અણ્ણા હઝારેના ટેકેદારોએ દોડાવી જનચેતના એક્સપ્રેસ

Published: 22nd December, 2011 07:30 IST

વસઈ-વિરાર વચ્ચે ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર ભ્રષ્ટાચાર સામેની લડતમાં લોકોને જોડાવા અપીલ કરી : ૨૫ ડિસેમ્બરે ભવ્ય રૅલીનું આયોજનફરી પાછો અણ્ણા-ફીવર ફેલાવા લાગ્યો છે. લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યા છે. આનો પરચો સોમવારે અણ્ણાસમર્થકો અને આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન)ના કાર્યકર્તાઓએ લોકોમાં જાગૃતિ લાવવા જનચેતના એક્સપ્રેસ કાર્યક્રમનું આયોજન કર્યું એમાં દેખાતો હતો. વસઈ-વિરાર દરમ્યાન જનચેતના એક્સપ્રેસ કાઢવાનો હેતુ એક જ હતો વધુમાં વધુ લોકો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે.

વસઈ-વિરાર વચ્ચે જનચેતના એક્સપ્રેસ કાર્યક્રમ માટે નીકળેલા અણ્ણાના સમર્થકો પૈકીના એક અને ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સક્રિય કાર્યકર ચિત્રક મર્ચન્ટે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમે અમારું કામકાજ છોડીને દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય એ માટે કાર્ય કરી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ આવે અને દેશવ્યાપી આ લડતમાં લોકો જોડાય એ માટે અપીલ કરી રહ્યા છીએ. આ માટે અમે વસઈ-વિરાર વચ્ચે ટ્રેનમાં તેમ જ દરેક પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓને અપીલ કરીએ છીએ. ઉપરાંત જો લોકસભામાં યોગ્ય જનલોકપાલ બિલ રજૂ નહીં થાય તો અણ્ણાજી મુંબઈમાં તેમનો અનશનનો કાર્યક્રમ જારી રાખશે. મુંબઈના આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને એ માટે અમે લોકોને અરજ કરી રહ્યા છીએ.’

આ સાથે ચિત્રક મર્ચન્ટે વધુમાં જણાવ્યું હતું કે ‘જનચેતના એક્સપ્રેસ કાર્યક્રમ બાદ ૨૫ ડિસેમ્બરે એક રૅલીનું આયોજન કરવાના છીએ. વસઈ-વેસ્ટમાં સ્ટેશન પાસેથી નીકળેલી જનચેતના યાત્રા વસઈ-નાલાસોપારા અને વિરારમાં ફરી પાછી વસઈ ખાતે એનું સમાપન થશે. આ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે જો ૨૭ ડિસેમ્બરે અણ્ણા હઝારે મુંબઈમાં કાર્યક્રમ કરે તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજને બુલંદ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.’

સ્ટેશન પર ઉપસ્થિત લોકોમાં પણ જબરદસ્ત ઉત્સાહ જણાઈ રહ્યો હતો. અણ્ણા હઝારેના કાર્યકરો સાથે રેલવેના પૅસેન્જરો પણ ભારત માતા કી જય અને વન્દે માતરમના ગગનભેદી નારા લગાવી રહ્યા હતા. જનચેતનાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કામકાજ માટે અંધેરી જવા નીકળેલા નાલાસોપારા-ઈસ્ટમાં રહેતા અને એસ્ટેટ કન્સલ્ટન્ટનું કામ કરતા બકુલ ઠક્કરે જણાવ્યું હતું કે ‘આજે દેશમાં કોઈ કામ લાંચ આપ્યા વગર નથી થતું. લોકો બેહિસાબ વધેલા ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. અમે કાર્યક્રમમાં સક્રિય ભાગ નથી લઈ શકતા એનું દુ:ખ છે.’

દહિસરમાં રહેતા અને નાલાસોપારામાં કૅન્ટીન ચલાવતા નયન જોશી થોડું અલગ રીતે વિચારે છે. તેમણે કહ્યું હતું કે ‘દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એ વાત સાચી, પણ કાળું નાણું માત્ર મોટા લોકો પાસે જ છે એવું નથી, દેશમાંથી ભ્રષ્ટાચારના ભોરિંગને કાઢવો હોય તો આ કામ નીચલા સ્તરથી શરૂ થવું જોઈએ. ઉપરાંત લોકોએ પણ લાંચ ન આપવાની કસમ ખાવી જોઈએ.’

નાલાસોપારા-ઈસ્ટમાં સ્ટેશનની સામે સ્ટેશનરીની દુકાન ધરાવતા ગૌતમ શાહે કહ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર અવાજ સાંભળી શું થઈ રહ્યું છે એ જોવા આવ્યો હતો. એક વાત સાચી કે અણ્ણા હઝારેને લોકોનો ઉત્સ્ફૂર્ત સર્પોટ મળી રહ્યો છે. કોણ શું અને કેવી રીતે કરી રહ્યું છે એની ટીકાટિપ્પણ કર્યા વિના દેશને કેટલો લાભ થશે એ વિચારવું જરૂરી છે. દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ એ સૌથી મહત્વનું છે.’

- અહેવાલ અને તસવીરો : પી. સી. કાપડિયા
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK