ટાઇમ મૅગેઝિનના ટૉપ ટેન વર્લ્ડ ન્યુઝ સ્ટોરીઝ માટેના લિસ્ટમાં અણ્ણા હઝારે

Published: Dec 09, 2011, 06:10 IST

વિખ્યાત ‘ટાઇમ’ મૅગેઝિને એનો સમાવેશ ‘ટૉપ ટેન વર્લ્ડ ન્યુઝ સ્ટોરીઝ’ના લિસ્ટમાં કર્યો છે



આખા ભારતમાં ચેતનાની લહેર દોડાવી દેનારા અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે અને વિખ્યાત ‘ટાઇમ’ મૅગેઝિને આ આંદોલનનો સમાવેશ ‘ટૉપ ટેન વર્લ્ડ ન્યુઝ સ્ટોરીઝ’માં કર્યો છે. આ આંદોલન વિશે જણાવતાં મૅગેઝિનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ વર્ષે વૈિશ્વક સ્તરે અનેક જગ્યાએ આંદોલનો થયાં, પણ એમાં સૌથી વધારે નોંધપાત્ર આંદોલન ભારતમાં જોવા મળ્યું હતું. એમાં દેશના શાસક ગઠબંધને ટોચના રાજકારણીઓને સંડોવતા ભ્રષ્ટાચારના અનેક કેસને કારણે લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. આ ઉપવાસને દેશનાં મુખ્ય શહેરો અને બીજી જગ્યાએ એટલો પ્રબળ ટેકો મળ્યો હતો કે સરકાર પર એવી સ્વતંત્ર સંસ્થાનું નિર્માણ કરવાનું દબાણ પ્રબળ બન્યું હતું જે વડા પ્રધાન સહિત ટોચના રાજકીય નેતાઓના ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરી શકે. ૭૪ વર્ષના અણ્ણા હઝારેના આ આંદોલનને ભ્રષ્ટાચારથી ત્રાસી ગયેલા ભારતના મધ્યમ વર્ગનો મોટો ટેકો મળ્યો હતો, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકો હતાશા અનુભવે છે એનું પ્રતીક છે.’

‘ટાઇમ’ મૅગેઝિને ૫૪ જેટલી અલગ-અલગ કૅટેગરીની ટૉપ ૧૦ ઘટનાઓનું લિસ્ટ આપ્યું હતું. આ લિસ્ટમાં ટૉપ ૧૦ રિલિજિયસ સ્ટોરીની કૅટેગરીમાં ભારતના જાણીતા આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈબાબાના અવસાનની ઘટનાનો પણ સમાવેશ છે. આ સિવાય અલગ-અલગ કૅટેગરીની ટૉપ સ્ટોરીઝમાં પાકિસ્તાનના ઍબટાબાદમાં અમેરિકાની રેઇડ દરમ્યાન મોસ્ટ વૉન્ટેડ ઓસામા બિન લાદેનનું મૃત્યુ, યુરોપની નાણાકીય કટોકટી અને લિબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફીના અવસાન જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK