અણ્ણાજીએ જનલોકપાલ ખરડાને ભૂલી જવો જોઈએ

Published: 25th December, 2011 09:33 IST

એને બદલે સંસદમાં રજૂ કરવામાં આવેલા ખરડાને હજી કેટલો મજબૂત કરી શકાય એ માટે દબાણ લાવવા કામ કરવું જોઈએ : બીજાના અધિકારક્ષેત્રમાં ઘૂસી જઈને ત્યાં બેઠેલા ૭૯૪ સભ્યોએ હું કહું એ પ્રમાણે જ વર્તવું જોઈએ એવી અપેક્ષા વધુ પડતી છે(નો નૉન્સેન્સ-રમેશ ઓઝા)

કેન્દ્ર સરકારે લોકપાલનો ખરડો લોકસભામાં રજૂ કરી દીધો છે અને એ સાથે રાજકારણનો નવો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. ખરડા પર સંસદમાં અને સંસદની બહાર જે ચર્ચા ચાલી રહી છે એ જોતાં એમ લાગે છે કે સંસદસભ્યોને અને જનચેતનાના મશાલચીઓને લોકપાલ કરતાં અન્ય એજન્ડામાં વધારે રસ છે. લોકપાલના મેરિટ વિશે વાત કરતાં પહેલાં રણભૂમિમાં ગોઠવાયેલાં સૈન્યદળો વિશે વાત કરી લઈએ.

કૉન્ગ્રેસે ઠીક-ઠીક સક્ષમ અને કંઈક અંશે અક્ષમ ખરડો રજૂ કરીને એક કાંકરે બે પક્ષી માયાર઼્ છે. જો ખરડો નાના-મોટા સુધારા સાથે પસાર થઈ જાય તો લોકપાલનું શ્રેય એને જાય અને જો વિપક્ષ પાસ ન થવા દે તો અણ્ણા વિરુદ્ધ સંસદનો ત્રાગડો રચાય અને કૉન્ગ્રેસ બાજુમાંથી સરકી જાય. સરકારે ખરડો રજૂ કરતાં પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી એટલે એને જાણ છે કે મજબૂત લોકપાલની દિશામાં કયો પક્ષ કેટલે દૂર જઈ શકે એમ છે. ઑગસ્ટ મહિનાના ખરડાની તુલનામાં આ નવા ખરડામાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એ વિરોધપક્ષની મજલ માપી લીધા પછી કરવામાં આવેલા ફેરફાર છે.

ગુરુવારે લોકસભામાં સુષમા સ્વરાજનું અને રાજ્યસભામાં યશવંત સિંહાનું પ્રવચન જોતાં એમ લાગે છે કે બીજેપી કમસે કમ સંસદના શિયાળુ સત્રમાં ખરડો પસાર ન થાય એ માટે પ્રયત્નશીલ છે. આવો જ સૂર મુલાયમ સિંહ યાદવનો છે. આવતા વર્ષના એપ્રિલ સુધીમાં ગમે ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ પહેલાં કૉન્ગ્રેસ પ્રસવપીડામાંથી મુક્ત થઈ જાય અને લોકપાલની જનેતાનો યશ ન લઈ જાય એની બેતમાં છે. જો લોકપાલને લટકાવી રાખવામાં આવે તો ગિન્નાયેલા અણ્ણા ઉત્તર પ્રદેશમાં કૉન્ગ્રેસવિરોધી પ્રચાર કરવા પહોંચી જાય અને શું ખબર લોકો તેમને સાંભળે પણ ખરા. આ યુગ અનિશ્ચિતતાનો છે. દેશના એક પણ ખૂણામાંથી ઉમેદવારી કરીને ચૂંટાવાની ક્ષમતા નહીં ધરાવનાર માણસ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનો વડા પ્રધાન થઈ શકે છે અને નાનકડા ગામના સરપંચ થવા જેટલી આવડત ધરાવનાર માણસ રાષ્ટ્રીય નેતા બની શકે છે.

રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ યાદવ વળી ત્રીજો ખેલ પાડી રહ્યા છે. તેઓ સંસદ વિરુદ્ધ અણ્ણાનો ત્રાગડો રચી રહ્યા છે. કૉન્ગ્રેસ વિરુદ્ધ અણ્ણાનું યુદ્ધ જો સંસદ વિરુદ્ધ અણ્ણામાં ફેરવાઈ જાય તો એમાં બીજેપી અને જનતા દળ-યુ (બિહારમાં નીતીશકુમારનો પક્ષ)ને વધારે નુકસાની પહોંચી શકે એમ છે. પાણીપતના યુદ્ધમાં યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ને ભલે લાભ થાય, પણ એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ને લાભ ન થવો જોઈએ એવી તેમની ચાલ છે.

કફોડી સ્થિતિ અણ્ણા હઝારે અને તેમની ટીમની પણ છે. અણ્ણા હઝારેએ કોઈ પણ પગલું ભરતાં પહેલાં બે વાસ્તવિકતા સમજી લેવી જોઈએ:

૧. ખરડાને કાયદો બનાવવાનું કામ સંસદસભ્યોનું છે અને એમાં કોઈ મીનમેખ ન થઈ શકે. સિવિલ સોસાયટીના મધ્યમવર્ગીય સભ્યોને રાજકારણીઓ પ્રત્યે ગમે એવો અણગમો હોય તો પણ વાસ્તવિકતા આ છે.
૨. લોકસભા તેમ જ રાજ્યસભાના મળીને કુલ ૭૯૪ સભ્યોમાંથી એક પણ સભ્યે અણ્ણા હઝારેના જનલોકપાલ બિલને ટેકો આપ્યો નથી. આઇ રિપીટ, એક પણ સભ્યે ટેકો નથી આપ્યો. ગયા ઑગસ્ટ મહિનામાં અણ્ણાના આંદોલનને ભવ્ય સફળતા મળી હતી અને રાજકારણીઓ અભૂતપૂર્વ માનસિક દબાવનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ કોઈએ અણ્ણાના ખરડાને એના એ સ્વરૂપમાં સ્વીકારી લેવાનું નહોતું કહ્યું. દરેક સભ્યે સશક્ત લોકપાલ લઈ આવવાના સોગંદ ખાધા હતા, જનલોકપાલ માટે કોઈએ સોગંદ નહોતા ખાધા.

જો આ વાસ્તવિકતા હોય અને આ વાસ્તવિકતા છે એ વિશે કોઈ શંકા નથી તો એ સ્થિતિમાં અણ્ણા હઝારે અને તેમની ટીમ પાસે માત્ર એક જ વિકલ્પ બચે છે અને એ છે વચલો રસ્તો કાઢવાનો, સમાધાન કરવાનો. તેમણે જનલોકપાલ ખરડાને ભૂલી જવો જોઈએ અને સંસદમાં રજૂ કરવામાં આવેલા ખરડાને હજી કેટલો વધુ મજબૂત કરી શકાય એ માટે દબાણ લાવવા કામ કરવું જોઈએ.

‘એક ડગલું બસ’ એમ ગાંધીજી આંદોલનકારીઓને કહી ગયા છે અને પ્રત્યક્ષ કૃતિ દ્વારા શીખવીને ગયા છે. બીજાના અધિકારક્ષેત્રમાં ઘૂસીને ત્યાં બેઠેલા ૭૯૪ સભ્યોએ હું કહું એ મુજબ જ વર્તવું જોઈએ એવી અપેક્ષા વધુપડતી છે. ચપરાસી પણ પોતાના અધિકારક્ષેત્રમાં બૉસને માથું મારવા દેતો નથી તો આ તો સંસદસભ્યો છે. જે અમારી સાથે નથી એ દેશદ્રોહી અને ભ્રષ્ટ છે એ ભાષા જ મૂળે વાંધાજનક છે; પરંતુ હજીયે રામલીલા મેદાનમાં એ ચાલી જાય, પણ ખરડો જ્યારે સંસદગૃહના ફ્લોર પર હોય ત્યારે આવા લલકારો કામ ન આવે.

પરંતુ અણ્ણા તો અણ્ણા છે. તેમનું પોતીકું તર્કશાસ્ત્રીછે, પોતીકી ભાષા છે અને વિલક્ષણ ટીમ ધરાવે છે. અણ્ણાના આંદોલનને ગયા ઑગસ્ટ મહિનાની જેમ અણધારી સફળતા મળી તો રાજકીય કટોકટી સર્જાશે અને જો સફળતા નહીં મળે તો વૉચ-ડૉગ તરીકે કામ કરતી સિવિલ સોસાયટીની તાકાત નબળી પડશે. તેમના માટે શ્રેષ્ઠ માર્ગ છે થોડુંક જતું કરીને વધુમાં વધુ મેળવી લેવાનો.

હવે લોકપાલના ખરડાના મેરિટની વાત કરીએ. મારા મતે લોકપાલનો ખરડો સાવ પાંગળો નથી. સીબીઆઇને કાં સ્વાયત્ત કરવામાં આવે અથવા સીબીઆઇની તપાસકામગીરી પર નજર રાખવાનો લોકપાલને અધિકાર આપવામાં આવે એ પૂરતું છે. લોકપાલ તપાસની કામગીરી હાથ ધરે એ એક ગામમાં બે પોલીસ-સ્ટેશન ખોલવા જેવું છે. બીજું, એ સ્થિતિમાં લોકપાલની કર્મચારીસંખ્યા હજારોની થાય અને એટલી મોટી સંખ્યામાં ઈમાનદાર કર્મચારીઓ તો રામરાજ્યમાં પણ નહોતા.

સી અને ડી વર્ગના કર્મચારીઓને લોકપાલમાં સમાવવાનો આગ્રહ વ્યવહારુ નથી. એમને સાવ છૂટો દોર પણ આપવામાં આવ્યો નથી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સી અને ડી વર્ગના કર્મચારીઓ સામેની ફરિયાદ સાંભળશે.
લોકપાલની અને સીબીઆઇના ડિરેક્ટરની નિમણૂકમાં વાંધાજનક કંઈ જ નથી, માત્ર એને હટાવવાની બાબતમાં હજી મુશ્કેલ અને આકરી વ્યવસ્થા થઈ શકે. આગળ કહ્યું એમ બીજેપી, મુલાયમ સિંહ યાદવ અને માયાવતીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકપાલનો ખરડો પસાર થાય એમાં રસ નથી. જો અણ્ણા જીદે ચડશે તો ખરડો ખોરવાઈ જશે. આના કરતાં થોડુંક જતું કરીને ઝાઝું મેળવી લેવામાં વધારે અક્કલમંદી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK