દિલ્હીથી મુંબઈ : શા માટે અણ્ણાને બદલવું પડ્યું ઉપવાસ સ્થળ?

Published: 15th December, 2011 04:45 IST

જો સરકાર શિયાળુ સત્રમાં મજબૂત જનલોકપાલ બિલ પસાર ન કરે તો સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ૨૭ ડિસેમ્બરથી ફરી ઉપવાસ આંદોલન શરૂ કરવાના છે.પરંતુ દિલ્હીના શિયાળાને ધ્યાનમાં રાખીને કદાચ આ વખતે તેઓ ઉપવાસ આંદોલન મુંબઈમાં કરે એવી સંભાવના છે. ગઈ કાલે દિલ્હીમાં મળેલી ટીમ અણ્ણાની કોર કમિટીએ આ નિર્ણય કર્યો હતો. ટીમ અણ્ણાના મેમ્બર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘સરકાર કેવું લોકપાલ બિલ પસાર કરે છે એના પર સમગ્ર આધાર રહેલો છે. જો મજબૂત લોકપાલ બિલ પસાર કરવામાં આવશે તો ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવશે અને જો એવું નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે. ઉપરાંત દિલ્હીના હવામાનને ધ્યાનમાં રાખીને અમે મુંબઈના આઝાદ મેદાનમાં ઉપવાસ આંદોલન કરવા માટે મંજૂરી મેળવવા અરજી કરી છે. જો એ દિવસોમાં દિલ્હીનું વાતાવરણ સારું હશે તો ઉપવાસ અથવા સેલિબ્રેશન દિલ્હીમાં કરવામાં આવશે. વળી જ્યારે લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે એ દિવસથી ટીમ અણ્ણાની કોર કમિટીના સભ્યો સંસદની વિઝિટર્સ ગૅલેરીમાં ઉપસ્થિત રહેશે.’

અણ્ણાની અરજી મળી છે: મુંબઈપોલીસ

મુંબઈના ડેપ્યુટી પોલીસ-કમિશનર મનોહર દળવીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આઝાદ મેદાનમાં ૨૭ ડિસેમ્બરથી ૨૬ જાન્યુઆરી વચ્ચે ઉપવાસ કરવા માટે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની અરજી અમને મળી છે. તેમની સાથે એક હજાર સપોર્ટર હશે. હજી તેમની અરજીનો જવાબ આપવામાં આવ્યો નથી.’

સીબીઆઇને સપોર્ટ

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ આક્ષેપ મૂક્યો છે કે પાર્લમેન્ટની સ્ટૅન્ડિંગ કમિટીનાં સૂચનોને જો અમલી બનાવવામાં આવશે તો સીબીઆઇ પંગુ બની જશે. ટીમ અણ્ણાએ પણ સીબીઆઇના આ ભયને ગઈ કાલે સમર્થન આપીને કહ્યું હતું કે સંસદીય સમિતિનો રર્પિોટ રિજેક્ટ કરવો જોઈએ.

અલગ સિટિઝન્સ ચાર્ટર બિલનો વિરોધ

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ લોકપાલ બિલ અંતર્ગત સિટિઝન્સ ચાર્ટર (પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર માટે સર્વિસનાં ધોરણો નક્કી કરતો દસ્તાવેજ) તૈયાર કરવામાં આવે એવી માગણી કરી હતી, પરંતુ સોમવારે સરકારે અલગથી સિટિઝન્સ ચાર્ટર બિલ પસાર કરતાં અણ્ણાએ એનો વિરોધ કર્યો હતો. અણ્ણાએ કહ્યું હતું કે ‘સિટિઝન્સ ચાર્ટરને અલગ કાયદા તરીકે લાવવો જોઈએ નહીં. મમતા બૅનરજીએ જે રીતે એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)નો વિરોધ કર્યો હતો. એ જ રીતે તેમણે લોકપાલ બિલના મુદ્દે સરકાર પર દબાણ વધારવું જોઈએ.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK