કરવાનું આયોજન કર્યું છે એવી માહિતી તેમના નિકટના સહયોગી અરવિંદ કેજરીવાલે આપી છે. આ ભૂખ હડતાળ પછી ૩૦ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી દેશવ્યાપી જેલભરો આંદોલન કરવામાં આવશે. અણ્ણાએ દિલ્હીમાં વધુપડતી ઠંડી અને ખરાબ હવામાનને કારણે મુંબઈમાં ભૂખ હડતાળનું આયોજન કરવાનું પસંદ કર્યું છે. Whatsapp-channel Whatsapp-channel

21 December, 2011 05:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK