મને સંસદનું માન રાખવાનું કહેતા હતા તો તમે શા માટે નથી રાખતા? : અણ્ણાનો રોષ

Published: 8th December, 2011 04:36 IST

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ગઈ કાલે સંસદીય સમિતિના લોકપાલ બિલ ડ્રાફ્ટ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નિમ્ન સ્તરની અમલદારશાહીને લોકપાલ હેઠળ લાવવા તથા સિટિઝન્સ ચાર્ટર (પ્રાઇવેટ તથા પબ્લિક સેક્ટર માટે સર્વિસનાં ધોરણો નક્કી કરતો દસ્તાવેજ) તૈયાર કરવાનું વચન આપ્યું હતું અને આ વિશે સંસદમાં ઠરાવ પણ પસાર કર્યો હતો.

 

ઉપવાસ આંદોલન વખતે તમે મને સંસદનું માન રાખવાનું કહ્યું હતું તો તમે હવે સંસદનું માન શા માટે નથી જાળવતા?’ અણ્ણાએ ફરી ધમકી ઉચ્ચારી હતી કે ‘જો અમારી માગણીઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો હું ૧૧ ડિસેમ્બરે દિલ્હીમાં જંતરમંતર ખાતે ધરણાં કરીશ અને ૨૭ ડિસેમ્બરથી રામલીલા મેદાન ખાતે ઉપવાસ પર ઊતરીશ.’

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘તમારા પોતાના જ લોકો જનલોકપાલ બિલનું સમર્થન કરી રહ્યા છે તો પછી તમને એ પસાર કરવામાં શું અવરોધ નડી રહ્યો છે?’

અણ્ણાએ આપી ગાંધીવાદીની નવી વ્યાખ્યા :  પવાર

કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવારને થોડા દિવસ પહેલાં દિલ્હીમાં પડેલા તમાચાને સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ યોગ્ય ગણાવ્યો હતો. અણ્ણાના આવા રીઍક્શનના વળતા જવાબમાં ગઈ કાલે પવારે કહ્યું હતું કે ‘અણ્ણા ગાંધીવાદની નવી વ્યાખ્યા આપી રહ્યા છે. જો હવે મારા પર હુમલો થશે તો મને સમજ પડી જશે કે આ અટૅક પાછળ કોની ઉશ્કેરણી કારણભૂત છે.’

પવારે તેમના સમર્થકોને અણ્ણાની વાત પર ધ્યાન આપીને હિંસક વિરોધ ન કરવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારા પર થયેલા હુમલાને હઝારેએ તાજેતરમાં સમર્થન આપ્યું હતું. આવું કરીને તેમણે ગાંધીવાદની નવી વ્યાખ્યા આપી હતી.’

અણ્ણાએ મંગળવારે તેમના બ્લૉગ પર લખ્યું હતું કે ‘એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના ચીફને શા માટે થપ્પડ પડી એનો વિચાર કરવો જોઈએ. તેમને ભ્રષ્ટ લોકોને છાવરવાની જૂની આદત છે.’

સીબીઆઇને સમાવો : બેદી

ટીમ અણ્ણાનાં સભ્ય કિરણ બેદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને લોકપાલ હઠળ લાવવી જ જોઈએ. એને લીધે ભ્રષ્ટાચાર સામેની લડત વધુ મજબૂત બનશે. સીબીઆઇને લોકપાલના દાયરામાં લાવવામાં નહીં આવે તો ભાંગેલું-તૂટેલું લોકપાલ બિલ તૈયાર થશે. વડા પ્રધાન કરતાં સીબીઆઇ લોકપાલ બિલના દાયરા હેઠળ આવે એ વધારે મહત્વનું છે.’

સંસદનું અપમાન : કેજરીવાલ

સંસદીય સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા લોકપાલ બિલમાં ગ્રુપ સીના સરકારી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી એ બદલ ગઈ કાલે ટીમ અણ્ણાએ પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન અભિષેક મનુ સિંઘવી પર ભારે રોષ ઠાલવ્યો હતો. ઍક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘અણ્ણાના આંદોલન દરમ્યાન સંસદે નિમ્ન અમલદારશાહી અને સિટિઝન્સ ચાર્ટર (પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર) દ્વારા આપવામાં આવતી સર્વિસનાં ધોરણો નક્કી કરતો દસ્તાવેજ તૈયાર કરવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત વડા પ્રધાનને પણ લોકપાલ બિલ હેઠળ લાવવાનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ત્રણેનો લોકપાલ બિલના ડ્રાફ્ટમાં સમાવેશ ન કરી અભિષેક સિંઘવી સંસદનું અપમાન કરી રહ્યા છે.’

સંસદીય સમિતિએ ભલામણે કરી છે કે સીબીઆઇને ત્રણ વિભાગમાં વહેંચી દેવી જોઈએ એમ જણાવીને કેજરીવાલે કહ્યું હતું કે ‘જો આમ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર સામે લડવા માટેની સિસ્ટમ મજબૂત બનવાને બદલે નબળી પડી જશે.

રિપોર્ટને મળી સ્વીકૃતિ

સંસદીય સમિતિએ ગઈ કાલે લોકપાલ બિલ વિશેના પોતાના રિપોર્ટનો સ્વીકાર કર્યો હતો અને આ વિવાદસ્પદ ખરડા વિશે આગળનો નિર્ણય સરકાર પર છોડ્યો હતો. પાર્લમેન્ટરી કમિટીના લોકપાલ બિલ ડ્રાફ્ટ સામે કૉન્ગ્રેસના જ ત્રણ સંસદસભ્યઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ગ્રુપ સીના સરકારી કર્મચારીઓને લોકપાલ બિલમાં સામેલ કરવામાં આવે એવી માગણી કરી હતી; જ્યારે બીજેપી (ભારતીય જનતા પાર્ટી), બીજેડી (બિજુ જનતા દળ) અને ડાબેરી પક્ષોએ વડા પ્રધાનને લોકપાલ બિલમાં સમાવવાની માગણી કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK